આણંદઃ દવાના બિલ પર સ્ટેમ્પ લગાવી મતદારોને જાગૃત કરવાનું અનોખું અભિયાન
- મતદાર જાગૃતિ અર્થે સખી મંડળનું સિગ્નેચર કેમ્પેઇન
આણંદ, શનિવાર, 6 એપ્રિલ: લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે મતદાર જાગૃતિ માટે જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે “સ્વીપ” કાર્યક્રમ અંતર્ગત વિવિધ મતદાન જાગૃત્તિ અભિયાન હાથ ધરાઈ રહ્યા છે.
મતદાન જાગૃતિ અભિયાન હેઠળ આણંદ વિધાનસભા મતવિસ્તારમાં જિલ્લા ચૂંટણી તંત્ર અને કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે પોષક મેડિસીન્સ ખાતે મતદાર જાગૃતિનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો. આ દવાના વેપારી દ્વારા તેમની દુકાને દવા લેવા આવતા ગ્રાહકોને આપવામાં આવતા બિલ ઉપર ‘‘ચૂનાવ કા પર્વ, દેશ કા ગર્વ: લોકસભા ચૂંટણી-૨૦૨૪” નો સ્ટેમ્પ મારીને જિલ્લામાં મતદારો વધુમાં વધુ મતદાન કરવા પ્રેરાય તેવું સરહાનીય અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
મતદાર જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસિએશન દ્વારા હાથ ધરવામાં આવેલા આ અભિયાનમાં આણંદ તાલુકાની ૩૭૦ જેટલી દવાના દુકાનદારો સહભાગી બન્યા છે. આ તમામ દવાની દુકાનોમાં આવતા ગ્રાહકોને આપવામાં આવતા બિલમાં આ પ્રકારનો મતદાર જાગૃતિના સંદેશ દર્શાવતા સ્ટેમ્પ મારીને પ્રત્યેક મતદારો સુધી મતદાન અવશ્ય કરવાનો સંદેશ પહોંચાડાશે. આણંદ તાલુકાના દવાના વેપારીઓ ઉપરાંત આગામી દિવસોમાં ક્રમશ: અન્ય તાલુકામાં દવાના વેપારીઓ દ્વારા પણ દવાના બિલ પર ચૂંટણીલક્ષી સ્ટેમ્પ લગાવી મતદાન જાગૃતિના પ્રયાસ હાથ ધરવામાં આવશે.
આ પ્રસંગે મદદનીશ જિલ્લા ચૂંટણી અધિકારી મયુર પરમાર તથા ફુડ એન્ડ ડ્રગ વિભાગના મદદનીશ કમિશનર ચંદ્રિકાબેન ચોડવડીયા ઉપરાંત ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા અધિકારી-કર્મચારીઓની ઉપસ્થિતિમાં મતદારોને મતદાન જાગૃતિના શપથ લેવડાવીને મતદારો સુધી મતદાનના મહત્વનો સંદેશો પહોંચાડાયો હતો. આ તકે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ “ચુનાવ કા પર્વ- દેશ ગર્વ” ના સ્લોગન સાથે બલૂન ઉડાડીને લોકશાહીના મહાપર્વમાં મતદાન કરવાનો અનુરોધ કર્યો હતો.
મતદાર જાગૃતિ અર્થે સખી મંડળનું સિગ્નેચર કેમ્પેઇન
આ ઝૂંબેશ અંતર્ગત ગત ચૂંટણીમાં જે મતદાન મથકો ખાતે ઓછું મતદાન થયું છે, તેવા મતદાન મથકો વિસ્તારમાં મતદારોને જાગૃત કરવા વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જેમાં સિગ્નેચર કેમ્પેઇન, વાલીઓ પાસેથી સંકલ્પ પત્ર ભરાવવા, મતદાર જાગૃતિ રેલી યોજવી અને ગ્રામ્ય વિસ્તારમાં મતદારો અને ખાસ કરીને મહિલા મતદારોને મતદાનના દિવસે અમે મતદાન જરૂરી કરીશું તેવા શપથ પણ લેવડાવવામાં આવી રહ્યા છે.
આ મતદાર જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત સ્વીપ કાર્યક્રમના નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારી કામિનીબેન ત્રિવેદીએ ઉમરેઠ તાલુકાની ભાટપુરા સરકારી માધ્યમિક શાળા ખાતે, આણંદ તાલુકાની નાવલી ગામની હાઇસ્કુલ ખાતે, સોજીત્રા તાલુકાની બી.બી.પટેલ હાઇસ્કુલ, ડભોઉ ખાતે, બોચાસણ હાઇસ્કુલ ખાતે, ખંભાત તાલુકાની સરકારી માધ્યમિક શાળા લુણેજ ખાતે હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને મતદાન જરૂર કરીશું તેવા સંકલ્પ પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ઉમરેઠ તુળજા માતા સખી મંડળ દ્વારા મતદારોમાં જાગૃતિ લાવવા અંગે સિગ્નેચર કેમ્પેઇન યોજવાની સાથે મતદાન જાગૃતિ પ્રતિજ્ઞાનું વાંચન પણ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ ભારત – સિંગાપોર વચ્ચે વેપારમાં એક વર્ષમાં 18 ટકાનો ઉછાળો