છત્તીસગઢમાં નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ, 4500 લીટર મળી આવ્યું નકલી ઘી
- મહારાષ્ટ્રના ગોંદિયા જિલ્લાનો એક વ્યક્તિ છત્તીસગઢના અંબિકાપુરમાં રહીને તૈયાર કરતો હતો નકલી ઘી
અંબિકાપુર, 6 એપ્રિલ: વહીવટીતંત્ર અને ફાર્માસ્યુટિકલ વિભાગની ટીમે છત્તીસગઢના અંબિકાપુર સ્થિત બાબુપરાના એક મકાનમાં નકલી ઘી બનાવવાની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. દરોડાની કાર્યવાહીમાં 4500 લીટર નકલી ઘી અને તેલ મળી આવ્યું છે. આ કેસમાં એક વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી છે. જિલ્લા પ્રશાસનને એક બાતમીદાર પાસેથી માહિતી મળી હતી કે અંબિકાપુરના બાબુપારા સ્થિત એક ઘરમાં કેટલાક લોકો નકલી ઘી બનાવી રહ્યા છે. માહિતીના આધારે વહીવટીતંત્રની ટીમે દરોડા પાડ્યા હતા. ભારે પોલીસ બંદોબસ્ત જોઈને કામદારો ભાગી ગયા હતા. આ કાર્યવાહીમાં ટીમે 4500 કિલો નકલી ઘી જપ્ત કર્યું છે.
આરોપી રાકેશ બંસલ ભાડાના મકાનમાં રહેતો હતો
વહીવટીતંત્ર દ્વાર સ્થળ પર દરોડા પાડવામાં આવ્યા ત્યારે ધટના સ્થળ પરથી વનસ્પતિ તેલ અને સોયાબીન તેલ પણ મળી આવ્યું હતું, જેનું મિશ્રણ નકલી ઘી તૈયાર કરવા માટે વાપરવામાં આવતું હતું. આ કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે, જેનું નામ રાકેશ બંસલ છે, તે મૂળ મહારાષ્ટ્રના ગોંદિયાનો છે. તે અહીં ભાડાના મકાનમાં રહેતો હતો.
નકલી ઘી દીવા માટે બનાવ્યું હતું: આરોપી
આરોપીએ પૂછપરછમાં કહ્યું કે જપ્ત કરાયેલુ ઘી મનોકામના દીવા કરવા માટે બનાવવામાં આવ્યું હતું, પરંતુ વહીવટીતંત્રએ કહ્યું કે સ્થળ પરથી આવો કોઈ દસ્તાવેજ મળ્યો નથી, કે તે સાબિત થઈ શકે કે બનાવટી ઘીનો ઉપયોગ માત્ર દીવો કરવા માટે જ કરવામાં આવતો હોય. એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે તે આ ઘી બજારમાં પણ વેચાતું હશે.
પોલીસને બાતમીના આધારે દરોડા પાડ્યા
અધિકારીઓએ જણાવ્યું કે અહીં કેટલાક દિવસોથી નકલી ઘી બનાવવામાં આવી રહ્યું હતું. એક બાતમીદાર પાસેથી માહિતી મળી હતી, ત્યાર બાદ અમે આખી ટીમ સાથે પહોંચ્યા અને નકલી ઘી જપ્ત કર્યું. તેને સોયાબીન તેલ અને ડાલ્ડા અને અન્ય કેટલીક સામગ્રીઓનું મિશ્રણ કરીને તૈયાર કરવામાં આવી રહ્યું હતું. આ તમામ 4500 કિલો ઘી પોલીસે જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથધરી છે.
આ પણ વાંચો: માઇક્રોસોફ્ટે કર્યો મોટો દાવો, ચીન AI દ્વારા ભારતની લોકસભાની ચૂંટણીને પ્રભાવિત કરવાની તૈયારીમાં