રૂપાલાનો ચૂંટણી લડવાનો સ્પષ્ટ સંકેત, હું ફોર્મ ભરૂ ત્યારે તમારે પાઘડી બાંધીને આવવાનું
રાજકોટ, 6 એપ્રિલ 2024, ભાજપના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલા રાજકોટથી જ ચૂંટણી લડશે એવો સ્પષ્ટ સંકેત ખુદ તેમણે જ આપી દીધો છે. રાજકોટમાં રહેતા અમરેલીના લોકો સાથે એક સ્નેહ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રૂપાલાએ જણાવ્યું હતું કે, હવે પછી બે વખત તમારે આવવાનું છે એક હું ફોર્મ ભરવા જાઉં ત્યારે અને મતદાનના દિવસે.આ નિવેદન ઉપરથી આ વાત સ્પષ્ટ સંકેત આપવામાં આવી રહ્યો છે કે આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા જ રહેશે.
હું ફોર્મ ભરૂ ત્યારે તમારે પાઘડી બાંધીને આવવાનું
રાજકોટના નવા 150 ફૂટ રિંગરોડ પર ટીલાળા ચોક નજીક આવેલ ક્રિષ્ના ગૌશાળા ખાતે અંબરીશ ડેરની આગેવાનીમાં મૂળ અમરેલીના અને રાજકોટમાં વસતા લોકો સાથે સ્નેહ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મૂળ અમરેલીના અને રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા ઉપસ્થિત રહ્યા હતા.રાજકોટના લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, આજે મારે આમ તો તમને બધાને વધુ કઈ કહેવાની જરૂર નથી પણ એક વાત ખાસ કહું છું. હું તમને સમય આપીશ એક-બે દિવસમાં ફોર્મ ભરવાની તારીખ નક્કી કરીને આપીશ ત્યારે પાઘડી બાંધી તમારે બધાને આવવાનું છે. પાઘડી બાંધવાનો મતલબ એટલે કે જાનૈયા બનીને તમારે બધાએ આવવાનું છે. બીજી વખત મતદાનની તારીખ આવે ત્યારે સાગમટે આવવાનું છે.
વટવાળાની સાથે હંમેશાં રહેવાય
રૂપાલાએ કહ્યું હતું કે, મારા ઉપર મહાદેવની કૃપા છે કે અંબરીશ ડેર મને મદદે આવ્યો એનાથી મોટી ભગવાનની કૃપા હોય ન શકે. અમરેલીથી પાણીની સમસ્યા કારણે જ મોટાભાગે લોકો અહીં રાજકોટ આવ્યા હશે. હું અમરેલીમાં ચીફ ઓફિસર હતો ત્યારે 15 દિવસે 15 મિનિટ પાણી વિતરણ થતું. કોંગ્રેસની સરકાર હતી ત્યારે ડંકીના બોર મંજૂર કરતા અને ટેન્કરો ફાળવતા આ જ ઉપાય હતો. માંગ્યા વિના મા પણ ન પીરસે પરંતુ, માંગ્યા વિના આપે એ નરેન્દ્ર મોદી. મોદીએ 24 કલાક વીજળી આપી, નર્મદાનું પાણી આપ્યું, આરોગ્ય ક્ષેત્રે 108 સુવિધા આપી.રશિયા-યુક્રેન યુદ્ધ સમયે 22,000 દીકરા – દીકરીઓને બચાવી ભારત લઇ આવ્યાં ત્યારે એક દીકરાએ મને કહ્યું કે, ઘરેથી બહાર નીકળો ત્યારે ત્રિરંગો લઇને બહાર નીકળજો એવી સૂચના અમને આપવામાં આવી હતી. આ ભારતનો વટ પડી ગયો કહેવાય અને વટવાળાની સાથે હંમેશાં રહેવાય માટે તમે અહિં મને મત આપો તે સ્વાભાવિક છે પણ ભાજપને મતદાન કરવા બધાને અપીલ કરજો.