કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતચૂંટણી 2024ટોપ ન્યૂઝ

પરેશ ધાનાણીની કવિતા વાયરલ, “હે શક્તિ, તમે શાંત રહેજો”, જાણો આગળ શું લખ્યું

રાજકોટ, 5 એપ્રિલ 2024, ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો પ્રચાર શરૂ થઈ ગયો છે. દર વખતે ચૂંટણી આવે ત્યારે કોંગ્રેસની સ્થિતિ દયનીય બની જતી હોય છે. પરંતુ અસંખ્ય કોંગ્રેસીઓ ભાજપમાં જોડાઈ ગયા બાદ હવે ભાજપની સ્થિતિ કોંગ્રેસ જેવી થઈ ગઈ છે. રાજ્યમાં ત્રણેક બેઠકો પર ભાજપમાં ઉમેદવારોને લઈને અસંતોષ જોવા મળી રહ્યો છે. સાબરકાંઠાનો વિવાદ હાલમાં શાંત દેખાય છે પણ રાજકોટ બેઠકનો વિવાદ મધપૂડાને છંછેડવા જેવો બની ગયો છે. ત્યારે રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે ટ્વિટર પર કવિતાઓ લખીને પ્રહાર કરવામાં આવી રહ્યાં છે. તાજેતરમાં કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી, હેમાંગ રાવલ અને ભાજપના યજ્ઞેશ દવે વચ્ચે કવિતાઓ લખીને ટ્વિટર યુદ્ધ છેડાયું હતું. પરંતુ હવે રૂપાલાના વિવાદમાં ક્ષત્રિયાણીઓએ જૌહર કરવાની વાત કરતાં પરેશ ધાનાણીએ પ્રજ્ઞા બા ઝાલાનો એક વીડિયો પોસ્ટ કરીને નામ લીધા વિના ભાજપ પર આકરા પ્રહારો કર્યાં છે.

પ્રજ્ઞાબા ઝાલાનો એક વીડિયો પોસ્ટ કરી કવિતા ટ્વીટ કરી
ક્ષત્રિય સમાજ મામલે પરષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલ ટિપ્પણીને લઇ વિરોધ હવે અલગ અલગ જિલ્લામાં પ્રસરી રહ્યો છે. ત્યારે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી એ પ્રજ્ઞાબા ઝાલાનો એક વીડિયો પોસ્ટ કરી કવિતા ટ્વીટ કરી છે. પરષોત્તમ રૂપાલાની ટિપ્પણીને લઈ વીડિયોમાં જૌહરની વાત પ્રજ્ઞાબા ઝાલા કરી રહ્યા છે. પરેશ ધાનાણીએ કવિતા લખી તેમને સમર્થન આપ્યુ છે. ત્યારે પરેશ ધાનાણીની જવતલિયાની વાત પર પ્રજ્ઞાબા ઝાલાએ વીડિયોમાં આભાર પણ માન્યો છે. ધાનાણીએ કવિતામાં લખ્યુ છે કે, હે શક્તિ, તમે શાંત રહેજો.. જ્યારે જ્યારે રાજ ના દરબારમાં, દેવી દ્રૌપદી ના “દામન” દુભાય છે, ત્યારે ત્યારે હંમેશા મહાભારતના યુદ્ધો જ થાય છે..!, અઢારેય વર્ણ, હવે એક સુર થઈએ, બેન- દિકરીઓની લાજ બચાવીએ, નવા ‘મહાભારત’ પર રોક લગાવીએ, આપણા ‘ભારતને મહાન’ બનાવીએ.!

કમલમ”માં કકળાટ, જ્યારે “કોંગ્રેસ” ટનાટન છે
અગાઉ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ધાનાણીએ એક્સ પર એક પોસ્ટ કરી હતી. જેમાં તેમણે ‘ભાજપમાં આંતરિક અસંતોષનો ઉભરો શમતો નથી’ના હેડિંગ સાથેનું ન્યૂઝ પેપરનું કટિંગ પોસ્ટ કરી લખ્યું કે લોકસભા 2024 હાલ “કમલમ”માં કકળાટ, જ્યારે “કોંગ્રેસ” ટનાટન છે. 2004નું પુનરાવર્તન પાક્કું.! ત્યાર બાદ બીજી એક પોસ્ટમાં એક કવિતા લખી હતી જે ધડાધડ વાયરલ થવા માંડી હતી. ધાનાણીની કવિતાના જવાબમાં ભાજપના મીડિયા કન્વીનર યજ્ઞેષ દવેએ એક્સ પર લખ્યું કે,કોંગ્રેસ ટના ટન નહીં કોંગ્રેસ “ના” પાડવામાં ટનાટન અને કોંગ્રેસની મજબૂરીઓ પણ ટનાટન પ્રદેશ પ્રમુખ શક્તિસિંહના હોમ ટાઉન ભાવનગર અને સ્વ. અહેમદ પટેલના હોમટાઉન ભરૂચ સીટ જેલથી સરકાર ચલાવનારના શરણમાં મુકવી પડી. ત્યાર બાદ તેમણે એક કવિતા લખી હતી.

હેમાંગ રાવલે ફેસબુક પોસ્ટ દ્વારા જવાબ આપ્યો
યજ્ઞેશ દવેના ટ્વીટ બાદ કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે ફેસબુક પોસ્ટ દ્વારા જવાબ આપ્યો અને એક પોસ્ટર પોસ્ટ કર્યું હતું. જેમાં કમળને ઉંધુ ચિતરવામાં આવ્યું હતું.ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સોશિયલ મીડિયા પર વોર જામ્યા બાદ આ વાત મીડિયા સામે આવી હતી અને એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવા લાગ્યા હતા. થોડીવારમાં તો ગુજરાતનો રાજકીય માહોલ ગરમ થઈ ગયો હતો.

આ પણ વાંચોઃવીડિયોઃ બનાસકાંઠામાં પાટીલે ભાજપના કાર્યકર્તાઓને કેમ કહ્યું, વધુ પડતા આત્મવિશ્વાસમાં ના રહેતા

Back to top button