ભારે વિરોધ વચ્ચે રૂપાલા ક્ષત્રિયોના કુળદેવી માં આશાપુરાના શરણે,ચૂંદડી ચડાવી દર્શન કર્યાં
રાજકોટ, 5 એપ્રિલ 2024, લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે ટીપ્પણી કરી હતી. ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઊઠ્યો છે. રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી પણ માગી છે. પરંતુ વિવાદ શમવાનું નામ લેતો નથી. આજે તેઓ સવારે રાજકોટમાં ક્ષત્રિય સમાજના કુળદેવી માં આશાપુરાના મંદિરે માતાજીને ચૂંદડી ચડાવી દર્શન કર્યા હતા. બાદમાં ક્ષત્રિયોના વિરોધ વચ્ચે મહિલા સંમેલન યોજી ફરી પ્રચાર શરૂ કરી દીધો છે. પુરુષોત્તમ રૂપાલાએ આશાપુરા માતાજીના મંદિરે દર્શન કરી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં માતાજીના દર્શન કરતા હોય તેવા ફોટો સાથે પોસ્ટ પણ કરી છે. જેમાં લખ્યું છે કે, રાજકોટ ખાતે શ્રી મા આશાપુરા મંદિરે આદ્યશક્તિ માતાજીના શરણે શિશ નમાવીને સૌના કલ્યાણ માટે પ્રાર્થના કરી.
આશાપુરા માતાજીના મંદિરે દર્શન કરી પ્રચારનો પ્રારંભ કર્યો
કરણીસેનાનાં મહિલા પ્રદેશ અધ્યક્ષ પદ્મિનીબા વાળાએ આશાપુરા મંદિરે માતાજીનાં દર્શન કરી રૂપાલાને હરાવવા માટે શપથ લીધા હતા. બાદમાં કરણીસેનાના વડીલો અને યુવાનોએ રૂપાલા વિરુદ્ધ મતદાન કરવા શપથ લીધા હતા. આજે રૂપાલાએ આશાપુરા માતાજીના મંદિરે દર્શન કરી પ્રચારનો પ્રારંભ કર્યો અને બાદમાં જામટાવર પાસેની સ્વાવલંબી સ્વાશ્રયી આત્મનિર્ભર મહિલા મિલન કાર્યક્રમમાં પહોંચ્યા હતા. જ્યાં રૂપાલાએ નારીશક્તિને વંદન કર્યા હતા.આ દરમિયાન તેમણે મહિલાઓ સાથે બેસી ભોજન કર્યું હતું, જેનાથી રૂપાલાની નવી જ રાજનીતિ જોવા મળી રહી છે. દિલ્હીથી આવ્યા બાદ રૂપાલામાં ભરપૂર આત્મવિશ્વાસ જોવા મળી રહ્યો છે અને આથી હવે ભાજપ દ્વારા રૂપાલાને હટાવવામાં આવશે એવી વાતો હવે ઓછી ચર્ચાઈ રહી છે.
રૂપાલાએ બહેનો સાથે ટિફિન બેઠક કરી હતી
રાજકોટ લોકસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર પુરુષોતમ રૂપાલા સ્વાશ્રયી આત્મનિર્ભર મહિલા મિલન કાર્યક્રમમાં પહોંચ્યા હતા અને મહિલાઓની પ્રવૃત્તિઓને બિરદાવી હતી. રૂપાલાએ જણાવ્યું હતું કે, આજે દરેક જગ્યાએ મહિલાઓ આગળ છે. આ સ્વાવલંબી યોજના પહેલા ભાઈઓ માટે પણ હતી. પરંતુ બાદમાં આ યોજનાનો લાભ મોટાભાગની બહેનોએ લેતા હવે આ યોજનામાં માત્ર બહેનો જ રહી છે.તેમણે બહેનો સાથે ટિફિન બેઠક કરી હતી અને તેમની સાથે નીચે બેસી ભોજન કર્યુ હતુ. હું ધારાસભ્ય હતો ત્યારથી ટિફિન બેઠક કરતો હતો અને આજે અહીં સ્વાવલંબી આત્મનિર્ભર મહિલા મિલનમાં આવવાનો મોકો મળ્યો. જેમાં મહિલાઓ સાથે સંવાદ કર્યો અને તેમની સાથે ભોજન કર્યું.
આ પણ વાંચોઃરાજકોટમાં હું નરેન્દ્ર મોદી, પુરુષોત્તમ રૂપાલા સાથે છું લખેલા બેનરો લાગ્યા, ચૂંટણી શાખાએ હટાવ્યા