રાજકોટમાં હું નરેન્દ્ર મોદી, પુરુષોત્તમ રૂપાલા સાથે છું લખેલા બેનરો લાગ્યા, ચૂંટણી શાખાએ હટાવ્યા
રાજકોટઃ 05 એપ્રિલ 2024, ક્ષત્રિય સમાજ અંગે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ કરેલા નિવેદન બાદ વિવાદ શાંત થઈ જશે તેવી વાતો થઈ રહી છે. બીજી બાજુ રાજકોટમાં ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે ગઈકાલે રૂપાલાની તરફેણમાં પોસ્ટરો અને બેનરો લાગ્યા હતાં. જેમાં રૂપાલા અને પીએમ મોદી એકબીજાને ગળે મળતા હોય તે પ્રકારના ફોટાવાળા અને ‘હું નરેન્દ્ર મોદી સાથે છું, હું પુરુષોત્તમ રૂપાલા સાથે છું’ લખાણવાળા બેનર શહેરની અંબિકા ટાઉનશિપમાં લગાવવામાં આવ્યાં છે. આજે સવારે આ બેનરો રાજકોટ જિલ્લા વહીવટી તંત્રની ચૂંટણી શાખા દ્વારા ઉતારી લેવામાં આવ્યા છે.
રાજકોટમાં રૂપાલાના ફોટાવાળા બેનરો લાગ્યાં
રાજકોટમાં રૂપાલાની તરફેણમાં હવે પાટીદારો મેદાને આવ્યા છે. એક દિવસ પહેલાં રાજકોટ યૂથ ક્લબ દ્વારા અંબિકા ટાઉનશિપમાં રૂપાલાના ફોટાવાળા બેનરો લાગ્યાં હતાં.ગતરાત્રે રૂપાલાના પીએમ મોદી સાથેના ફોટાવાળા બેનરો લગાવવામાં આવ્યાં હતાં. બેનરમાં લખવામાં આવ્યું છે કે, હું સનાતનની સાથે છું.હું હિન્દુત્વની સાથે છું, હું ભાજપની સાથે છું, હું નરેન્દ્ર મોદીની સાથે છું, હું પુરુષોતમ રૂપાલાની સાથે છું. આ પ્રકારના લખાણવાળાં બેનરો લગાવી એવું બતાવવામાં આવ્યું હતું કે, રાજકોટ લોકસભા બેઠક પર પુરુષોત્તમ રૂપાલા જ ઉમેદવાર તરીકે ફાઈનલ રહેશે અને આ રીતે રાજકોટમાં હવે ક્ષત્રિય વિરુદ્ધ પાટીદાર આ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે.
200 જેટલી સોસાયટીના લોકોએ સમર્થન આપ્યું
રાજકોટમાં યૂથ ક્લબના નેજા હેઠળ 200 જેટલી સોસાયટીના લોકોએ રૂપાલાને જિતાડવા સમર્થન આપ્યું છે. જોકે આ તકે લાંબા સમયથી રાજનીતિ મૂકી આપાગીગા ઓટલાના મહંત બનેલા રાજકોટ મનપાના પૂર્વ કોર્પોરેટર નરેન્દ્ર સોલંકી મેદાને આવ્યા હતા અને રૂપાલાને માફી આપવા ક્ષત્રિય સમાજને અપીલ કરી હતી.રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના પૂર્વ કોર્પોરેટર અને હાલ આપાગીગાના ઓટલાના મહંત નરેન્દ્ર સોલંકીએ મીડિયાને જણાવ્યું હતું કે, રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાથી ક્ષત્રિય સમાજ અંગે જે નિવેદન થયું છે એ અંગે તેમણે માફી પણ માગી છે અને તેમનાથી 40 વર્ષમાં પ્રથમ વખત આ પ્રકારની ભૂલ થઈ છે. જેથી ક્ષત્રિયોએ રૂપાલાને માફ કરી દેવા જોઈએ.નરેન્દ્ર બાપુએ લાંબા સમય બાદ રાજનૈતિક નિવેદન આપ્યું હતું અને રૂપાલાને ખુલ્લું સમર્થન આપ્યું હતું.
આ પણ વાંચોઃઅમે 25 કરોડ લોકોને ગરીબીમાંથી મુક્ત કર્યા : PM મોદી