ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કેજરીવાલ સરકારને દિલ્હી હાઈકોર્ટે આપ્યો સખત ઠપકોઃ કહ્યું, સરકાર અમને દબાવી શકે નહીં

  • તમે જાણી જોઈને આવું કરી રહ્યા છો..: દિલ્હી સરકારના વલણથી હાઈકોર્ટ નારાજ 

નવી દિલ્હી, 5 એપ્રિલ: દિલ્હી હાઈકોર્ટ આજે શુક્રવારે એક કેસની સુનાવણી દરમિયાન ખૂબ ગુસ્સે થઈ ગઈ હતી. કેસમાં કોર્ટે દિલ્હી સરકારની આકરી ઝાટકણી કાઢી છે. હાઈકોર્ટે ગ્રાહક ફોરમમાં મહિલાઓ માટે પીવાના પાણી અને શૌચાલય સહિતની મૂળભૂત સુવિધાઓના અભાવને લઈને દિલ્હી સરકારને સખત ઠપકો આપ્યો હતો. હાઈકોર્ટે કહ્યું કે, સરકાર અદાલતો પર આ રીતે દબાણ ન લાવી શકે, જેને કારણે તેમને ન્યાયિક પ્રોજેક્ટ્સ માટેના પોતાના બજેટ મંજૂર કરાવવા અંગે ઉચ્ચ અદાલતનો દરવાજો ખખડાવવા મજબૂર થવું પડે.

દિલ્હી હાઈકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટિસ મનમોહન અને જસ્ટિસ મનમીત પી.એસ. અરોરાની બેંચે કહ્યું કે, ‘રાજ્યને માત્ર અમારી કોર્ટના બજેટમાં કાપ મૂકવામાં જ રસ છે. અમને જાણવા મળ્યું છે કે એક ઇરાદાપૂર્વકની પેટર્ન અપનાવવામાં આવી છે. દરેક બાબત માટે અમારે આદેશને લઈને ઉચ્ચ અદાલતમાં જવું પડશે. ગ્રાહક ફોરમમાં મહિલા શૌચાલય નથી. તમે જાણી જોઈને જ્યુડિશિયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે આવું કરી રહ્યા છો.

દિલ્હી સરકાર તરફથી ખૂબ જ ઓછો સહકાર: HC

હાઈકોર્ટની બેંચે કહ્યું કે, હોસ્પિટલો, કોર્ટ અને ડ્રેનેજ સિસ્ટમ સહિત દરેક સંસ્થાની બાબતમાં ઉચ્ચ અદાલતે હસ્તક્ષેપ કરવો પડે છે કારણ કે દિલ્હી સરકાર તરફથી ખૂબ ઓછો સહકાર મળી રહ્યો છે. નારાજ બેંચે કહ્યું કે, ‘દિલ્હી સરકાર સહકાર નથી આપી રહી. તેઓ ટ્રિબ્યુનલમાં અધિકારીઓની નિમણૂક કરતા નથી. ગ્રાઉન્ડ લેવલ પર કામ શૂન્ય છે. શું તમામ જિલ્લા ગ્રાહક ફોરમમાં મહિલા શૌચાલય છે? એવું ન વિચારો કે તમે અમને આ રીતે દબાવી શકશો, આવું ન કરો. જિલ્લા ફોરમ અને રાજ્ય આયોગમાં મહિલા શૌચાલય કેમ ઉપલબ્ધ નથી? કોઈ ઈરાદો પણ નથી, તે ખૂબ અન્યાયી છે. જિલ્લા ફોરમમાં મહિલા શૌચાલય નથી તે ખૂબ જ ખરાબ બાબત છે.

દિલ્હી સરકારનું હોઇકોર્ટને આશ્વાસન

દિલ્હી સરકારના વકીલે કહ્યું કે, રાજ્ય ઉપભોક્તા પંચે શૌચાલયના નિર્માણ માટે જાહેર બાંધકામ વિભાગને આદેશ જારી કરવો પડશે. બાદમાં,  તેમણે કોર્ટને ખાતરી આપી હતી કે ત્રણ અઠવાડિયામાં જિલ્લા અને રાજ્ય ગ્રાહક ફોરમમાં શૌચાલય અને અન્ય મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. હાઈકોર્ટે સ્પષ્ટતા કરી હતી કે, દિલ્હી સરકારના ખાદ્ય પુરવઠા અને ગ્રાહક બાબતોનો વિભાગ રાજ્ય કમિશનના કોઈપણ આદેશનો આગ્રહ રાખ્યા વિના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડશે. કોર્ટે કેસની આગામી સુનાવણી 23મી એપ્રિલે રાખી છે.

આ પણ જુઓ: ખેડૂતો માટે MSP અને મહિલાઓને 50 અનામત સહિત કોંગ્રેસનું “ગેરન્ટીપત્ર” જાહેર

Back to top button