તમારા ફોનની બેટરી કઈ એપ્સ ખાઈ જાય છે? જાણો અને અત્યારે જ લો કાળજી
- આ એપ્સ ફોનની અડધાથી વધુ બેટરીને ડ્રેઇન કરે છે, લગભગ બધા લોકો તેનો ઉપયોગ કરે છે
HD ન્યૂઝ ડેસ્ક, 5 એપ્રિલ: સ્માર્ટફોન આજે આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. ઘણા દિનચર્યાના કાર્યો આજે સ્માર્ટફોન પર નિર્ભર બની ગયા છે. લોકો સાથે કનેક્ટ રહેવાની સાથે-સાથે ઓનલાઈન પેમેન્ટ, શોપિંગ, ટિકિટ બુકિંગ, ડોક્યુમેન્ટ શેર કરવા જેવા કાર્યો આજે સ્માર્ટફોન દ્વારા થાય છે. આ તમામ કાર્યો યોગ્ય રીતે ચાલુ રહે તે માટે સ્માર્ટફોન ચાર્જ રહે તે ખૂબ જ જરૂરી છે. જો કે, કેટલીકવાર સ્માર્ટફોનમાં બેટરી ડ્રેઇન(Battery Drain) થવાની સમસ્યા ખૂબ જ મોટી પરેશાની બની જાય છે અને તેના કારણે તેને વારંવાર ચાર્જિંગ પર મૂકવો પડે છે. બેટરી ડ્રેઇન થવાની આ સમસ્યા નવા અને જૂના બંને સ્માર્ટફોનમાં જોવા મળે છે. જ્યારે ફુલ ચાર્જિંગ પછી પણ બેટરી ઝડપથી લો થઈ જાય છે, ત્યારે આપણને લાગે છે કે ફોન ખરાબ થઈ ગયો છે અથવા ફોનમાં કોઈ ખામી છે, પણ એવું હોતું નથી. ફોનમાં હાજર ઘણી એપ્સ આ સમસ્યાનું એક મોટું કારણ હોય છે. ઘણીવાર આપણે જે એપ્સનો ઉપયોગ કરીએ છીએ તેના કારણે બેટરી ઝડપથી ખતમ થવા લાગે છે.
તમે સરળતાથી ચકાસી શકો છો કે, કઈ એપ તમારા સ્માર્ટફોનની સૌથી વધુ બેટરી વાપરે છે. આ જાણવા માટે તમારે ફોનની બેટરી સેટિંગ્સમાં જવું પડશે. જ્યાં તમને તમામ એપ્સનું લિસ્ટ મળશે અને એ પણ જાણી શકશો કે દરેક એપ દ્વારા કેટલી બેટરીનો ઉપયોગ કરવામાં આવે છે.
કઈ એપ કેટલી બેટરી વાપરે છે તેની તપાસ કેવી રીતે કરવી
- સૌથી પહેલા ફોનના સેટિંગમાં જાઓ
- હવે તમારે નીચે સ્ક્રોલ કરવું પડશે.
- તમને ત્યાં બેટરી સેક્શનનો વિકલ્પ મળશે.
- જેમાં બેટરી વિભાગને ટેપ કરીને તેના સેટિંગ્સમાં જાઓ.
- તમારે નીચે સુધી સ્ક્રોલ કરવું પડશે, ત્યારપછી તમને અહીં બેટરીના વપરાશ વિશે માહિતી મળશે.
- જ્યાં તમને એપ્સની સામે બેટરીના વપરાશ વિશે માહિતી મળશે.
- જે એપ સૌથી વધુ બેટરી વાપરે છે તે યાદીમાં સૌથી ઉપર હશે.
કઈ એપ્સ સૌથી વધુ બેટરી વાપરે છે?
જો કે સ્માર્ટફોનમાં ઇન્સ્ટોલ કરેલી લગભગ તમામ એપ્સ બેટરીનો વપરાશ કરે છે, પરંતુ જે એપ્સ બેટરીને ઝડપથી લો કરી દે છે, તેમાં ક્રોમ બ્રાઉઝર, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, લિંક્ડઇન, વોટ્સએપનો ઉપયોગ સ્માર્ટફોનની બેટરી ઝડપથી ખતમ કરે છે. ઉલ્લેખનીય છે કે, થોડા મહિના પહેલા pCloud દ્વારા એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો જેમાં એવી 20 એપ્સ વિશે જણાવવામાં આવ્યું હતું. જે સૌથી વધુ બેટરી વાપરે છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, ઓનલાઈન ડેટિંગ એપ્સ પણ બેટરી ખતમ કરવા પાછળનું એક મોટું કારણ છે.
આ પણ જાણો: Oneplus ફોન લેવાનું ચૂકી ગયા હોવ તો સેલમાં ખરીદવાની આજે બીજી તક