ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝટ્રેન્ડિંગ
MP સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરીણામની અસર GJ માં પડશે ?
ગુજરાત બાદ મધ્યપ્રદેશ જેવા ભાજપના મોડલ સ્ટેટમાં ગઈકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવેલા પરિણામોથી GJ ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. કારણ કે, અહીં કોંગ્રેસે તો સારૂ પ્રદર્શન કર્યું જ છે સાથે સાથે આમ આદમી પાર્ટી અને ઓવૈસીની AIMIMએ પણ એન્ટ્રી કરી છે. જેના પગલે આવનાર દિવસોમાં ગુજરાતમાં આવતી વિધાનસભા ચૂંટણીમાં તેનો થોડોક પડઘો પડે તેવી આશંકા રાજકીય વિશ્લેષકોએ વ્યક્ત કરી છે.
વિધાનસભા ચૂંટણીમાં AAP-ઓવૈસીની એન્ટ્રી ભાજપ માટે જોખમી
ગુજરાતમાં 2021ના માર્ચમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ હતી, જેમાં નવા નિશાળિયા જેવા બે રાજકીય પક્ષો આમ આદમી પાર્ટી અને ઓવૈસીની AIMIMએ ઝંપલાવ્યું હતું. એ સમયે પણ ભાજપ એકદમ કોન્ફિડન્સ સાથે ચૂંટણી લડ્યો હતો, ભાજપે આ ચૂંટણીમાં પણ 25 વર્ષની સત્તા દરમિયાન કરેલા વિકાસના નામે મત માગ્યા હતા અને ભાજપનો ભવ્ય વિજય પણ થયો હતો, પરંતુ સૌથી મોટો પડકાર એ આવ્યો કે આમ આદમી પાર્ટી અને ઓવૈસીની પાર્ટીની એન્ટ્રી થઈ ગઈ હતી, જેથી ભાજપ માટે અત્યારસુધી મુખ્ય વિપક્ષ તરીકે કોંગ્રેસને જ હંફાવવાની હતી, પરંતુ આપ અને ઓવૈસીની પાર્ટી ઘૂસી જતાં ભાજપ માટે નવા બે પડકાર ઊભા થયા હતા.
AAPએ મનપા, જિલ્લા-તાલુકા પંચાયત અને AIMIMએ નપા સર કર્યું
ગત વર્ષે યોજાયેલી મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ સુરત મહાનગરપાલિકામાં 27 બેઠક કબજે કરી સૌને ચોંકાવી દીધા હતા. ત્યાર બાદ તાલુકા અને જિલ્લા પંચાયતોની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીએ નોંધપાત્ર પ્રદર્શન કર્યું હતું. જેમાં ધારી તાલુકા પંચાયતની ભાડેર બેઠક પરથી આપના ઉમેદવારની જીત થઈ હતી. આ બેઠક ભાજપની સૌથી સુરક્ષિત બેઠક મનાતી હતી તેમજ કચ્છની ગાંધીધામ તાલુકા પંચાયતમાં આપને એક બેઠક મળી હતી. જૂનાગઢ તાલુકા પંચાયતની જામકા બેઠક પર આપનો વિજય થયો હતો. જેસર તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીને બે બેઠક મળી હતી. બનાસકાંઠાના ડીસાના વોર્ડ નંબર 3માં આપના એક ઉમેદવારની જીત થઈ હતી. જ્યારે કે, AIMIMએ મોડાસા અને ગોધરા નગરપાલિકામાં કુલ 20 ઉમેદવારને ટિકિટ આપી હતી, જે પૈકી 16 સીટ પર વિજય મેળવ્યો હતો.
AIMIMએ અમદાવાદ મનપામાં 7 બેઠકો સર કરી હતી
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં AIMIMએ કુલ 21 બેઠક પર ઉમેદવારી નોંધાવી હતી. જોકે પાર્ટીને જમાલપુર અને મકતમપુરા વોર્ડમાં સફળતા મળી હતી અને તેમના 7 ઉમેદવારનો વિજય થયો હતો. ત્યારે ભાજપ-કોંગ્રેસની લડાઈમાં આમ આદમી પાર્ટી અને AIMIMએ ફાચર મારી પોતાની હાજરી નોંધાવી હતી.