અમદાવાદ, 04 એપ્રિલ 2024, શહેરમાં આવેલી SVP હોસ્પિટલનાં સફાઈ કામદારો અને શ્રમિકો દ્વારા આજે ભૂખ હડતાળનું એલાન કરવામાં આવ્યું હતું. તેઓ SVP હોસ્પિટલ તથા કોર્પોરેશન પાસે સ્પષ્ટ માંગણી કરી રહ્યા છે કે કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરી કાયમી ભરતી કરવામાં આવે અને સરકારી ધારા ધોરણ મુજબ પગારના લાભ આપવામાં આવે. લોકસભા ચૂંટણીમાં અમદાવાદ પશ્ચિમના કોંગ્રેસના ઉમેદવાર ભરત મકવાણા કર્મચારીઓની હડતાળના સમર્થનમાં પહોંચ્યા હતા અને ન્યાય આપવા માટે માંગણી કરી હતી. SVP હોસ્પિટલમાં હડતાલ કરી રહેલા સફાઈ કર્મચારીઓ છેલ્લા 10 વર્ષથી વર્ગ 4 ના કર્મચારી તરીકે કામ કરે છે.
કોન્ટ્રાક્ટરો આ કર્મચારીઓનું શોષણ કરી રહ્યા છેઃ કોંગ્રેસ
કોન્ટ્રાક્ટ પ્રથાના કારણે નોકરી જવાના ભયથી કાયમી ભરતી કરવાની માંગણી કરી રહ્યા છે. અમદાવાદ પશ્ચિમના કોંગ્રેસના ઉમેદવાર ભરત મકવાણાએ આ અંગે વાત કરતા જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી જ્યાં જ્યાં કાયમી ભરતી હોય તેને નાબૂદ કરી કોન્ટ્રાક્ટ પ્રથા ઊભી કરી રહી છે. સામાન્ય માણસ માટે સારી ચાલતી એવી વાડીલાલ હોસ્પિટલ બંધ કરીને કોર્પોરેટ SVP હોસ્પિટલ ઉભી કરી. તેમણે કોર્પોરેશન ઉપર આક્ષેપ કરતા કહ્યું હતું કે હોસ્પિટલમાં અઢળક પૈસા લોકો પાસેથી લઈને કોર્પોરેશન સામાન્ય લોકોને લૂંટી રહ્યું છે. અને કાયમી કર્મચારીઓની ધીરે-ધીરે છટણી કરી રહ્યું છે અને કોન્ટ્રાક્ટ પર રાખી રહ્યું છે. તેમજ રાતો-રાત હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટર બદલાઈ જાય છે અને કોન્ટ્રાક્ટરો આ કર્મચારીઓનું શોષણ કરી રહ્યા છે.
કર્મચારીઓને કાયમી કરવાની જવાબદારી અમારી નથી: SVP
SVP હોસ્પિટલના મેનેજમેન્ટ સ્ટાફ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, SVP હોસ્પિટલનો સફાઈ કામદારોનો જુનો કોન્ટ્રાક્ટ 15 એપ્રિલે પૂર્ણ થાય છે. 15 એપ્રિલ બાદ નવી એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જૂની એજન્સીના કર્મચારીઓ તેમને કાયમી કરવાની અને કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરવાની માંગણી કરી રહ્યા છે. આ કર્મચારીઓ SVP ના કર્મચારીઓ નથી કોન્ટ્રાક્ટના કર્મચારીઓ છે તેથી તેમને કાયમી કરવાનો નિર્ણય SVP હોસ્પિટલ ના લઇ શકે. આ સમસ્યા કોન્ટ્રાક્ટ એજન્સીની છે. SVP હોસ્પિટલ દ્વારા બે ત્રણ દિવસ પહેલા કર્મચારીઓને આ અંગે સમજ અપાઇ છે. તેમજ કર્મચારીઓને કોઈ નવા કોન્ટ્રાક્ટમાં સામેલ થવું હોય અને એમની નોકરી ના જાય તે માટે મધ્યસ્થી તરીકે કાર્ય કરવા પણ હોસ્પિટલ તૈયાર છે. બે દિવસ પહેલા હડતાલ લઈને કર્મચારીઓએ હોસ્પિટલમાં અરજી કરી હતી તેથી હોસ્પિટલના સફાઈ કામને કોઈ અસર ના થાય તે માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે.
આ પણ વાંચોઃઅમદાવાદ: લોકસભાની ચૂંટણીને લઈ કલેકટર કચેરીએ સિંગલ વિન્ડો શરૂ કરાઈ