કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝટ્રેન્ડિંગહેલ્થ
રાજકોટ : સરકારે ડોઝ મોકલ્યા નહી, મનપાએ બોર્ડ માર્યા, ‘વેક્સિન નથી’
વડાપ્રધાન નરેન્દ્રમોદીએ દેશભરમાં 18થી 59 વર્ષના લોકોને કોરોના વેક્સિનના બુસ્ટર ડોઝ (પ્રિકોશન ડોઝ) મફતમાં આપવાની જાહેરાત ર્ક્યા બાદ સરકારના અણઘડ આયોજનના કારણે આ ઝુંબેશનું બાળ મરણ થયું છે.
એક જ કલાકમાં વેક્સિનેશનની કામગીરી બંધ કરી વેક્સિન નથીના બોર્ડ મારી દેવા પડ્યા
રાજ્ય સરકાર દ્વારા મહાનગરપાલિકાને શનિ અને રવિવાર એમ બે દિવસ વેક્સિનના ડોઝ નહીં મળતાં આજે મહાનગરપાલિકાએ બાકી રહેલા 1034 ડોઝમાંથી જ ગાડું ગબડાવ્યું અને એક જ કલાકમાં વેક્સિનેશનની કામગીરી બંધ કરી તમામ આરોગ્ય કેન્દ્રોમાં વેક્સિન નથીના બોર્ડ મારી દેવા પડ્યા હતા. સંભવત: જો આજે સાંજ સુધીમાં ડોઝ મળી જશે તો આવતીકાલે ઝુંબેશ ચાલું રાખવામાં આવશે.
ઝુંબેશ શરૂ થઇ ત્યારે જ કોવેક્સિનના 500 અને કોવીશિલ્ડના 6 હજાર ડોઝ હતા
વડાપ્રધાન મોદીએ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીને અનુલક્ષીને દેશભરમાં 18થી 59 વર્ષના લોકોને કોરોના વેક્સિનના બુસ્ટર ડોઝ મફતમાં આપવાની જાહેરાત કરી હતી. આ પછી મહાનગરપાલિકા દ્વારા પણ આ જાહેરાતના પગલે આરોગ્ય કેન્દ્રો અને સરકારી હોસ્પિટલો એમ તમામ સ્થળોએ વેક્સિનના પ્રિકોશન ડોઝ આપવાનો પ્રારંભ ર્ક્યો હતો. ઝુંબેશ શરૂ થઇ ત્યારે જ મહાનગરપાલિકા પાસે કોવેક્સિનના 500 અને કોવીશિલ્ડના 6 હજાર ડોઝ હતા.
પહેલા દિવસે 3 હજાર જેટલાં લોકોએ પ્રિકોશન ડોઝ લીધા
રાજકોટમાં આઠ લાખથી વધુ લોકોએ હજી પ્રિકોશન ડોઝ લીધા નથી ત્યારે મહાનગરપાલિકાએ વડાપ્રધાનની જાહેરાતના પગલે તા. 15મી જૂલાઇથી પ્રિકોશન ડોઝની શરૂઆત કરી ત્યારે પહેલા દિવસે 3 હજાર જેટલાં લોકોએ પ્રિકોશન ડોઝ લીધા હતા. આ પછી, શનિવારે રાજ્ય સરકાર દ્વારા વધારાના ડોઝ મળી જશે તેમ માનવામાં આવતું હતું. પણ, શનિવારે જ ડોઝ ઓછા હતા. અને શનિવારે સરેરાશ 3 હજાર ડોઝથી કામ ચલાવવામાં આવ્યું હતું.
શનિ અને રવિવાર એમ સળંગ બે દિવસ સુધી રાજકોટને ડોઝ મોકલવામાં આવ્યા નહોતા
મહાનગરપાલિકાની આરોગ્ય શાખાએ રાજ્યના આરોગ્ય વિભાગ સહિતના જવાબદાર તંત્રને વેક્સિનના ડોઝ આપવાની જાણ કરી હતી. આમ છતાં પણ સરકારી તંત્ર દ્વારા શનિ અને રવિવાર એમ સળંગ બે દિવસ સુધી રાજકોટને ડોઝ મોકલવામાં આવ્યા નહોતા. આમછતાં મહાનગરપાલિકાએ આજે સવારે ડોઝનો વધારાનો ડોઝ મળી જશે તેમ માનીને બાકી બચેલા 1034 ડોઝથી કામ ચલાવવામાં આવ્યું હતું. જો કે, આ ડોઝ એક જ કલાકમાં પુરાં થઇ જતાં તમામ આરોગ્ય કેન્દ્રોમાં એક જ કલાકમાં વેક્સિનેશનની કામગીરી બંધ કરી દેવામાં આવી હતી.