પાલનપુરમાં પોલીસે કાફેમાંથી કપલરૂમ પકડ્યો, ડરેલી બે યુવતીઓ ત્રીજા માળેથી કૂદી
પાલનપુર, 03 એપ્રિલ 2024, નવા બસ પોર્ટમાં ચાલતા કાફેમાં ગેરકાયદેસર પ્રવૃતિઓ ચાલતી હોવાની બાતમી મળતા પોલીસે રેડ કરી હતી. આ રેડ દરમિયાન પોલીસના ડરથી ત્રીજા માળે આવેલા એક કાફેમાંથી બે યુવતીઓએ છલાંગ લગાવી હોવાની ઘટના બની છે. જેમને તાત્કાલિક 108 મારફતે સારવાર અર્થે સિવિલમાં ખસેડવામાં આવી છે. બસ પોર્ટમાં અન્ય કાફેમાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.
પોલીસના ડરથી બે યુવતીઓએ છલાંગ લગાવી
પ્રાપ્ત માહિતી મુજબ પાલનપુર પશ્ચિમ પોલીસને બાતમી મળી હતી કે, પાલનપુરના નવા બસ સ્ટેન્ડમાં આવેલા કેટલાક કાફેમાં પરદાની પાછળ કેટલીક ગેરકાયદેસર પ્રવૃતિઓ ચાલે છે જેથી પોલીસે રેડ કરી હતી. આ રેડ દરમિયાન બસ પોર્ટના ત્રીજા માળે આવેલા ‘ફસ્ટ ડેટ’ નામના કાફેમાંથી પોલીસના ડરથી બે યુવતીઓએ છલાંગ લગાવી હતી. જેમને તાત્કાલિક 108 મારફતે સારવાર અર્થે સિવિલમાં ખસેડવામાં આવી છે.આ અંગે પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનના પી.આઇ. આર.બી. ગોહિલે મીડિયાને જણાવ્યું હતું કે, અમને બાતમી મળી હતી કે નવા બસ પોર્ટમાં અમુક કાફે ચાલે છે, જેમાં ‘ફસ્ટ ડેટ’ નામના કાફેમાં પરદા રાખીને છોકરા-છોકરીઓને પ્રાઇવેસી આપવા માટે ગેરકાયદેસર કામગીરી થાય છે.
અફરાતફરીમાં અન્ય છોકરા-છોકરીઓ ભાગી ગયા
પી.આઇ. આર.બી. ગોહિલે વધુમાં કહ્યું હતું કે, બાતમીના આધારે અમારી ટીમ રેડ કરવા માટે ગઇ હતી. પોલીસ રેડ સાંભળતા જ બે યુવતીઓએ પોલીસના ડરથી પાછળની બારીમાંથી છલાંગ લગાવી હતી. બંને યુવતીઓને ઈજા થતાં સારવાર માટે ખસેડાઇ છે અને આગળની તપાસ ચાલુ છે. આ કેફે ઉપરાંત અન્ય જે કાફેમાં ગેરકાયદેસર પ્રવૃતિઓ ચાલે છે, એની તપાસ હાલ પોલીસ કરી રહી છે. ‘ફસ્ટ ડેટ’ નામના કાફેમાંથી પણ કંઇ મળ્યું નથી કારણ કે બે છોકરીઓ કુદી ગઇ એમાં અફરાતફરીમાં અન્ય છોકરા-છોકરીઓ ભાગી ગયા હતા. હાલ કાફેના માલિકને બોલવવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃબનાસકાંઠા બેઠક પર 12.33 લાખ મહિલા મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવશે