બુલેટ ટ્રેનની ઝડપે દોડતી ભારતીય અર્થવ્યવસ્થા: વર્લ્ડ બેંકે GDP ગ્રોથનો અંદાજ વધાર્યો
- 2024માં ભારતની GDP 7.5 ટકાના દરે વૃદ્ધિ પામશે, જે અગાઉના અંદાજ કરતાં 1.2 ટકા વધુ
નવી દિલ્હી, 3 એપ્રિલ: ભારતીય અર્થવ્યવસ્થા 2024માં બુલેટ ટ્રેનની ઝડપે દોડતી રહેશે. જેને હવે વિશ્વ બેંકે પણ મંજૂરી આપી દીધી છે અને તેના તાજેતરના અંદાજમાં વિશ્વ બેંકે ભારતીય અર્થતંત્રના વિકાસ દરમાં વધારો દર્શાવ્યો છે. વિશ્વ બેંકે આ અંદાજમાં કહ્યું છે કે, 2024માં ભારતનો GDP દર 7.5 ટકા વૃદ્ધિ પામી શકે છે. આ અગાઉના અંદાજ કરતાં 1.2 ટકા વધુ છે. વિશ્વ બેંકે જણાવ્યું કે, ભારતમાં સેવા અને ઉદ્યોગ ક્ષેત્રમાં સતત સુગમતાના કારણે જીડીપી વૃદ્ધિ દર 7.5 ટકા સુધી પહોંચી શકે છે. જોકે, મધ્યમગાળામાં વિકાસ દર 6.6 ટકા રહેવાનો અંદાજ છે.
ભારતનો GDP વૃદ્ધિ દર કેટલો?
વિશ્વ બેંકે અનુમાન લગાવ્યું છે કે, નાણાકીય વર્ષ 2025માં ભારતનો GDP વૃદ્ધિ દર 6.6 ટકા રહી શકે છે, જે નાણાકીય વર્ષ 2024માં 7.5 ટકા રહેવાનો અંદાજ છે. આગામી વર્ષમાં GDP વૃદ્ધિ દરમાં ઘટાડાનું કારણ રોકાણની ગતિમાં ઘટાડો હશે, જે પાછલા વર્ષોમાં ઘણો ઊંચો રહ્યો છે.
સરકારી દેવામાં થશે ઘટાડો: વિશ્વ બેંક
વિશ્વ બેંકે વધુમાં કહ્યું કે, ભારતની રાજકોષીય ખાધ અને સરકારી દેવું મધ્યમગાળામાં ઘટવાની અપેક્ષા છે. જેનું કારણ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી રહેલા નીતિગત પ્રયાસો હોવાનું જણાવવામાં આવ્યું હતું, જેનાથી અર્થવ્યવસ્થા મજબૂત રહી શકે છે.
ભારતીય અર્થતંત્રનું અપેક્ષા કરતા વધુ સારું પ્રદર્શન
નાણાકીય વર્ષ 2023-24 ના ચોથા ક્વાર્ટરમાં અર્થતંત્રનું પ્રદર્શન અપેક્ષા કરતા વધુ સારું રહ્યું છે અને તેમાં 8.4 ટકાના દરે વૃદ્ધિની અપેક્ષા છે. સરકારી રોકાણ અને વપરાશમાં વધારો થવાને કારણે આવું બન્યું છે.
દક્ષિણ એશિયાની અર્થવ્યવસ્થા મજબૂત
વિશ્વ બેંકે આગાહી કરી છે કે, દક્ષિણ એશિયાની અર્થવ્યવસ્થા મજબૂત રહેશે. અનુમાન મુજબ 2024માં દક્ષિણ એશિયાની અર્થવ્યવસ્થા 6 ટકાના દરે વૃદ્ધિ પામી શકે છે. દક્ષિણ એશિયાની અર્થવ્યવસ્થા મજબૂત થવાનું મુખ્ય કારણ ભારતની અર્થવ્યવસ્થાનું મજબૂતીકરણ છે. આ ઉપરાંત પાકિસ્તાન અને શ્રીલંકાની અર્થવ્યવસ્થામાં પણ રિકવરી પર છે.
આ પણ જુઓ: પૂર્વ PM મનમોહન સિંહ 33 વર્ષ બાદ રાજ્યસભામાંથી નિવૃત્ત થયા, ખડગેએ લખ્યો ભાવુક પત્ર