બનાસકાંઠાઃ જુના ડીસામાં ઝાટકા મશીનના વીજકરંટથી એક કિશોરનું મૃત્યુ
પાલનપુર, 02 એપ્રિલ 2024, બનાસકાંઠા જિલ્લામાં ખેતરમાં ઝાટકા મશીનના વીજકરંટથી વધુ એક કિશોરનું મૃત્યુ થયુ હોવાની ઘટના સામે આવી છે. જુનાડીસા પાસે રમતા રમતા 12 વર્ષીય કિશોરનું મૃત્યુ થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. ઘટનાને પગલે આજુબાજુના લોકો અને તેના પરિવારજનો દોડી આવ્યા હતા તેમજ ગંભીર હાલતમાં નૈતિકને 108 એમ્બ્યુલન્સ વાન મારફતે સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડયો હતો. જ્યાં ઇજાગ્રસ્ત નૈતિકનું કરુણ મૃત્યુ નિપજ્યું હતુ.
ખેતરની ફરતે ફેન્સિંગ તારમાં વીજ કરંટ ચાલુ કરેલ હતો
પ્રાપ્ત વિગતો પ્રમાણે ડીસા તાલુકાના જુનાડીસાના ઢાળવાસ પાસે રહેતા નલિનભાઈ માળી ખેતી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમનો 12 વર્ષીય નૈતિક સાંજે રમવા માટે ગયો હતો. તે સમયે બાજુના ખેતરની ફરતે ફેન્સિંગ તારમાં વીજ કરંટ ચાલુ કરેલ હતો અને રમતા રમતા નૈતિકનો જમણો હાથ તારને અડી જતા તેને વિજ કરંટ લાગ્યો હતો.કરંટ લાગતા જ નૈતિક ઝટકા સાથે જમીન પર પટકાયો હતો અને તેનો જમણો હાથ દાજી જતા ગંભીર ઈજા પહોચી હતી. ત્યાર બાદ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં તેનુ મૃત્યુ નીપજ્યું હતું.
વીજ કરંટ મુકનાર લોકો સામે કાર્યવાહી કરવા માંગ
આ બનાવ અંગે મૃતકના દાદા ગોવિંદભાઈએ જણાવ્યું હતું કે નૈતિક રમવા માટે ગયો હતો તે સમયે ખેતરની ફરતે તારમાં વીજલાઇનમાથી વાયર મારફતે સીધો કરંટ મુકેલો હતો અને રમતા રમતા નૈતિક આ તારને અડી જતા તેને કરંટ લાગ્યો હતો અને તેનુ મૃત્યુ થયું છે. આ ખેતરમાં અગાઉ વીજ કરંટ લાગતા કેટલાય રોજડા મરી ગયા છે અને હવે તેમનો ભત્રીજો પણ મૃત્યુ પામ્યો છે ત્યારે વીજ કરંટ મુકનાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે.
આ પણ વાંચોઃબનાસકાંઠા: ડીસામાં તંત્રની 11 ટીમોએ ફરસાણ, ઠંડાપીણાંની દુકાનોમાં તપાસ હાથ ધરી