મોદી સરકાર પર રાહુલના વાર, GST-બેરોજગારી મુદ્દે લીધા આડે હાથ
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એકવાર કેન્દ્રની મોદી સરકાર પર પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ જીએસટીના દરોમાં વધારાને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે ફરી એકવાર તેને ‘ગબ્બર સિંહ ટેક્સ’ તરીકે સંબોધન કર્યું હતું. સાથે જ કોંગ્રેસ સાંસદે પણ દેશમાં બેરોજગારીના મુદ્દે સરકાર પર કટાક્ષ કર્યો હતો.
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે સરકાર માત્ર ટેક્સ વધારવામાં લાગી છે. દેશમાં નોકરી નથી. તેમણે આરોપ લગાવ્યો કે, કેન્દ્ર સરકાર દુનિયાની સૌથી ઝડપથી વધી રહેલી અર્થવ્યવસ્થાને તોડી રહી છે.
GSTને લઈને રાહુલ ગાંધીનો કેન્દ્ર પર પ્રહાર
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટર પર દેશમાં જીએસટીના દરોમાં વધારાને કારણે મોંઘી થનારી વસ્તુઓની યાદી શેર કરતા આ ટેક્સને “ગબ્બર સિંહ ટેક્સ” ગણાવ્યો હતો. રાહુલ ગાંધીએ લખ્યું, “હાઈ ટેક્સ, નો જોબ. “વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એકને કેવી રીતે નષ્ટ કરવી તે અંગે ભાજપનો માસ્ટરક્લાસ.”
દૂધ, દહીં અને પનીર પર પણ 5 ટકા GST?
નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતાવાળી જીએસટી કાઉન્સિલે દૂધ, દહીં અને પનીર જેવા પેકેજ્ડ ફૂડને 5 ટકા જીએસટી સ્લેબમાં લાવવાનો નિર્ણય કર્યો છે. આ સાથે ચોખા અને ઘઉં જેવી અનપેક્ડ વસ્તુઓને પણ 5 ટકા ટેક્સ હેઠળ લાવવામાં આવી છે. અત્યાર સુધી આ વસ્તુઓને જીએસટીમાંથી મુક્તિ મળતી હતી.
હોસ્પિટલ અને હોટલના રૂમ પર કેટલો ટેક્સ ?
આ સિવાય રોજના 1000 રૂપિયાથી ઓછી કિંમતના હોટલ રૂમ પર 12 ટકા ટેક્સ લાગશે. અગાઉ તે ડિસ્કાઉન્ટની કેટેગરીમાં આવતું હતું. આ સિવાય હોસ્પિટલના રૂમના રોજના 5000 રૂપિયાથી વધુના ભાડા પર (ICU સિવાય) 5 ટકાના દરે જીએસટી લાગશે. આ સાથે સોલાર વોટર હીટર પર હવે 12 ટકા જીએસટી લાગશે જે પહેલા 5 ટકા હતો. એલઈડી લેમ્પ અને લાઈટ પર હવે 18 ટકા ટેક્સ લાગશે, જ્યારે પહેલા તેના પર 12 ટકા જીએસટી લાગતો હતો. સરકારના આ પગલાની કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે પણ ટીકા કરી છે.