ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

IT વિભાગ કેસમાં કોંગ્રેસને મળી મોટી રાહત, લોકસભા ચૂંટણી સુધી કોઈ કાર્યવાહી નહીં થાય

નવી દિલ્હી, 01 એપ્રિલ: આવકવેરા વિભાગ નોટિસ કેસમાં કોંગ્રેસને થોડા દિવસો માટે રાહત મળી છે. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન આવકવેરા વિભાગે સુનિશ્ચિત કર્યું છે કે, લોકસભાની ચૂંટણીનો સમય ચાલી રહ્યો છે, તેથી અમે આ નાણાંની વસૂલાત અંગે કોઈ કાર્યવાહી કરીશું નહીં. કોંગ્રેસે આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેના પર જસ્ટિસ બી. વી. નાગરથનાની બેન્ચે આ મામલે સુનાવણી કરી હતી. આવકવેરા વિભાગ વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલો રજૂ કરી હતી.

લોકસભા ચૂંટણીને લઈને કાર્યવાહી નહીં થાય

તુષાર મહેતાએ કેસની સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, અમે 1700 કરોડ રૂપિયાની નોટિસ મોકલી છે, પરંતુ લોકસભાની ચૂંટણી આવી રહી છે. અમે અત્યારે કોઈ કાર્યવાહી કરીશું નહીં. ઈન્કમટેક્સે કોર્ટને ખાતરી આપી હતી કે ચૂંટણીનો સમય છે. તેથી અમે આ નાણાંની વસૂલાત અંગે કોઈ પગલાં લઈશું નહીં.

કોંગ્રેસ કેન્દ્ર પર ITનો ઉપયોગનો લગાવ્યો હતો આરોપ

આ પહેલા કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે કેન્દ્ર સરકાર આવકવેરા વિભાગનો ઉપયોગ કરીને પાર્ટીને લાચાર બનાવવા માંગે છે. લોકસભાની ચૂંટણી પહેલા આ પ્રકારની કાર્યવાહી જાણી જોઈને કરવામાં આવી રહી છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે હજુ ચૂંટણીનો દોર ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં વિભાગ ઇચ્છતું નથી કે ચૂંટણી દરમિયાન કોઇપણ પક્ષને કોઇ મુશ્કેલીનો સામનો કરવો પડે. વાસ્તવમાં કોંગ્રેસે હાઈકોર્ટના 2016ના નિર્ણયને પડકારતા કોર્ટનો સંપર્ક કર્યો હતો. જેના આધારે આવકવેરા વિભાગ તેમને નોટિસ જારી કરી રહ્યું છે.

મહત્ત્વનું છે કે ખુદ રાહુલ ગાંધીએ આવકવેરા વિભાગની કાર્યવાહી પર આકરા પ્રહારો કર્યા હતા. હાલમાં જ કોંગ્રેસ વર્કિંગ કમિટિની બેઠક બાદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે એવું લાગે છે કે દેશમાં લોકશાહી ખતમ થવાના આરે છે. અમારા ખાતાઓ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે અને કરોડોની નોટિસ મોકલવામાં આવી રહી છે. આ પછી પણ દેશની કોર્ટ, ચૂંટણી પંચ અને મીડિયા મૌન છે. બધા એક સાથે આ શો જોઈ રહ્યા છે. લોકશાહીને ખતમ કરવાનું ષડયંત્ર છે.

આ પણ વાંચો: આવકવેરા વિભાગે કોંગ્રેસને ફરીવાર નોટિસ પાઠવી, અત્યાર સુધીમાં રૂ. 3567 કરોડની ટેક્સ ડિમાન્ડ

Back to top button