ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતફન કોર્નરમધ્ય ગુજરાતવિશેષ

Breaking News – મેટ્રો ટ્રેનોની જેમ સામાન્ય ટ્રેનોમાં પણ શરૂ થઈ એનાઉન્સમેન્ટ સિસ્ટમ, મુસાફરો ખુશ

Text To Speech
  • થોડા મહિના પહેલાં આ અંગે જાહેરાત કરવામાં આવી હતી, આજે એકાએક અમલ શરૂ થઈ જતાં સૌને સાનંદાશ્ચર્ય થયું

નવી દિલ્હી, એપ્રિલ-204: રેલવે વિભાગ દ્વારા થોડા મહિના પહેલાં કરવામાં આવેલી જાહેરાતનો આજે સવારથી એકાએક અમલ શરૂ થઈ જતાં મુસાફરો સાનંદાશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા.

બન્યું એવું કે, આજે વહેલી સવારે દિલ્હીથી દોલતાબાદ જઈ રહેલી સ્પેશિયલ ટ્રેનના દરેક ડબામાં પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ ઉપર હવે પછી આવનાર સ્ટેશનનું નામ, કેટલા કિલોમીટરનું અંતર બાકી છે તે, પ્લેટફોર્મ કઈ દિશામાં આવશે તે – વગેરે જાહેરાત થવા લાગી. મેટ્રો ટ્રેન સિવાયની સામાન્ય ગાડીઓમાં અગાઉ કદી આવું થયું નહોતું એટલે તમામ મુસાફરોને ભારે આશ્ચર્ય થયું અને બધા એકબીજાની સામે જોવા લાગ્યા.

મજાની વાત એ છે કે, મુસાફરોને વિશ્વાસ ન પડતાં તેમાંના અમુકે – જેમના અન્ય મિત્રો કે સગા-વહાલા એ જ ટ્રેનના બીજા ડબામાં બેઠા હતા તેમને આ વાતની જાણ કરવા ફોન કર્યો ત્યારે સામેથી તેમને એવું કહેવામાં આવ્યું કે, એમના ડબામાં પણ આવી જ જાહેરાત તેમને સાંભળવા મળી છે.

ટૂંક સમયમાં આ વાત સોશિયલ મીડિયામાં પણ ફેલાવા લાગી કેમ કે અન્ય સામાન્ય ટ્રેનોમાં પણ મુસાફરોને ચાલતી ગાડીમાં આવી પબ્લિક એનાઉન્સમેન્ટ સુવિધાનો લાભ મળ્યો હતો. દસ મિનિટમાં તો ટ્વિટર અર્થાત X ઉપર તો હૅશટેગ (#) સાથે ટ્રેન્ડ પણ શરૂ થઈ ગયો હોવાનું જાણવા મળ્યું હતું.

મીડિયાને આ વાતની જાણ થતાં તરત જ બ્રેકિંગ ન્યૂઝ (Breaking News) શરૂ થઈ ગયા હતા, પરંતુ કમનસીબે કોઈ મીડિયા હાઉસે આ વાતની ફેક્ટ ચેક (Fact check) કરવાની તસ્દી લીધી નહોતી.

અને ત્યારે, એક RJએ યોગાનુયોગ એક ગીત મૂક્યું, “વા વાયા ને નળિયું ખસ્યું, તે દેખીને કૂતરું ભસ્યું… કોઈ કહે મેં દીઠો ચોર, બહુ થયો ત્યાં શોરબકોર”.

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge News (@humdekhenge_news)

જોકે, હમ દેખેંગે ન્યૂઝ આ સમાચારની ખાતરી કરવા પ્રયત્નશીલ છે. અમારા સંવાદદાતા વિવિધ ટ્રેનના મુસાફરોનો સંપર્ક કરી રહ્યા છે અને સમાચાર કન્ફર્મ થયા બાદ તરત અપડેટ કરવામાં આવશે.

દરમિયાન, કેટલાક લોકોને એવી વાતો કરતા પણ સાંભળવા મળ્યા હતા કે, શું આ સમાચાર એપ્રિલફૂલ તો નથી ને!?

Back to top button