જાતીય સતામણીથી કંટાળીને કૉલેજની વિદ્યાર્થીનીએ હોસ્ટેલની છત પરથી માર્યો કૂદકો, મેસેજમાં કહ્યું- એકથી વધુ …
વિશાખાપટ્ટનમ, 31 માર્ચ: આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં એક ખાનગી કોલેજમાં અભ્યાસ કરતી 17 વર્ષની વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી લીધી છે. ડિપ્લોમાના પ્રથમ વર્ષની વિધાર્થિનીએ ગુરુવારે રાત્રે હોસ્ટેલની છત પરથી છલાંગ લગાવી હતી. તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી પરંતુ, ગંભીર ઈજાના કારણે બીજા દિવસે તેનું મૃત્યુ થયું. તેણીના પરિવારને મોકલવામાં આવેલા ટેક્સ્ટમાં જાણવા મળ્યું હતું કે વિધાર્થિનીને ઊંડી ભાવનાત્મક પીડા થઈ રહી હતી કારણ કે તેણીએ જાહેર કર્યું હતું કે તેણી કેમ્પસમાં જાતીય હુમલાનો ભોગ બની હતી.
તેણીએ પોતાના મેસેજમાં લખ્યું હતું કે, તેણીને કોલેજ, સ્ટાફ અને ફેકલ્ટી દ્વારા હેરાન કરવામાં આવી હતી. આ મુદ્દાને ફેકલ્ટીના ધ્યાન પર લાવવા છતાં, કોઈ નિરાકરણ આવ્યું ના હતું, બીજી પણ અનેક વિધાર્થિનીઓ છે જે આ સતામણીનો ભોગ બની છે. પોલીસને આ બાબતની જાણ ન કરવા માટે તેને ધમકી પણ આપવામાં આવી હતી. વિધાર્થિનીએ તેના મેસેજમાં એ પણ ખુલાસો કર્યો હતો કે જો એ આ આ અંગે કોઈને પણ જાણ કરશે તો, તેના ખાનગી ફોટા સોશિયલ મીડિયા પર જાહેર કરી દેવામાં આવશે.
માતાપિતાની માફી માંગી
તેણીએ સૂચવ્યું કે કોલેજમાં આવી ઉત્પીડનનો સામનો કરનાર તેણી એકલી જ નથી, પરંતુ અન્ય ઘણી છોકરીઓ પણ આ સજા ભોગવી રહી છે. તેના છેલ્લા મેસેજમાં વિદ્યાર્થિનીએ પોતાના આ પગલાં માટે માતાપિતાની માફી માંગી અને કહ્યું કે તેને લાગ્યું કે તેની પાસે બીજો કોઈ વિકલ્પ નથી. તેણીને આશા છે કે તેની આત્મહત્યા તેણે અને અન્ય લોકોએ સહન કરેલ જુલમ પર પ્રકાશ પાડશે.
ત્રણ સભ્યોની તપાસ સમિતિની રચના
ટેકનિકલ એજ્યુકેશન કમિશનર ચદલવાડા નાગરાણીએ શનિવારે આ ઘટનાની વ્યાપક તપાસના આદેશ જારી કર્યા હતા. તેમણે 24 કલાકની અંદર વિગતવાર રિપોર્ટ સબમિટ કરવા કહ્યું છે. તેમણે કહ્યું કે મીડિયા અહેવાલોના આધારે, વિભાગે કેસના તથ્યો બહાર લાવવા માટે ત્રણ સભ્યોની તપાસ સમિતિની રચના કરી છે. પેંદુર્થી સરકારી પોલિટેકનિક કોલેજના પ્રિન્સિપાલ એન. ચંદ્ર શેખર તપાસ અધિકારી છે, જ્યારે ધાતુશાસ્ત્ર વિભાગના વડા કે. રત્ના કુમાર અને વિશાખાપટ્ટનમ સરકારી પોલિટેકનિક કોલેજના સિવિલ એન્જિનિયરિંગ લેક્ચરર કે. રાજ્ય લક્ષ્મી પેનલના સભ્ય છે.
પિતાને વોટ્સએપ મેસેજ મોકલ્યો
નાગરાણીએ કહ્યું કે મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિધાર્થિનીએ તેના પિતાને એક વોટ્સએપ મેસેજ મોકલ્યો હતો જેમાં લખ્યું હતું કે, તે આ પગલું ભરી રહી છે કારણ કે તે કોલેજના એક લેક્ચરર દ્વારા જાતીય સતામણીનો ભોગ બની છે. તેણીએ એવો મેસેજ પણ કર્યો હતો કે તે એકલી જ નથી જે જાતીય સતામણીનો શિકાર બની છે અને અન્ય વિધાર્થિનીઓ પણ છે. તેણે કહ્યું કે સંસ્થામાં આચરવામાં આવેલા જઘન્ય અપરાધ તરફ લોકોનું ધ્યાન દોરવા માટે તેની પાસે જીવનનો અંત લાવવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. નાગરાણીએ જણાવ્યું હતું કે વિભાગ કોઈપણ વિલંબ કર્યા વિના ગુનેગારો સામે યોગ્ય કાર્યવાહી શરૂ કરશે.