પલ્લવી પટેલ અને ઓવૈસીનું ગઠબંધન, પૂર્વ યુપીમાં અખિલેશ યાદવને લાગી શકે છે ઝટકો
- યુપીમાં ઈન્ડી ગઠબંધન અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવને મોટો ઝટકો
- પલ્લવી પટેલે ઈન્ડી ગઠબંધનથી છેડો ફાડીને AIMIMના વડા ઓવૈસી સાથે ચૂંટણી લડવાનો લીધો નિર્ણય
મિર્ઝાપુર, 31 માર્ચ: લોકસભા ચૂંટણી પહેલા રાજકીય ગતિવિધિઓમાં ઘણા બદલાવ જોવા મળી રહ્યા છે. ચૂંટણી નજીક આવતાની સાથે જ હવે સમાજવાદી પાર્ટી માટે નવી મુશ્કેલી ઉભી થઈ શકે છે. ઈન્ડી ગઠબંધનના સાથી પલ્લવી પટેલે ઈન્ડી ગઠબંધનનો છેડો ફાડીને AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસી સાથે ગઠબંધન કર્યું છે. પલ્લવી પટેલની પાર્ટી અપના દળ હવે ઓવૈસીની પાર્ટી (AIMIM) સાથે મળીને લોકસભા ચૂંટણી લડવા માટે ગઠબંધન કર્યું છે. સોશિયલ મીડિયા પર પલ્લવી પટેલ અને અસદુદ્દીન ઓવૈસીની મુલાકાતની તસવીર પણ પ્રકાશમાં આવી છે.
અખિલેશ યાદવ સાથે છેડો ફાડ્યો પલ્લવી પટેલે
અગાઉ અખિલેશ યાદવ સાથે સીટો પર મતભેદ થયા બાદ એવા અહેવાલો પણ પ્રકાશમાં આવ્યા હતા કે પલ્લવી પટેલ માયાવતી સાથે વાતચીત કરી રહ્યા છે અને તેઓ બસપા સાથે ચૂંટણી લડી શકે છે. જો કે, એવું ન થયું અને હવે તેઓએ AIMIM સાથે ગઠબંધન કર્યું છે. વાસ્તવમાં પલ્લવી પટેલ સમાજવાદી પાર્ટી સાથે 2024ની લોકસભા ચૂંટણી લડવા માંગતી હતી. તેમણે આશા વ્યક્ત કરી હતી કે ઈન્ડી ગઠબંધનમાં વાતચીત દરમિયાન તેમને ફુલપુર, મિર્ઝાપુર અને કૌશામ્બી જેવી સીટો મળશે. પરંતુ અખિલેશ યાદવે મિર્ઝાપુરથી પોતાનો ઉમેદવાર ઉતારીને પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કર્યું.
પૂર્વ યુપીમાં સપાને થઈ શકે નુકસાન
આ પછી, જ્યારે ફેબ્રુઆરી મહિનામાં રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન થયું ત્યારે પલ્લવી પટેલ અને અખિલેશ યાદવ વચ્ચે વિવાદ જોવા મળ્યો હતો. હકીકતમાં, તે દરમિયાન પલ્લવી પટેલે રાજ્યસભાની ચૂંટણીમાં સપાના ઉમેદવારની તરફેણમાં મતદાન કરવાનો ઇનકાર કરી દીધો હતો. પલ્લવીએ આ અંગે કહ્યું કે અખિલેશ યાદવે તેમના પીડીએ (પછાત, દલિત, લઘુમતી) ફોર્મ્યુલાની અવગણના કરી છે. ત્યાર બાદ હવે જ્યારે પલ્લવી પટેલે ઓવૈસી સાથે ગઠબંધન કર્યું છે, ત્યારે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે અખિલેશ યાદવને પૂર્વ યુપીમાં નુકસાનનો સામનો કરવો પડી શકે છે. કારણ કે પલ્લવી પટેલની ફુલપુર, મિર્ઝાપુર અને કૌશામ્બી જેવી સીટો પર સારી પકડ માનવામાં આવે છે.
આ પણ વાંચો: રામલીલા મેદાનમાં આજે ‘INDI ગઠબંધન’ની ‘લોકશાહી બચાવો’ મહારેલી, કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ