મહારાષ્ટ્રના બારામતિમાં નણંદ- ભાભી વચ્ચે જંગ- અજિત પવારની પત્ની અને બહેન વચ્ચે મુકાબલો
મહારાષ્ટ્ર, 30 માર્ચ: દેશમાં લોકસભાની ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે. ખાસ કરીને મહારાષ્ટ્રમાં આ વખતે ચૂંટણીનો મુકાબલો વધારે રસપ્રદ બને તેવી સ્થિતિ સર્જાઈ છે. શિવસેના અને એનસીપી વચ્ચે બે ગ્રુપ હોવાથી બંને પક્ષોના ઉમેદવારો વચ્ચે બરાબરની રસાકસી જામે તેવો માહોલ છે. ત્યારે શરદ પવારની એનસીપી અને અજિત પવારની એનસીપીમાં નણંદ અને ભાભી વચ્ચે મુકાબલો જામવાનો છે. મહારાષ્ટ્રમાં બારામતિમાં અજિત પવારની પત્ની સુનેત્રા પવાર અને શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલે વચ્ચે જંગ જામશે. બીજી તરફ શિવસેનામાં ઉદ્દવ ઠાકરે જૂથ અને શિંદેની શિવસેના વચ્ચેનો જંગ પણ હાલમાં ચર્ચાસ્પદ બન્યો છે.
અગાઉ, શિવસેનાના નેતા વિજય શિવતારે, જેમણે બારામતી બેઠક પરથી અપક્ષ તરીકે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી, ત્યાર બાદ તેમણે શનિવારે પોતાનું વલણ બદલ્યું હતું. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વવાળી પાર્ટી સાથે સંકળાયેલા શિવતારેએ જણાવ્યું હતું કે તેઓ પુણે જિલ્લાની બારામતી બેઠક પરથી ચૂંટણી લડશે નહીં અને તેના બદલે મહાયુતિ ગઠબંધનના ઉમેદવાર માટે પ્રચાર કરશે. શિવતારેની અગાઉની જાહેરાતથી NCP અને શિવસેના વચ્ચે મતભેદો સર્જાયા હતા, કારણ કે આ પક્ષો ભાજપ સાથે રાજ્યમાં મહાગઠબંધનનો ભાગ છે. આ મતભેદ શિવતારેના અજિત પવાર પરના પ્રહારો પરથી પણ સ્પષ્ટ દેખાય છે.
બારામતી લોકસભા બેઠક પર 7 મેના રોજ મતદાન
મહારાષ્ટ્રની 48 લોકસભા સીટો માટે 19 એપ્રિલથી 20 મે વચ્ચે 5 તબક્કામાં મતદાન થશે. બારામતીમાં 7 મેના રોજ મતદાન થશે અને 4 જૂને મતગણતરી થશે. દરમિયાન, NCP (શરદ પવાર) એ શનિવારે કહ્યું કે તેમણે સત્તાધારી ભાજપ અને શિવસેના વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. આ મામલો સ્ટાર પ્રચારક તરીકે અન્ય પક્ષોના વ્યક્તિઓના નામ પ્રકાશિત કરીને લોક પ્રતિનિધિત્વ અધિનિયમ અને ચૂંટણી સંહિતાના ઉલ્લંઘન સાથે સંબંધિત છે. NCP (શરદ પવાર) મહારાષ્ટ્રમાં વિપક્ષી ગઠબંધન મહા વિકાસ અઘાડી (MVA) નો ભાગ છે, જેમાં શિવસેના (UBT) અને કોંગ્રેસ પણ સામેલ છે.
આ પણ વાંચો: ‘ચૂંટણી પ્રચાર સુધી મારાથી દૂર રહેજે’ : બસપા નેતા પતિએ કોંગ્રેસ નેતા પત્નીને આપી ધમકી