અમદાવાદગુજરાતચૂંટણી 2024ટોપ ન્યૂઝ

કોંગ્રેસનો કોન્ફિડન્સઃ પ્રભારી મુકુલ વાસનિકે કહ્યું, ગુજરાતમાં 10 બેઠકો પર જીત મેળવીશું

અમદાવાદ, 30 માર્ચ 2024, ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલાં જ ભાજપમાં ભડકો થયો છે. અત્યાર સુધી કોંગ્રેસની જે સ્થિતિ હતી તેવી જ સ્થિતિ ભાજપમાં જોવા મળી રહી છે. ભાજપે લોકસભાના મેદાનમાં 26 બેઠકો પર ઉમેદવારો ઉતારી દીધા છે. બીજી બાજુ કોંગ્રેસના સાત ઉમેદવારો જાહેર થવાના બાકી છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક આજે અમદાવાદના પ્રવાસે છે. મુકુલ વાસનિક આજે કોંગ્રેસના લોકસભાના ઉમેદવારો સાથે બેઠક કરશે, જેમાં ચૂંટણીને લઈને ચર્ચા કરવામાં આવશે.તેમણે અમદાવાદ એરપોર્ટ પર મીડિયા સાથેની વાતચીતમાં દાવો કર્યો છે કે ગુજરાતમાં કોંગ્રેસ 10થી વધુ બેઠકો પર જીત મેળવશે.

નારાજ મતોને કોંગ્રેસ પોતાના તરફ ખેંચવા રણનીતિ બનાવશે
મુકુલ વાસનિકે રૂપાલા અંગે નિવેદન આપતાં કહ્યું હતું કે, રૂપાલાને જનતા તેમના દરબારમાં જવાબ આપશે. લોકશાહીમાં સામાન્ય ચૂંટણી પર્વ સમાન છે. ભારતના 100 કરોડથી વધારે લોકો મતદાનમાં ભાગ લેશે. કોંગ્રેસ અને વિપક્ષ સામે મુશ્કેલીઓ ઊભી કરવામાં આવે છે. માત્ર ભારતના મતદારો નહીં, દુનિયા આ પ્રક્રિયાને જોઇ રહી છે. કોંગ્રેસના ઉમેદવાર, કોર્ડિનેટર અને નેતાઓ સાથે આજે બેઠક છે. ચૂંટણી માટે છેલ્લી તૈયારીઓ ચાલી રહી છે. કોંગ્રેસ ગુજરાતમાં 10થી વધુ બેઠક પર જીત મેળવશે. નારાજ મતોને કોંગ્રેસ પોતાના તરફ ખેંચવા રણનીતિ બનાવશે. ગુજરાતમાં થનારું પરિવર્તન આખા દેશ સામે આવશે. અમે સમય પહેલાં ઉમેદવારો જાહેર કર્યા છે, બાકીના બે દિવસમાં જાહેર થશે.

બનાસકાંઠા કોંગ્રેસના દિગ્ગજ નેતા ડી.ડી. રાજપૂતનું રાજીનામું
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી વખતથી અત્યાર સુધીમાં 60 હજારથી વધુ કોંગ્રેસી કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે. ત્યારે હવે વધુ એક કોંગ્રેસના પીઢ આગેવાન ડી.ડી રાજપૂતે પક્ષનો છેડો ફાડ્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી અને રાજપૂત સમાજના પીઢ આગેવાન ડી ડી રાજપૂતે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. તેઓ થરાદ રાજપૂત સમાજના પ્રમુખ તરીકે હાલમાં કાર્યરત છે. કોંગ્રેસના દિગ્ગજોએ પક્ષ છોડતા હવે બનાસકાંઠાના ઉમેદવાર ગેનીબેનની મુશ્કેલીઓ વધી શકે છે. દેશમાં અયોધ્યા રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા વખતે કોંગ્રેસે આમંત્રણ ન સ્વીકારતા તેમની લાગણી દુભાઈ હોવાનું જણાવી કોંગ્રેસ પાર્ટીના કાર્યકર પદેથી રાજીનામું આપ્યું હોવાનું ડી.ડી રાજપૂતે જણાવ્યું હતું.

આ પણ વાંચોઃવિપક્ષમાંથી ભાજપમાં આવવા માટે વૉશિંગ મશીનનું કોંગ્રેસે આપ્યું ડેમોન્સટ્રેશન

Back to top button