ભારતમાં અશિક્ષિતોની સરખામણીમાં શિક્ષિત લોકો 9 ગણા વધુ બેરોજગાર છે, તેનું શું છે કારણ?
- ભારતમાં શ્રમના કૌશલ્યો અને બજારમાં સર્જાઈ રહેલી નોકરીઓ વચ્ચે ભારે અસંગતતા
નવી દિલ્હી, 30 માર્ચ: ભારતમાં શ્રમના કૌશલ્યો અને બજારમાં સર્જાઈ રહેલી નોકરીઓ વચ્ચે ભારે અસંગતતા છે. વલણો સૂચવે છે કે, ભારતની નબળી શાળાકીય શિક્ષણ સમય જતાં તેની આર્થિક સંભાવનાઓને અવરોધશે. આ દરમિયાન ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન (ILO)ના અહેવાલ મુજબ, ભારતમાં ઉચ્ચ શિક્ષણ મેળવેલા યુવાનોનો બેરોજગારી દર એવા લોકો કરતા વધારે છે જેમણે કોઈ શાળાનું શિક્ષણ પ્રાપ્ત કર્યું નથી. રિપોર્ટમાં આપવામાં આવેલા ડેટા અનુસાર, શિક્ષિત સ્નાતકો માટે બેરોજગારીનો દર 29.1 ટકા હતો. આ દર એવા લોકોના બેરોજગારી દર કરતાં લગભગ નવ ગણો વધારે છે જેઓ વાંચી અને લખી શકતા નથી, જે 3.4 ટકા જ છે. વર્ષ 2022માં 15થી 29 વર્ષની વયજૂથમાં યુવા બેરોજગાર ભારતીયોની ટકાવારી ઘટીને 82.9 ટકા થઈ ગઈ હતી. 2000માં યુવા બેરોજગાર ભારતીયોની સંખ્યા 88.6 ટકા હતી. તદુપરાંત, ILOના ડેટા અનુસાર, શિક્ષિત યુવાનોની ટકાવારી 2000માં 54.2 ટકાની સરખામણીએ વધીને 65.7 ટકા થઈ છે.
ગામડાઓ કરતાં શહેરોમાં બેરોજગારીનું પ્રમાણ વધુ
અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, માધ્યમિક અથવા ઉચ્ચ શિક્ષણ ધરાવતા યુવાનો માટે બેરોજગારીનો દર છ ગણો વધારે છે. તે 18.4 ટકા હતો. મહત્ત્વનું છે કે, શિક્ષિત બેરોજગાર યુવાનોમાં મહિલાઓનો હિસ્સો 76.7 ટકા હતો. જ્યારે પુરુષોનું પ્રમાણ 62.2 ટકા હતું. ILOના આંકડાઓ ગ્રામીણ વિસ્તારો કરતા શહેરી વિસ્તારોમાં બેરોજગારીનો ઊંચો દર દર્શાવે છે.
શ્રમ કૌશલ્ય અને બજારમાં સર્જાઈ રહેલી નોકરી વચ્ચે મેળ ખાતો નથી
ભારતના શ્રમ બજાર અંગેનો ILOનો નવો અહેવાલ દર્શાવે છે કે, શ્રમના કૌશલ્યો અને બજારમાં સર્જાઈ રહેલી નોકરીઓ વચ્ચે ભારે અસંગતતા છે. રિપોર્ટમાં RBIના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજન જેવા જાણીતા અર્થશાસ્ત્રીઓ દ્વારા સૂચવવામાં આવેલી અગાઉની ચેતવણીઓને પણ ધ્યાનમાં લેવામાં આવી છે. આ ચિંતાજનક વલણો સૂચવે છે કે, ભારતની નબળી શાળાકીય શિક્ષણ પદ્ધતિ સમયાંતરે તેની આર્થિક સંભાવનાઓને અવરોધશે.
ભારતમાં યુવા બેરોજગારી વૈશ્વિક સ્તર કરતાં વધુ
ILO અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, “ભારતમાં બેરોજગારી મુખ્યત્વે યુવાનોમાં એક સમસ્યા હતી, ખાસ કરીને માધ્યમિક અથવા તેથી વધુ શિક્ષણ ધરાવતા યુવાનોમાં, અને તે સમય જતાં વધતી ગઈ,” ડેટા દર્શાવે છે કે, ભારતીય અર્થવ્યવસ્થા નવા શિક્ષિત યુવા શ્રમ દળ માટે બિન-કૃષિ ક્ષેત્રોમાં પૂરતું મહેનતાણું આપી શકે તેવી નોકરીઓ પેદા કરવામાં અસમર્થ રહી છે. આ ઊંચો અને વધતો બેરોજગારી દર એક દુઃખદ સ્થિતિ દર્શાવે છે. ILOએ જણાવ્યું કે, “ભારતમાં યુવા બેરોજગારીનો દર હવે વૈશ્વિક સ્તર કરતા ઊંચો છે,”
સ્ત્રી શ્રમ દળમાં નબળું પ્રદર્શન
જો આપણે વિશ્વમાં મહિલા શ્રમ દળની ભાગીદારી દર પર નજર કરીએ તો, ભારત 25 ટકાના દરે સૌથી ખરાબ પ્રદર્શન કરે છે. જો કે, અહેવાલમાં નોંધવામાં આવ્યું છે કે, રોગચાળા દરમિયાન નિર્વાહ રોજગારમાં “નોંધપાત્ર વધારા” પછી મહિલાઓમાં શ્રમ દળની ભાગીદારી દરમાં સુધારો થયો છે.
આ પણ જુઓ: શું તમે વિમાનો પર લખેલા VTનો અર્થ જાણો છો? નહીં, તો જાણો તેની પાછળનું રસપ્રદ કારણ