ગુજરાતચૂંટણી 2024ટોપ ન્યૂઝદક્ષિણ ગુજરાત

ભરૂચ બેઠક પર જામશે ખરાખરીનો જંગઃ ભાજપ સામે ‘AAP’ બાદ ‘BAP’ની એન્ટ્રી

ભરૂચ, 29 માર્ચ 2024, ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગ બરાબરનો જામ્યો છે. કોંગ્રેસ જેવી જ સ્થિતિ હવે ભાજપની દેખાઈ રહી છે. એક તરફ આયાતી ઉમેદવારોના વધામણા અને જુના જોગીઓનો અસંતોષ ભાજપને જીતાડશે કે ડૂબાડશે એ કહેવું અત્યારે મુશ્કેલ છે. પરંતુ ભરૂચ બેઠક પર ખરાખરીનો જંગ જામશે એ વાત નક્કી છે. ભરૂચ બેઠક પર ભાજપના મનસુખ વસાવા સામે કોંગ્રેસે ગઠબંધનમાં ચૂંટણી લડવાનો નિર્ણય કરતાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવાને ટીકિટ આપી છે. તે ઉપરાંત આ બેઠક પર અસદુદ્દિન ઓવૈસી પોતાની પાર્ટીનો ઉમેદવાર પણ ઉભો રાખવાના છે. ત્યારે હવે ગુજરાતમાં વર્ષોથી સક્રિય રહેલા છોટુ વસાવા તેમના નાના પુત્ર દિલીપ વસાવાની ‘BAP'(ભારતીય આદિવાસી પાર્ટી)માં સંયોજક તરીકે જોડાયા છે. હવે આ બેઠક પર આદિવાસી મતો અંકે કરવા માટે દોડાદોડ મચી ગઈ છે.

થોડા સમય બાદ ઉમેદવારોના નામ જાહેર કરશે
ગુજરાતમાં છેલ્લા 35 વર્ષ સુધી ઝઘડિયામાં એક હથ્થુ શાસન ચલાવનાર પૂર્વ ધારાસભ્ય અને પીઢ આદિવાસી નેતા છોટુ વસાવા તેમના નાના પુત્ર દિલીપ વસાવાની ‘BAP'(ભારતીય આદિવાસી પાર્ટી)માં સંયોજક તરીકે જોડાયા છે અને તેઓ ભરૂચ સહિત અન્ય બેઠક પર પોતાના ઉમેદવારો ઉતારશે એવી જાહેરાત કરી છે. છોટુ વસાવાના નિવાસસ્થાને આજે ભારતીય આદિવાસી પાર્ટીના રાજસ્થાન અને મધ્ય પ્રદેશના ધારાસભ્યોની આગેવાનીમાં એક બેઠક યોજાઇ હતી. જેમાં છોટુ વસાવાને ભારતીય આદિવાસી પાર્ટીના સંયોજક બનાવવામાં આવ્યા હતા. આ બેઠક બાદ છોટુ વસાવાએ ભારતીય આદિવાસી પાર્ટી તરફથી ભરૂચ સહિત મોટા ભાગની બેઠકો ઉપર ઉમેદવારો ઉભા રાખવાની જાહેરાત કરી છે અને થોડા સમય બાદ ઉમેદવારોના નામ જાહેર કરશે એવું જણાવ્યું છે.

ભરૂચ લોકસભા બેઠકનું પરિણામ પણ રસપ્રદ બનશે
વર્ષ 2023માં પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીઓ પહેલાં છોટુ વસાવાના નાના પુત્ર દિલીપ વસાવાએ આદિવાસી નેતાઓ સાથે મળીને ભારતીય આદિવાસી પાર્ટી (BAP)ની સ્થાપના કરી હતી અને ખરેખર આ પાર્ટી તે ચૂંટણીઓમાં બાપ સાબિત થઈ હતી. કેમ કે તેણે રાજસ્થાનમાં ત્રણ અને મધ્યપ્રદેશમાં એક સીટ જીતી હતી. આ પાર્ટી હવે ગુજરાતમાં સક્રિય થઇ છે. છોટુ વસાવાના મોટા પુત્ર મહેશ વસાવાએ થોડા દિવસો પહેલાં જ ભાજપનો કેસરિયો ધારણ કરી લીધો છે. છોટુ વસાવાની લોકસભા ચૂંટણીમાં એન્ટ્રીથી આદિવાસી મત વિભાજીત થવાની શક્યતાઓ વધી છે. આદિવાસી વિસ્તારમાં મનસુખ વસાવા, ચૈતર વસાવા અને છોટુ વસાવા જેવા દિગ્ગજ નેતાઓ પોતાની કમિટેડ વોટ બેન્કને જો જાળવી રાખે તો ભરૂચ લોકસભા બેઠકનું પરિણામ પણ રસપ્રદ બનશે તેવું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે.

આ પણ વાંચોઃગેનીબેનની મુશ્કેલીઓ વધી: બનાસકાંઠા કોંગ્રેસના દિગ્ગજ નેતા ડી.ડી. રાજપૂતનું રાજીનામું

Back to top button