એસ. જયશંકરની મુલાકાત બાદ આ દેશે ચીનને આપી ધમકી, “અમે ઝૂકીશું નહીં”
29 માર્ચ, 2024: દક્ષિણ ચીન સાગરને લઈને ફિલિપાઈન્સ અને ચીન વચ્ચે દાયકાઓ જૂનો વિવાદ વધુ ઘેરો બની રહ્યો છે. દક્ષિણ ચીન સાગરમાં ફિલિપાઈન્સના જહાજો અને ચીનના કોસ્ટ ગાર્ડ વચ્ચે નાની-મોટી અથડામણ થઈ છે. એ પછી બંને દેશો વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું છે અને બંને દેશોના સંબંધોમાં તણાવ આવી ગયો છે. ચીન, ફિલિપાઈન્સ, વિયેતનામ, મલેશિયા, તાઈવાન અને બ્રુનેઈ આ સંસાધનથી સમૃદ્ધ અને વ્યસ્ત જળમાર્ગ પર દાવો કરે છે. ફિલિપાઈન્સની તેમની તાજેતરની મુલાકાત દરમિયાન એસ. જયશંકરે કહ્યું હતું કે દક્ષિણ ચીન સાગર વિવાદમાં ભારત ફિલિપાઈન્સની સાથે છે. ચીનના કોસ્ટ ગાર્ડ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે તેમની સરકાર વિવાદિત દક્ષિણ ચીન સાગરમાં ચીનના કોસ્ટ ગાર્ડ અને શંકાસ્પદ લશ્કરી જહાજો દ્વારા ખતરનાક હુમલાઓ સામે પગલાં લેશે. તેમણે આગળ લખ્યું, “ફિલિપિનો ઝૂકતા નથી.”
Over the course of these past days, I have met with and spoken to our country’s National Security and Defense leadership. They have made their considered recommendations and, through exhaustive consultations, I have given them my directives.
I have also been in constant…
— Bongbong Marcos (@bongbongmarcos) March 28, 2024
રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ માર્કોસે આગામી અઠવાડિયામાં સરકાર શું પગલાં લેશે તે સ્પષ્ટ કર્યું નથી. પરંતુ ભારપૂર્વક જણાવ્યું હતું કે અમે આગામી અઠવાડિયામાં અમારા દુશ્મનો સામે કાર્યવાહી કરીશું.
“અમે ઝૂકીશું નહીં”
ફિલિપિની લોકો અને ચાઈનીઝ કોસ્ટ ગાર્ડ વચ્ચેની અથડામણ બાદ માર્કોસે સોશિયલ મીડિયા પર લખ્યું, “ચીની કોસ્ટ ગાર્ડ અને ચીની મેરીટાઈમ મિલિશિયાના એજન્ટો દ્વારા કરવામાં આવેલા આ હુમલા સંપૂર્ણપણે ખોટા છે. અમે આ ખતરનાક હુમલાઓનો જડબાતોડ જવાબ આપીશું.” તેમણે વધુમાં કહ્યું કે અમે કોઈ પણ દેશ સાથે કોઈ સંઘર્ષ નથી ઈચ્છતા, ખાસ કરીને એવા દેશો કે જેઓ અમારા મિત્ર હોવાનો દાવો કરે છે, પરંતુ અમે મૌન કે આધીન રહીશું નહીં. ફિલિપિનો ઝૂકશે નહીં.
એસ. જયશંકરની મુલાકાત બાદ ધમકી
વિદેશ મંત્રી એસ જયશંકર હાલમાં જ ફિલિપાઈન્સના પ્રવાસે ગયા હતા. આ ધમકીને જયશંકરની મુલાકાત સાથે પણ જોડવામાં આવી રહી છે. કારણકે રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ માર્કોસનું આ નિવેદન મુલાકાત બાદ આવ્યું છે. ભારતનો પણ ચીન સાથે ફિલિપાઈન્સની જેમ LAC પર એવો જ વિવાદ ચાલી રહ્યો છે, જ્યાં ચીનના સૈનિકો ઘૂસણખોરી કરતા રહે છે.
ચીને જવાબ આપ્યો
ચીનના સંરક્ષણ મંત્રાલયે ફિલિપાઈન્સ પર આંતરરાષ્ટ્રીય સમુદાયને ગેરમાર્ગે દોરવા માટે ઉશ્કેરણીજનક પગલાં લઈને અને ખોટી માહિતી ફેલાવીને દક્ષિણ ચીન સાગર વિવાદને વધારવાનો આરોપ લગાવ્યો છે.