કેજરીવાલને CM પદેથી હટાવવાની માગણી કરતી અરજી હાઇકોર્ટે ફગાવી

દિલ્હી, 28 માર્ચ: હાઈકોર્ટે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને તેમના પદ પરથી હટાવવાની માંગ કરતી PILની સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો હતો. અરજીને ફગાવી દેતા હાઈકોર્ટે કહ્યું કે એવી કોઈ બંધારણીય જોગવાઈ નથી કે અરવિંદ કેજરીવાલ તેમના પદ પર ચાલુ ન રહી શકે. હાઈકોર્ટે કહ્યું કે આ એક્ઝિક્યુટિવ સાથે જોડાયેલો મામલો છે. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર આ મામલાને જોશે અને પછી તે રાષ્ટ્રપતિને મોકલશે. આ મામલે કોર્ટની કોઈ ભૂમિકા નથી.
શું હતું અરજીમાં?
કેજરીવાલને સીએમ પદેથી હટાવવાની અરજી દિલ્હીના રહેવાસી સુરજીત સિંહ યાદવ દ્વારા આપવામાં આવી હતી, જે પોતાને ખેડૂત અને સામાજિક કાર્યકર તરીકે ઓળખાવે છે. સુરજીત સિંહ યાદવે કહ્યું કે નાણાકીય ગોટાળાના આરોપી મુખ્યમંત્રીને જાહેર પદ પર રહેવા દેવા જોઈએ નહીં. અરજદાર સુરજિતે પોતાની અરજીમાં કહ્યું હતું કે કેજરીવાલના પદ પર ચાલુ રહેવાથી કાયદાની યોગ્ય પ્રક્રિયામાં જ સમસ્યા સર્જાશે નહીં પરંતુ ન્યાય પ્રક્રિયામાં પણ વિક્ષેપ પડશે અને રાજ્યમાં બંધારણીય વ્યવસ્થા પણ પડી ભાંગશે.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે મુખ્યમંત્રીએ તેમની ધરપકડના કારણે એક અર્થમાં સીએમ તરીકેનું તેમનું પદ ગુમાવ્યું છે અને તેઓ પણ કસ્ટડીમાં હોવાથી, તેમણે જાહેર સેવક તરીકેની ફરજો અને જવાબદારીઓ નિભાવવામાં અસમર્થ હોવાનું સાબિત કર્યું છે. હવે તેમને સીએમના પદ પર ન રાખવા જોઈએ.
કેજરીવાલની આજે કોર્ટમાં હાજરી
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ 21 માર્ચે દિલ્હી લિકર પોલિસી કેસમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. અરવિંદ કેજરીવાલના 6 દિવસના રિમાન્ડ પણ આજે પૂરા થયા છે. ED આજે કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરશે. ED રિમાન્ડ વધારવાની માંગ કરી શકે છે. દરમિયાન પત્ની સુનીતા કેજરીવાલનો દાવો છે કે કેજરીવાલ આજે કોર્ટમાં અસલી ગુનેગારને જાહેર કરી શકે છે.
કેજરીવાલની દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી હતી
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની લગભગ બે કલાકની પૂછપરછ બાદ 21 માર્ચે ED દ્વારા તેમના સત્તાવાર નિવાસસ્થાનેથી ધરપકડ કરવામાં આવી હતી. દિલ્હી શરાબ કૌભાંડમાં રૂઝ એવન્યુ કોર્ટે તેમને 28 માર્ચ સુધી ED કસ્ટડીમાં મોકલી દીધા હતા. ધરપકડ બાદ પણ અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું નથી. આમ આદમી પાર્ટીના નેતાઓનું કહેવું છે કે તેઓ દિલ્હીના મુખ્યમંત્રી રહેશે અને જરૂર પડ્યે જેલમાંથી સરકાર ચલાવશે.
આ પણ વાંચો: પંજાબના CM ભગવંત માનના ઘરે લક્ષ્મીના વધામણાં: બીજી પત્નીએ આપ્યો દીકરીને જન્મ