વિધાનસભા મતવિસ્તાર મુજબ બનાસકાંઠામાં પોલીંગ સ્ટાફને અપાઈ તાલીમ
- દિયોદર મોડેલ સ્કૂલ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારીએ તાલીમવર્ગની મુલાકાત લઈ આપ્યું માર્ગદર્શન
પાલનપુર, 27 માર્ચ: દેશમાં લોકસભાની ચૂંટણી જાહેર થતાં જ બનાસકાંઠા વહીવટી તંત્રએ ચુંટણીની તૈયારીઓ શરૂ કરી છે. ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે આજે જિલ્લાના વિધાનસભા મતવિસ્તાર મુજબ પોલીંગ સ્ટાફની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. મતદાન સમયે ફરજ પર કાર્યરત પોલીંગ સ્ટાફે કેવા પ્રકારની કામગીરી કરવાની રહેશે તેની વિગતો સાથેની તાલીમ માસ્ટર ટ્રેનર દ્વારા પોલીંગ સ્ટાફને આપવામાં આવી હતી. આજે જિલ્લામાં યોજાયેલ પોલીંગ સ્ટાફની ટ્રેનિંગ સમયે જિલ્લા ચૂંટણી અધિકારી વરૂણકુમાર બરનવાલે પોલીંગ સ્ટાફ તાલીમ વર્ગોની મુલાકાત લીધી હતી. દિયોદરની મોડેલ સ્કૂલ ખાતે ચાલી રહેલી સ્ટાફ તાલીમમાં જિલ્લા કલેક્ટરએ માર્ગદર્શન આપ્યું હતું.
પોલીંગ સ્ટાફની તાલીમનું આયોજન
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અનુસંધાને મોડેલ સ્કૂલ દિયોદર ખાતે ચૂંટણી ફરજમાં રોકાયેલા આશરે ૧૪૦૦ કરતાં વધારે પોલીંગ સ્ટાફની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મદદનીશ ચૂંટણી અધિકારીઓ તેમજ માસ્ટર ટ્રેનર્સ અને વિષય તજજ્ઞો દ્વારા પોલીંગ સ્ટાફને થીયરી અને પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી હતી. બનાસકાંઠા જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર વરૂણકુમાર બરનવાલ દ્વારા આ તાલીમના અલગ અલગ વર્ગોમાં તાલીમ અને ચૂંટણી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
લોકસભાની ચૂંટણી દરમ્યાન પોલીંગ સ્ટાફ જેવા કે પ્રિસાઇડીંગ ઓફીસર, પોલીંગ ઓફીસર, મહિલા પોલીંગ સ્ટાફ ચૂંટણી ફરજ બજાવશે. મોડેલ સ્કૂલ ખાતે આયોજીત આ તાલીમમાં તમામ પોલીંગ સ્ટાફને વિષય તજજ્ઞો દ્વારા તાલીમબધ્ધ કરવામાં આવ્યા હતા. અત્રે તાલીમ પહેલા અને પછી મોક ટેસ્ટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેથી તાલીમની ગુણવત્તાનો અંદાજ જાણી શકાય. આ તાલીમ બાદ માન. કલેકટર વરૂણકુમાર બરનવાલ દ્વારા EVM માટેનો સ્ટ્રોંગ રૂમ, પોસ્ટલ બેલેટનો સ્ટ્રોંગ રૂમ અને ફેસિલિટેશન સેન્ટર તથા મોડેલ બૂથની મુલાકાત કરવામાં આવી હતી.
આ પણ વાંચો: બનાસકાંઠા: “હું અવશ્ય મતદાન કરીશ” અંતર્ગત સંકલ્પ અભિયાન