આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કેજરીવાલ પર ટિપ્પણી ભારે પડી: વિદેશ મંત્રાલયે અમેરિકન રાજદ્વારીને આપ્યો ઠપકો

  • અમેરિકા દ્વારા કેજરીવાલની ધરપકડ પર કરવામાં આવેલી ટિપ્પણી પર ભારતે નારાજગી વ્યક્ત કરી

નવી દિલ્હી, 27 માર્ચ:દિલ્હી દારૂ નીતિ કૌભાંડ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ અંગે જર્મની બાદ અમેરિકાએ પણ કેજરીવાલની ધરપકડ પર ટિપ્પણી કરી હતી. જે બાદ હવે અમેરિકાની આ ટિપ્પણી પર ભારતે નારાજગી વ્યક્ત કરી છે. આજે બુધવારે દિલ્હીમાં વિદેશ મંત્રાલયે અમેરિકાના કાર્યકારી ડેપ્યુટી ચીફ ઓફ મિશન ગ્લોરિયા બાર્બેનાને સમન્સ પાઠવ્યું હતું. ભારતીય વિદેશ મંત્રાલયના અધિકારીઓ અને અમેરિકન રાજદ્વારી વચ્ચે લગભગ 40 મિનિટ સુધી વાતચીત ચાલી હતી. યુએસ તરફથી કહેવામાં આવ્યું હતું કે, તેઓ કેજરીવાલની ધરપકડ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે, તેઓ ભારતના મહત્ત્વના વિપક્ષી દળના નેતાની ધરપકડ અને કેસમાં થઈ રહેલી કાર્યવાહીની નિષ્પક્ષ તપાસ માટે આશા વ્યક્ત કરે છે.

 

ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જારી કરેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “અમે ભારતમાં કેટલીક કાનૂની કાર્યવાહી અંગે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાની ટિપ્પણી સામે સખત વાંધો ઉઠાવીએ છીએ. કૂટનીતિમાં, અન્ય દેશો દ્વારા કોઈપણ દેશની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન કરવામાં ન આવે અને આંતરિક બાબતોનો આદર કરવામાં આવે તેવી અપેક્ષા રાખવામાં આવે છે કે . જો આ મુદ્દો સાથી લોકશાહી દેશનો હોય, તો  જવાબદારી પણ વધી જાય છે. આમ કરવામાં નિષ્ફળતા એક ખરાબ દાખલો બેસાડશે. ભારતની કાનૂની પ્રક્રિયાઓ સ્વતંત્ર ન્યાયતંત્ર પર આધારિત છે જે ઉદ્દેશ્ય અને સમયસર નિર્ણયો માટે પ્રતિબદ્ધ છે. ભારતીય ન્યાયતંત્ર પર આક્ષેપો કરવો અયોગ્ય છે.”

અમેરિકી રાજદ્વારીએ શું કહ્યું?

યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે કહ્યું હતું કે, “અમે ભારત સરકારને નિષ્પક્ષ, સમયસર અને પારદર્શક કાયદાકીય પ્રક્રિયાને આગળ ધપાવવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ. અમે અરવિંદ કેજરીવાલની ધરપકડને નજીકથી અનુસરી રહ્યા છીએ. અમે મુખ્યમંત્રી કેજરીવાલ માટે પારદર્શક કાયદાકીય પ્રક્રિયાની આશા રાખીએ છીએ.” “

જર્મન વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ શું ટિપ્પણી કરી હતી?

અમેરિકા પહેલા જર્મનીના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કેજરીવાલની ધરપકડ પર ટિપ્પણી કરી હતી. જર્મન અધિકારીએ કહ્યું હતું કે, “અમે માનીએ છીએ અને આશા રાખીએ છીએ કે આ મામલામાં ન્યાયતંત્રની સ્વતંત્રતા અને મૂળભૂત લોકતાંત્રિક સિદ્ધાંતો સાથે સંબંધિત ધોરણો પણ લાગુ કરવામાં આવશે.” આ પછી ભારતે યોગ્ય જવાબ આપતા જર્મન દૂતાવાસના ડેપ્યુટી વડાને બોલાવ્યા હતા અને ભારતે કહ્યું હતું કે, “આ અમારો આંતરિક મામલો છે, તેમાં હસ્તક્ષેપ સહન કરવામાં આવશે નહીં.”

આ પણ જુઓ: પશ્ચિમ બંગાળ ED દ્વારા જપ્ત કરાયેલા પૈસા ગરીબોને અપાશે: પીએમ મોદી

Back to top button