છત્તીસગઢમાં 6 નક્સલીઓ ઠાર, સુરક્ષાદળોનું સર્ચ ઑપરેશન ચાલુ
રાયપુર (છત્તીસગઢ), 27 માર્ચ: છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. આ એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ છ નક્સલવાદીઓને ઠાર કર્યા છે. પોલીસે જણાવ્યું કે આજે સવારે એન્કાઉન્ટર દરમિયાન એક મહિલા સહિત 6 નક્સલીઓ માર્યા ગયા છે. બસ્તર રેન્જના પોલીસ મહાનિરીક્ષક સુંદરરાજ પીએ જણાવ્યું કે આ એન્કાઉન્ટર બાસાગુડા પોલીસ સ્ટેશન વિસ્તારના ચિકુરભટ્ટી અને પુસાબકા ગામોના જંગલોમાં થયું હતું. આ ઉપરાંત, જવાનોએ નક્સલી પાસેથી હથિયારો પણ જપ્ત કર્યા છે.
Chhattisgarh | Bodies of six naxals recovered following encounter between security forces and naxals in the forest area near Chikurbatti-Pusbaka in Bijapur district. DRG, CRPF 229, CoBRA teams were involved in the operation https://t.co/iw9zKzTCfS pic.twitter.com/sRzrQKIztN
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) March 27, 2024
સંયુક્ત ટીમ નક્સલ વિરોધી ઑપરેશન પર નીકળી હતી
IGના જણાવ્યા અનુસાર, સુરક્ષાકર્મીઓની સંયુક્ત ટીમે નક્સલ વિરોધી ઑપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન બંને વચ્ચે અથડામણ થઈ હતી. તેમણે કહ્યું કે આ ઑપરેશનમાં ડીઆરજી, CRPF 229, કોબ્રા ટીમ સામેલ છે. એન્કાઉન્ટર બાદ સ્થળ પરથી એક મહિલા સહિત છ નક્સલવાદીઓના મૃતદેહ મળી આવ્યા હતા. હાલ ઘટનાસ્થળે સતત સર્ચ ઑપરેશન ચાલી રહ્યું છે.
વિસ્તારમાં સતત સર્ચ ઑપરેશન ચાલુ
ઉલ્લેખનીય છે કે, બીજાપુર જિલ્લામાં હોળીના દિવસે અજાણ્યા શખ્સોએ ત્રણ ગ્રામીણોની હત્યા કરી હતી. આ હત્યાકાંડ પાછળ નક્સલી હોવાનું કહેવાયું હતું. હત્યાની ઘટના બાદ સુરક્ષા દળોની એક ટીમ પોલામપલ્લી, ચિપ્પુરભટ્ટી વિસ્તારમાં સર્ચ ઑપરેશનમાં ગઈ હતી. આ દરમિયાન સલામતી દળોની ટીમ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. મહત્ત્વનું છે કે બીજાપુર છત્તીસગઢના બસ્તર લોકસભા ક્ષેત્રમાં આવે છે, જ્યાં 19 એપ્રિલે સામાન્ય ચૂંટણીના પ્રથમ તબક્કામાં મતદાન થશે. આ અંગે સુરક્ષાદળો સતત સર્ચ ઑપરેશન ચલાવી રહ્યા છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં એન્કાઉન્ટર, પોલીસે 4 નક્સલીઓને ઠાર માર્યા