નવી દિલ્હી, 26 માર્ચ : પર્યાવરણવાદી સોનમ વાંગચુકે મંગળવારે લેહમાં તેના 21 દિવસના જળવાયું ઉપવાસનો અંત લાવ્યો હતો. તેણે ઉપવાસ તોડ્યો જ્યારે નાની છોકરીઓએ જ્યુસ પીવડાવ્યું. આ દરમિયાન હજારો લોકો વિરોધ સ્થળ પર પહોંચ્યા હતા અને માંગણીઓના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. સોનમ વાંગચુકે કહ્યું કે હવે મહિલાઓ ઉપવાસ શરૂ કરશે અને તે પછી તેને અન્ય લોકો સાથે આગળ લઈ જવામાં આવશે. જ્યાં સુધી તેમની માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી આ ઉપવાસ ચાલુ રહેશે.
ઉલ્લેખનીય છે કે, લદ્દાખને છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવા અને તેને રાજ્યનો દરજ્જો આપવા અને અન્ય માંગણીઓ માટે આંદોલન ચાલી રહ્યું છે. આ સંદર્ભમાં વાંગચુકે 21 દિવસ સુધી ઉપવાસ રાખ્યા હતા. 6 માર્ચથી શરૂ થયેલા તેમના ઉપવાસ 26 માર્ચે સમાપ્ત થયા હતા. આ દરમિયાન તેમને દેશભરમાંથી લોકોનો સાથ મળ્યો હતો.
મહત્વનું છે કે, કારગીલમાં પણ કારગીલ ડેમોક્રેટિક એલાયન્સ દ્વારા ઉપવાસ કરવામાં આવી રહ્યા છે. ત્યાં પણ મોટી સંખ્યામાં લોકો ઉપવાસમાં જોડાઈ રહ્યા છે. સોનમ વાંગચુક બાદ હવે બૌદ્ધ, મુસ્લિમ (શિયા, સુન્ની) અને ખ્રિસ્તી સંગઠનોની મહિલા પ્રતિનિધિઓ લેહમાં ઉપવાસ શરૂ કરવા જઈ રહી છે.