Zomatoથી ઑર્ડર કરેલી સેન્ડવીચમાંથી નીકળ્યો વંદો, ફૂડ ક્વોલિટીને લઈને લોકો રોષે ભરાયા
બેંગલુરુ (કર્ણાટક), 26 માર્ચ: વિચારો કે જ્યારે તમને ખૂબ ભૂખ લાગી હોય અને ફૂડ એપ પરથી તમારી મનપસંદ વાનગીનો ઓર્ડર આપ્યા પછી, તમે તેની રાહ જોઈ રહ્યા હોવ. આ દરમિયાન, જો તમારા ઑર્ડરનો કોળિયો લીધા પછી તમને તમારા ખોરાકમાં વંદો જોવા મળે, તો ચોક્કસ તમારો ગુસ્સો પણ સાતમા આસમાને હશે. આ પ્રકારની કલ્પના કરવાથી જ ઉબકા આવવા લાગે છે, પરંતુ આવું જ કંઈક બેંગલુરુના એક વ્યક્તિ સાથે થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે, એક વ્યક્તિએ Zomato દ્વારા ક્લાઉડ કિચન – ફ્રેશ મેનૂમાંથી સેન્ડવીચ મંગાવી હતી, જેમાંથી બે કોળિયા ખાધા પછી તેની નજર સેન્ડવીચની વચ્ચે અટવાયેલા વંદા પર પડી, જેને જોઈને તે દંગ રહી ગયો. વ્યક્તિએ સોશિયલ નેટવર્કિંગ સાઈટ Reddit પર NomadicGeek1 નામની આઈડી સાથે એક તસવીર પણ શેર કરી છે, જેમાં આ સમગ્ર બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
Cockroach in sandwich ordered from FreshMenu, Sanjay Nagar from Zomato
byu/NomadicGeek1 inbangalore
સેન્ડવીચમાં વંદો મળ્યો
આ પોસ્ટ શેર થતાની સાથે જ તેના પર અપવોટ અને કોમેન્ટ્સનું ઘોડાપુર ઉમટ્યું હતું. ઘણા લોકોએ તેમની સાથે બનેલી આવી જ ઘટનાઓનો ઉલ્લેખ કરીને ખોરાકની ક્વોલિટી પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. Traditional-Motor519 નામના યુઝરનું કહેવું છે કે, Zomato જેવી એપ પર કોઈપણ ડિશ સર્ચ કરતી વખતે સૌથી પહેલું નામ ક્લાઉડ કિચન આવે છે. આવી સ્થિતિમાં રેગ્યુલર રેસ્ટોરન્ટ શોધવામાં ઘણો સમય લાગે છે. એક યુઝરે લખ્યું છે કે ફ્રેશ મેનૂની ક્વોલિટી દિવસેને દિવસે ઘટી રહી છે. અન્ય યુઝરે સલાહ આપી છે કે કોઈપણ ક્લાઉડ કિચનમાંથી કંઈપણ ઓર્ડર ન કરો.
લોકોએ પીડિત યુઝરને આપી અવનવી સલાહ
પીડિત યુઝર તેના સ્વાસ્થ્યને લઈને ખૂબ જ ચિંતિત છે. તેમનો પ્રશ્ન એ છે કે, ડૉક્ટર પાસે જવું જોઈએ..? આ અંગે લોકોની સલાહ છે કે નાના વંદો તેને ગંભીર નુકસાન નહીં પહોંચાડે. જો કે, ઘણા યુઝર્સ છે જેઓ આ ઘટનાને લઈને ફની કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે. એક વ્યક્તિએ મજાકમાં પૂછ્યું, શું ફ્રેશ મેનૂમાંથી આ વંદો ફ્રેશ નહોતો? બીજાએ વંદાને વધારાના પ્રોટીન તરીકે લખ્યું, જ્યારે એકે કોમેન્ટમાં લખ્યું, ફ્રેશ કૉકરોચ, ફ્રેશમેનુમાંથી. ઘણા યુઝર્સ આ બાબતને ગંભીરતાથી લઈ રહ્યા છે અને પીડિતને યોગ્ય ફોરમ પર ફરિયાદ કરીને જવાબદારો સામે પગલાં લેવાની સલાહ આપી રહ્યા છે.
આ પણ વાંચો: IndiGo ફ્લાઇટના ફૂડ સેક્શનમાં વંદો જોવા મળ્યો, વીડિયો સર્ક્યુલેટ થતાં એરલાઇને જવાબ આપવો પડ્યો