ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

માફિયા ડોન મુખ્તાર અંસારીની જેલમાં તબિયત લથડી, અડધી રાત્રે ICUમાં કરાયો દાખલ

  • પોલીસ પ્રશાસને મેડિકલ કોલેજના ICU ઝોનને સંપૂર્ણ રીતે છાવણીમાં ફેરવી દીધું

ઉત્તર પ્રદેશ, 26 માર્ચ: જેલમાં બંધ ઉત્તર પ્રદેશના કુખ્યાત માફિયા ડોન મુખ્તાર અંસારીની તબિયત અચાનક લથડી ગઈ હતી. તબિયત બગડ્યા બાદ, મુખ્તાર અંસારીને અત્યંત નાજુક સ્થિતિમાં બાંદાની રાની દુર્ગાવતી મેડિકલ કોલેજના ICUમાં દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટના બાદ પોલીસ પ્રશાસને મેડિકલ કોલેજના ICU ઝોનને સંપૂર્ણ રીતે છાવણીમાં ફેરવી દીધું છે. ઉલ્લેખનીય છે કે, મુખ્તાર અંસારી ઘણા અપરાધિક મામલામાં દોષિત છે અને હાલમાં તે બાંદા જેલમાં સજા કાપી રહ્યો છે. માફિયા મુખ્તાર અંસારીએ કોર્ટમાં જેલ પ્રશાસન પર સ્લો પોઈઝન આપવાનો આરોપ લગાવ્યો હતો.

 

 

મુખ્તાર અંસારીએ શું ફરિયાદ કરી?

મળતી માહિતી અનુસાર, બાંદા જેલમાં બંધ માફિયા મુખ્તાર અંસારીને કબજિયાત અને યુરિન ઈન્ફેક્શનની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેમની તબિયત બગડતાં મુખ્તાર અંસારીને બાંદાની રાણી દુર્ગાવતી મેડિકલ કોલેજના ICU વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. મુખ્તાર અંસારી છેલ્લા 3 દિવસથી યુરિનરી ઈન્ફેક્શનથી પીડિત હતો. આ પછી રાત્રે 1 વાગ્યે તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસ બાદ ડોક્ટરોએ સર્જરીની સલાહ આપી છે. માહિતી મુજબ, મુખ્તાર અંસારીની તબિયત હાલ સ્થિર છે.

જેલરને સસ્પેન્ડ કરવામાં આવ્યો 

થોડા દિવસો પહેલા યુપી સરકારે મુખ્તાર અંસારીની સુરક્ષા વ્યવસ્થામાં બેદરકારીને લઈને કાર્યવાહી કરી હતી. આ કેસમાં એક જેલર અને બે ડેપ્યુટી જેલરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા માફિયા મુખ્તાર અંસારીએ પોતાના વર્ચ્યુઅલ દેખાવમાં જેલ પ્રશાસન પર કોર્ટમાં સ્લો પોઈઝન આપવાનો આરોપ લગાવ્યો હતો.

મુખ્તાર અંસારીને હત્યાનો ડર!

તાજેતરમાં મુખ્તાર અંસારીએ પોતાની હત્યાનો ભય વ્યક્ત કર્યો હતો. મુખ્તારે કહ્યું હતું કે, તેની હત્યાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે અને તેને ખોરાકમાં ઘીમા ઝેર આપવામાં આવી રહ્યું છે. મુખ્તારના વકીલે મુખ્તાર અંસારીને સુરક્ષા અને યોગ્ય સારવારની માંગ કરી હતી. મહત્ત્વનું છે કે, મુખ્તાર અંસારીને ગયા ગુરુવારે વીડિયો કોલિંગ દ્વારા ગેંગસ્ટર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.

તાજેતરમાં જ આજીવન કેદની મળી છે સજા 

થોડા દિવસ પહેલા જ MP-MLA કોર્ટે મુખ્તારને 36 વર્ષ જૂના બનાવટી હથિયાર લાઇસન્સ કેસમાં દોષિત ઠેરવ્યો હતો અને તેને આજીવન કેદની સજા ફટકારી હતી. વારાણસીના વિશેષ ન્યાયાધીશ (ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ) MP MLA જજ અવનીશ ગૌતમે મુખ્તાર પર 2 લાખ 2 હજાર રૂપિયાનો દંડ પણ લગાવ્યો હતો.

આ પણ જુઓ: કંગના પર વિવાદાસ્પદ પોસ્ટ બાદ સુપ્રિયા શ્રીનેત મુશ્કેલીમાં, NCW ચૂંટણી પંચને પત્ર લખશે

Back to top button