IPLની સુરક્ષામાં મોટી ચૂક: એક દર્શકે મેદાનમાં ઘુસીને કોહલીને જોરથી પકડી લીધો
- IPLની છઠ્ઠી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ પંજાબ કિંગ્સ સામે 4 વિકેટે જીત હાંસલ કરી
બેંગલુરુ, 26 માર્ચ: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 સીઝનની છઠ્ઠી મેચ સોમવારે (25 માર્ચ) રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે રમાઈ હતી. આ મેચમાં RCBએ પંજાબ કિંગ્સને 4 વિકેટે હરાવીને જીત હાંસલ કરી હતી, પરંતુ આ IPL મેચ દરમિયાન સુરક્ષામાં એક મોટી ભૂલ પણ જોવા મળી હતી. આ મેચમાં પંજાબ કિંગ્સે 177 રનનો RCBને ટાર્ગેટ આપ્યો હતો, જેના જવાબમાં RCBએ 6 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. આ મેચમાં વિરાટ કોહલીએ 49 બોલમાં સૌથી વધુ 77 રનની ઇનિંગ રમી હતી. મેચ દરમિયાન વિરાટ કોહલી જ્યારે બેટિંગ કરી રહ્યો હતો ત્યારે સુરક્ષામાં ખામીની વિચિત્ર ઘટના બની હતી.
A fan breached the field and touched Virat Kohli’s feet.
– King Kohli, an icon! ❤️pic.twitter.com/s82xq8sKhW
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 25, 2024
ફેને મેદાનમાં ઘૂસીને કોહલીને પકડી લીધો!
એક ચાહક અચાનક મેદાનમાં ઘુસી ગયો. તે સીધો કોહલી પાસે જઈને તેના પગે પડી ગયો. તે પ્રશંસકે કોહલીના પગને સ્પર્શ કર્યો ત્યાં સુધીમાં સુરક્ષાકર્મી પણ તેની પાછળ દોડી આવ્યા હતા. એક ગાર્ડે તે ફેનને ઉપાડ્યો. પરંતુ તે પછી તે પ્રશંસકે કોહલીને જોરથી પકડી લીધો. ત્યારે પાછળથી અન્ય એક સુરક્ષાકર્મી આવ્યો અને ચાહકને પકડીને બહાર લઈ ગયો. IPL અને ખેલાડીઓની સુરક્ષામાં આ એક મોટી ભૂલ છે. ઉલ્લેખનીય છે કે, IPL કે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં આ પહેલીવાર નથી જ્યારે સુરક્ષામાં ખામી સામે આવી હોય.
ફેન્સ જાન્યુઆરીમાં પણ કોહલી પાસે પહોંચી ગયા હતા
આ વર્ષે જાન્યુઆરીમાં અફઘાનિસ્તાન સામેની બીજી T20 મેચ દરમિયાન એક ફેન મેદાનમાં ઘુસી ગયો હતો. તે દરમિયાન તે પ્રશંસકે કોહલીને ગળે લગાવ્યો હતો. તે સમયે કોહલી ફિલ્ડિંગ કરી રહ્યો હતો. આ સિરીઝમાં કોહલી 14 મહિના બાદ T20 ઈન્ટરનેશનલમાં વાપસી કરી રહ્યો છે.
કેવી રીતે RCBએ મેચમાં પંજાબને હરાવ્યું ?
IPL 2024ની આ છઠ્ઠી મેચમાં પંજાબની ટીમે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા 6 વિકેટે 176 રન બનાવ્યા હતા. ટીમ માટે કેપ્ટન ધવને 37 બોલમાં સૌથી વધુ 45 રન બનાવ્યા હતા. જ્યારે જીતેશ શર્માએ 27 રન, પ્રભસિમરન સિંહે 25 રન અને સેમ કરને 23 રન બનાવ્યા હતા. જ્યારે RCB તરફથી મોહમ્મદ સિરાજ અને ગ્લેન મેક્સવેલે 2-2 વિકેટ લીધી હતી.
177 રનના ટાર્ગેટના જવાબમાં RCBએ 19.2 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. ટીમ માટે કોહલીએ 49 બોલમાં સૌથી વધુ 77 રનની ઇનિંગ રમી હતી. જ્યારે દિનેશ કાર્તિકે 28 રનની અણનમ ઇનિંગ રમી હતી અને મહિપાલ લોમરોરે 17 રનની અણનમ ઇનિંગ રમી હતી. પંજાબની ટીમ તરફથી કગીસો રબાડા અને હરપ્રીત બ્રારે 2-2 વિકેટ લીધી હતી.
આ પણ જુઓ: IPL 2024 RCB vs PBKS : પંજાબ પાસેથી જીતનો કોળીયો કાર્તિકે છીનવી લીધો