કંગના પર વિવાદાસ્પદ પોસ્ટ બાદ સુપ્રિયા શ્રીનેત મુશ્કેલીમાં, NCW ચૂંટણી પંચને પત્ર લખશે
હિમાચલ પ્રદેશ, 26 માર્ચ: કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેત કંગના રનૌત પર વિવાદાસ્પદ ટિપ્પણી કરવાને કારણે હવે ફસાવાનો વારો આવ્યો છે. ભાજપના નેતાઓ સહિત સામાન્ય લોકો પણ સુપ્રિયા પર પ્રહારો કરી રહ્યા છે. દરમિયાન, રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW) એ પણ કહ્યું છે કે તે ચૂંટણી પંચને પત્ર લખીને સુપ્રિયા શ્રીનેતની કંગના રનૌત વિરુદ્ધની ટિપ્પણી બદલ કાર્યવાહીની માંગ કરશે. ચાલો સમજીએ કે આ આખો મામલો શું છે.
ક્યાંથી શરુ થયો વિવાદ?
વાસ્તવમાં ભાજપે તાજેતરમાં અભિનેત્રી કંગના રનૌતને હિમાચલ પ્રદેશની મંડી લોકસભા સીટ પરથી ઉમેદવાર બનાવ્યા છે. આ જાહેરાત પછી તરત જ, સુપ્રિયા શ્રીનેતના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી કંગના રનૌતની એક તસવીર શેર કરતી વખતે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી. જ્યારે આ મામલે વિવાદ શરુ થયો ત્યારે આ પોસ્ટ ડિલીટ કરી દેવામાં આવી હતી. હવે રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ રેખા શર્માએ કહ્યું છે કે તેઓ આ મામલે ચૂંટણી પંચ જોડે કાર્યવાહીની માંગ કરશે.
કંગનાએ પણ સુપ્રિયા શ્રીનેતને જવાબ આપ્યો
આ મામલે કંગના રનૌતે પણ સુપ્રિયા શ્રીનેતને જવાબ આપ્યો છે. કંગનાએ કહ્યું- “પ્રિય સુપ્રિયા જી, એક અભિનેતા તરીકેની મારી કારકિર્દીના છેલ્લા 20 વર્ષોમાં મેં તમામ પ્રકારની મહિલાઓની ભૂમિકા ભજવી છે. આપણે આપણી દીકરીઓને પૂર્વગ્રહોના બંધનમાંથી મુક્ત કરવી જોઈએ, આપણે તેમના શરીરના અંગો વિશે જિજ્ઞાસાથી ઉપર ઊઠવું જોઈએ અને સૌથી વધુ આપણે જીવનને સ્વીકારવું જોઈએ.
સુપ્રિયા શ્રીનેતે પોસ્ટ અંગે સ્પષ્ટતા કરી
આ સમગ્ર મામલે ઘેરાયા બાદ કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતે પણ ખુલાસો કર્યો છે. પોસ્ટ શેર કરતી વખતે તેણીએ કહ્યું – “ઘણા લોકો મારા ફેસબુક અને ઇન્સ્ટા એકાઉન્ટની ઍક્સેસ ધરાવે છે. તેમાંથી એકે આજે ખૂબ જ ઘૃણાસ્પદ અને વાંધાજનક પોસ્ટ કરી હતી. મને તેની જાણ થતાં જ મેં તે પોસ્ટ હટાવી દીધી છે. તે ગમે તે હોય. મને સારી રીતે ઓળખે છે કે હું કોઈ મહિલા વિશે અંગત અભદ્ર ટિપ્પણી કરતી નથી. વધુમાં તેમણે કહ્યું કે હું તે વ્યક્તિને શોધી રહી છું જેને આ કામ કર્યું છે. ઉપરાંત, મારા નામનો દુરુપયોગ કરીને બનાવેલ પેરોડી એકાઉન્ટની પણ Xને જાણ કરવામાં આવી છે.”
આ પણ વાંચો: ‘મંડી મેં સહી… ‘: કંગનાને ટિકિટ મળ્યા બાદ સોશિયલ મીડિયામાં તેના વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીઓનો મારો