વિસનગરમાં ખાસડા યુદ્ધ કરીને ધૂળેટી ઉજવાઈ, લોકોએ એકબીજાને જૂતા ફટકાર્યા
વિસનગર, 25 માર્ચ 2024, ઉત્તર ગુજરાતમાં હોળી અને ધૂળેટીના તહેવાર પાછળ અનેક પ્રકારની કથાઓ અને પરંપરાઓ જોડાયેલી છે. મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં ખાસડા યુદ્ધ જાણીતું છે. છેલ્લા 150 વર્ષથી વિસનગરમાં ખાસડા યુદ્ધ રમી ધુળેટીની અનોખી ઉજવણી કરવાની પરંપરા ચાલી રહી છે. સમય જતા હવે ખાસડાની જગ્યા શાકભાજીએ લીધી છે.આસુરી શક્તિ ઉપર વિજયની ખુશાલીરૂપે હોળી ધુળેટી પર્વ રંગોથી મનાવાય છે.
અત્યારે ખાસડાની જગ્યા પર શાકભાજી આવી ગઈ
વિસનગર શહેરના મંડી બજાર વિસ્તારમાં આજે વહેલી સવારથી ખાસડા યુધ્ધમાં મોટી સંખ્યામાં લોકોએ જોડાઇ સામ સામે ખાસડા તેમજ શાકભાજી ફેંકી ઉજવણી કરી હતી. ધૂળેટીના દિવસે વહેલી સવારે શહેરના ઉત્તર ભાગમાં વસતા વિવિધ સમાજના લોકો તેમજ દક્ષિણ ભાગમાં વસતા વિવિધ સમાજના લોકોના બે જૂથ એકઠા થાય છે અને સામ સામે જૂતા અને શાકભાજી મારીને આ યુધ્ધ શરૂ કરવામાં આવે છે.જેને ખાસડુ વાગે તેનું સમગ્ર વર્ષ સારૂ જતુ હોવાની માન્યતા પ્રવર્તતી હોય છે. આ યુદ્ધમાં પહેલા જૂતા તેલમાં ડુબાડીને એકબીજા પર ફેકવામાં આવતા હતા પરંતુ સમય જેમ બદલાયો છે તેમ અત્યારે તેની જગ્યા પર શાકભાજી આવી ગઈ છે.
ખાસડા યુધ્ધની પરંપરા મહારાષ્ટ્રમાં ચાલતી હતી
આ ખાસડા યુદ્ધ પાછળની એવી માન્યતા છે કે હોલીકા અગ્નીમાં બળીને ભસ્મ થઇ ગઇ હતી અને ભક્ત પ્રહલાદ અગ્નીથી બચી ગયા હતાં. જેથી તે સમયે અસુરોનો નાશ થવાની ખુશીમાં ગુલાલ અને સામસામેથી ખાસડાં ફેંકાયાં હતા. વર્ષો પૂર્વે આ ખાસડા યુધ્ધની પરંપરા મહારાષ્ટ્રમાં ચાલતી હતી અને તે સમયે ગુજરાત મુંબઇ રાજ્યમાં હતું ત્યારથી આ અનોખા યુધ્ધની શરૂઆત વિસનગર શહેરમાં થઇ છે. જે પેઢી પારંપરિક રીતે ચાલતી આવે છે. હાલ આ પર્વમાં ખાસડાઓનુ પ્રમાણ ઓછુ હોય છે તેનું સ્થાન બટાકા, ડુંગળી, ટામેટા તેમજ રીંગળ જેવા શાકભાજીએ લઇ લીધું છે. જયારે આ બંન્ને જુથો સાંજે શહેરના ઐતિહાસિક દેળિયા તળાવામાં સ્નાન કરવા જાય છે.અને આ યુદ્ધ બાદ માટલી પણ ફોડવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં લોકો આવે છે.
આ પણ વાંચોઃગુજરાતના આ વિસ્તારોમાં અલગ પ્રકારની વ્યવસ્થા સાથે ખાસ 13 મતદાન મથક ઉભા કરાશે