ભાજપે પાંચમી યાદીમાં ઉત્તર પ્રદેશમાં વરુણ ગાંધી સહિત 9 સાંસદોનું કાપ્યુ પત્તું
નવી દિલ્હી, 25 માર્ચ: ભારતીય જનતા પાર્ટી (BJP)એ રવિવારે આગામી લોકસભા ચૂંટણી માટે ઉત્તર પ્રદેશના 13 ઉમેદવારોની યાદી જાહેર કરી. જ્યારે પાર્ટીએ સુલતાનપુરથી પૂર્વ કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીને બીજી તક આપી છે. બીજી તરફ તેમના પુત્ર અને પીલીભીતના સાંસદ વરુણ ગાંધીની ટિકિટ રદ કરી છે અને તેમના સ્થાને જિતિન પ્રસાદને મેદાનમાં ઉતાર્યા છે. કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપની આ પાંચમી યાદી છે. જો કે, પ્રથમ યાદીમાં 51 ઉમેદવારોની ઘોષણા કર્યા પછી, પાર્ટીએ બાકીની ત્રણ યાદીમાં રાજ્ય માટે કોઈ ઉમેદવારની જાહેરાત કરી નથી.
આ નવ સાંસદોનું ભાજપે પત્તું કાપ્યું
પાંચમી યાદીમાં ઉત્તર પ્રદેશના કુલ 13 ઉમેદવારો જાહેર કર્યા છે. જેમાં પાર્ટીએ તેના નવ વર્તમાન સાંસદોને તક આપી નથી. પાર્ટીએ જે નવ સાંસદોની ટિકિટ રદ્દ કરી છે તેમાં ગાઝિયાબાદના સાંસદ અને કેન્દ્રીય મંત્રી (નિવૃત્ત જનરલ) વીકે સિંહ, પીલીભીતના સાંસદ વરુણ ગાંધી, બરેલીથી સંતોષ ગંગવાર, કાનપુરના સત્યદેવ પચૌરી, બદાયુંથી પૂર્વ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યની પુત્રી ડૉ સંઘમિત્રા મૌર્ય, બારાબંકીના ઉપેન્દ્ર સિંહ રાવત, હાથરસના સાંસદ રાજવીર સિંહ દિલેર, બહરાઈચથી સાંસદ અક્ષય લાલ ગૌર અને મેરઠના સાંસદ રાજેન્દ્ર અગ્રવાલ સામેલ છે.
પાર્ટીના નેતા વરુણ ગાંધીની પણ ટિકિટ કપાઈ
વરુણ ગાંધી કેન્દ્રના ત્રણ કૃષિ કાયદાની રજૂઆત બાદથી તેમની પાર્ટી અને સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યા છે. જો કે, બાદમાં સરકારે આ કાયદાઓ પાછા ખેંચી લીધા હતા. તેમણે રોજગાર અને સ્વાસ્થ્ય સહિત અનેક મુદ્દે ભાજપ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો. જો કે, પાર્ટીએ તેમની માતા મેનકા ગાંધી પર વિશ્વાસ વ્યક્ત કર્યો, જેમને સુલતાનપુરથી ફરીથી ટિકિટ આપવામાં આવી છે. જનરલ વીકે સિંહ અને સત્યદેવ પચૌરી બંનેએ રવિવારે 2024ની ચૂંટણી લડવા માટે તેમની ‘અનિચ્છા’ વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો: Lok Sabha Election:ગુજરાત કોંગ્રેસને ઝટકો, આ જિલ્લામાં વિવિધ નેતાઓએ રાજીનામા આપ્યા