દેશમાં રાફેલ જેટ લાવવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર પૂર્વ એરફોર્સ ચીફ ભાજપમાં જોડાયા
ઉત્તર પ્રદેશ, 24 માર્ચ : લોકસભાની ચૂંટણી પહેલા, ભૂતપૂર્વ એરફોર્સ ચીફ એર ચીફ માર્શલ (નિવૃત્ત) આરકેએસ ભદૌરિયા ભાજપમાં જોડાયા છે. પૂર્વ વાયુસેના પ્રમુખ રવિવારે (24 માર્ચ) પાર્ટીના મહાસચિવ વિનોદ તાવડે અને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. આરકેએસ ભદૌરિયા સપ્ટેમ્બર 2021માં એરફોર્સ ચીફના પદ પરથી નિવૃત્ત થયા હતા. આ રીતે તેમના સ્થાને એર ચીફ માર્શલ વિવેક રામ ચૌધરીને વાયુસેનાના વડા બનાવવામાં આવ્યા છે. ભદૌરિયા 30 સપ્ટેમ્બર, 2019 થી 30 સપ્ટેમ્બર, 2021 સુધી દેશના વાયુસેના પ્રમુખ હતા. તે ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લાના બાહ તાલુકાના રહેવાસી છે. તેમણે ભારતને રાફેલ જેટ અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ ટીમનું નેતૃત્વ કરી રહ્યાં હતા, જે વિમાનો માટે ફ્રાન્સ સાથે વાટાઘાટો કરી રહી હતી.
આરકેએસ ભદૌરિયાને ટિકિટ ક્યાંથી મળી શકે?
મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો ભાજપ ઉત્તર પ્રદેશની ગાઝિયાબાદ લોકસભા સીટ પરથી પૂર્વ એરફોર્સ ચીફ આરકેએસ ભદૌરિયાને ટિકિટ આપી શકે છે. હાલમાં જનરલ વીકે સિંહ આ બેઠક પરથી ભાજપના સાંસદ છે. તેઓ 2014 અને 2019માં આ બેઠક પરથી ચૂંટણી જીતી ચૂક્યા છે. ભાજપ દ્વારા અત્યાર સુધી જાહેર કરવામાં આવેલી ઉમેદવારોની ચાર યાદીમાં ગાઝિયાબાદના ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી નથી. આવી સ્થિતિમાં આરકેએસ ભદૌરિયાને આ બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવે તેવી અટકળો લગાવવામાં આવી રહી છે.
ભાજપમાં જોડાયા બાદ એર ચીફ માર્શલ (નિવૃત્ત) આરકેએસ ભદૌરિયાએ કહ્યું, “રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવાની તક આપવા બદલ હું ફરી એકવાર પાર્ટી નેતૃત્વનો આભાર માનું છું. મેં ચાર દાયકાથી વધુ સમયથી ભારતીય વાયુસેનામાં સેવા આપી છે. “પરંતુ સર્વશ્રેષ્ઠ મારી સેવાનો સમય ભાજપ સરકારના નેતૃત્વમાં છેલ્લા 8 વર્ષનો હતો.
આરકેએસ ભદૌરિયાએ વધુમાં જણાવ્યું હતું કે, “આપણી સશસ્ત્ર દળોને મજબૂત કરવા, આધુનિક બનાવવા અને તેમને આત્મનિર્ભર બનાવવા માટે આ સરકાર દ્વારા લેવામાં આવેલા કડક પગલાઓએ દળોમાં માત્ર નવી ક્ષમતા જ નથી બનાવી, પરંતુ તેમને નવો આત્મવિશ્વાસ પણ આપ્યો છે. સરકારના આત્મનિર્ભર પગલાં જમીન પર જોઈ શકાય છે. સરકાર દ્વારા લેવામાં આવતા પગલાં સુરક્ષાના દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે અને તે ભારતને વૈશ્વિક સ્તરે નવી ઊંચાઈઓ પર લઈ જશે.”
#WATCH | Former Chief of Air Staff, Air Chief Marshal (Retd.) RKS Bhadauria joins BJP in the presence of party General Secretary Vinod Tawde and Union Minister Anurag Thakur. pic.twitter.com/n3s9k7INmf
— ANI (@ANI) March 24, 2024
ભારતે ફ્રાન્સ પાસેથી 36 રાફેલ ફાઈટર પ્લેન ખરીદવા માટે એક ટીમ બનાવી હતી. આ ટીમનું નેતૃત્વ પૂર્વ એરફોર્સ ચીફ આરકેએસ ભદૌરિયા પાસે હતું. તે સમયે તેઓ ડેપ્યુટી એરફોર્સ ચીફ હતા. RKS ભદૌરિયાના નેતૃત્વમાં ભારત અને ફ્રાન્સ વચ્ચે અનેક અવરોધોને પાર કરીને રાફેલ વિમાનનો સોદો થયો હતો. વિમાનો માટેના કરાર પર સપ્ટેમ્બર 2016માં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ભદૌરિયાના યોગદાનને માન્યતા આપવા માટે, પ્રથમ રાફેલની ટેઈલ પર તેમના નામના બે અક્ષરો RB008 અંકિત કરવામાં આવ્યા હતા.
એટલું જ નહીં, પરંતુ ભદૌરિયાએ સ્વદેશી તેજસ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) પ્રોગ્રામ તૈયાર કરવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. પૂર્વ એરફોર્સ ચીફ તેજસ પ્રોગ્રામ સાથે ગાઢ રીતે સંકળાયેલા હતા. તેઓ LCA પ્રોજેક્ટ પર નેશનલ ફ્લાઇટ સેન્ટરના મુખ્ય ટેસ્ટ પાઇલટ અને પ્રોજેક્ટ ડિરેક્ટર હતા. ભદૌરિયા તેજસ પર પ્રારંભિક પ્રોટોટાઇપ ફ્લાઇટ પરીક્ષણોમાં પણ સામેલ હતા.
કેજરીવાલની ધરપકડના વિરોધમાં 31 માર્ચે દિલ્હીમાં ઈન્ડિયા બ્લોકની મેગા રેલી, AAP-કોંગ્રેસની જાહેરાત