રાજકોટની કેમિકલ ફેક્ટરીમાં વિકરાળ આગ લાગી, 3 ફાયર ફાઇટર ઘટના સ્થળે
રાજકોટ, 23 માર્ચ 2024, શહેરના સ્વાતિ પાર્ક વિસ્તારમાં ફીડકેમ ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગવાની ઘટના બની છે. દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે. આ અંગેની જાણ થતાં ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રાયસ શરૂ કર્યો છે. સદનસીબે આગમાં કોઈ જાનહાની થઈ નથી. પરંતુ મોટું નુકસાન થવાની શક્યતા છે.
કેમિકલ વધુ પ્રમાણમાં હોવાથી આગ વિકરાળ બની
પ્રાપ્ત વિગત મુજબ સ્વાતિ પાર્ક વિસ્તારમાં આવેલી ફીડકેમ ઇન્ડસ્ટ્રીઝમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. અચાનક ભિષણ આગ લાગતા આસપાસના લોકો અને કારખાનેદારો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ અંગે સ્થાનિકો દ્વારા મનપાના ફાયર વિભાગને તરત જ જાણ કરવામાં આવી હતી. જેને પગલે ખુદ ચીફ ફાયર ઓફિસર ખેર ત્રણ ફાયર ફાઇટર સાથે ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેરે મીડિયાને જણાવ્યું હતું કે,આ સ્થળે કેમિકલ વધુ પ્રમાણમાં હોવાથી આગ વિકરાળ બની હતી.ફાયરની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસો કરાઇ રહ્યા છે.આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી.
આ પણ વાંચોઃઅમદાવાદમાં પોલીસ કર્મીએ બેફામ કાર ચલાવી ચાર લોકોને અડફેટે લીધા, જામીન પર છુટી ગયો