પ્રોપર્ટી ખરીદતાં પહેલાં ચેતજોઃ મકાન કે દુકાનની અંદર પિલ્લર કે ડક્ટનું ધ્યાન રાખજો
અમદાવાદ, 23 માર્ચ 2024, હાલમાં રિયલ એસ્ટેટ માર્કેટ મોકળું બન્યું છે. વિસ્તારો વિકસિત થવાથી રહેણાંક અને કોમર્શિયલ બાંધકામોમાં વધારો થયો છે. પરંતુ બાંધકામમાં દુકાન કે મકાન/ ફલેટ ખરીદનાર મોટાભાગના ગ્રાહકોને હજી સુધી કાર્પેટ અને રેરા કાર્પેટ એરિયા અંગેની જાણકારી નથી. કેટલાક બિલ્ડરો રેરા કાર્પેટના આધારે ગ્રાહક પાસેથી પૈસા વસૂલે છે પણ તેમાં કાર્પેટ પ્રમાણે જ બાંધકામ મળે છે. એટલે કે ફ્લેટ, મકાન કે દુકાનની અંદર જો કોઈ પિલ્લર આવી જાય તો એ પિલ્લરનો એરિયા કાપીને પૈસા નથી લેવાતા પણ એની સાથે જ એરિયાના માપની ગણતરી કરીને પૈસા લેવામાં આવે છે. ગ્રાહકોએ બિલ્ડરો પાસેથી મિલકત ખરીદતા પહેલાં મિલકતમાં પિલ્લર કે ડક્ટ છે કે નહીં તે જોઈને મિલકત ખરીદવી જોઈએ કારણ કે રેરા એરિયા પ્રમાણેનો ભાવ ગણીને કેટલાક બિલ્ડરો પિલ્લર અને ડક્ટની જગ્યાના પૈસા પણ ગ્રાહક પાસેથી લઈ લે છે.
RERA કાર્પેટ એરિયા જોઈને જ મિલકતની ખરીદી કરો
રહેઠાણની કે કોમર્શિયલ મિલકત ખરીદનારાઓએ રેરા એરિયા જોઈને જ મિલકતની ખરીદી કરવાનો આગ્રહ રાખવો જોઈએ. રેરા પ્રમાણે તેમને ઉપયોગ કરવા માટે મળનારા એરિયાના પ્રમાણમાં કોઈ જ તફાવત રહેશે નહિ. તેની માપણી પણ કરાવી શકશે. સુપર બિલ્ટ અપમાં ક્યાંક 40 ટકા તો ક્યાંક 45 અને 48 ટકા સુપર બિલ્ટ અપની ગણતરી થતાં દરેક પ્રોપર્ટી ખરીદનારને અલગ અલગ કાર્પેટ એરિયા મળતો હતો તેવું હવે પછી તૈયાર થનારી મિલકતમાં બનશે નહિ. રેરા કન્સલ્ટન્ટ સુત્રોનું કહેવું છે કે, કોઈ પણ મિલકતમાં એક્સટર્નલ અને ઈન્ટરનલ એમ બે પ્રકારે એરિયા હોય છે. જેમાં મિલકતના ઈન્ટરનલ એરિયામાં જો કોઈ પિલ્લર આવતાં હોય તો તેનો ચાર્જ પણ ગ્રાહકે આપવો પડશે કારણ કે ગ્રાહક તેનો ઉપયોગ કરશે.મિલકતની ખરીદી કરનારાઓને આપવામાં આવનારા દસ્તાવેજમાં પણ રેરો કાર્પેટ એરિયા જ દર્શાવવામાં આવે છે.
જાણો શું છે કાર્પેટ અને RERA કાર્પેટ
કાર્પેટ એરિયા એટલે ફ્લેટ કે રૂમનો આંતરિક વિસ્તાર. દિવાલોની જાડાઈ આમાં શામેલ નથી. આ દિવાલોની અંદરના ફ્લેટનો ભાગ છે જેનો ઉપયોગ કાર્પેટ પાથરવા માટે થઈ શકે છે. તેનો અર્થ એ છે કે, આ દિવાલોની અંદરનો ભાગ છે જેનો ઉપયોગ તમે તમારા રહેવા, સંગ્રહ અથવા અન્ય મહત્વપૂર્ણ હેતુઓ માટે કરી શકો છો. RERA કાર્પેટ વિસ્તાર અને કાર્પેટ વિસ્તાર વચ્ચેનો તફાવત માત્ર આંતરિક દીવાલોની જાડાઈ છે. RERA કાર્પેટ એરિયામાં આંતરિક દીવાલોની જાડાઈનો પણ સમાવેશ થાય છે, તેથી બંને કાર્પેટ વિસ્તારો વચ્ચે અંદાજે 5% નો તફાવત છે. RERA કાર્પેટ વિસ્તાર સામાન્ય રીતે કાર્પેટ વિસ્તાર કરતાં 5% વધુ હોય છે. ઉદાહરણ તરીકે, એપાર્ટમેન્ટનો કાર્પેટ વિસ્તાર 800 ચોરસફૂટ છે, તો એનો RERA કાર્પેટ એરિયા 840 ચોરસ ફૂટ હશે.
આ પણ વાંચોઃક્રેડિટ કાર્ડ મર્યાદા વધારતી વખતે બેંકો કઈ બાબતો પર ધ્યાન આપે છે? ફાયદા શું છે?