નેશનલ ડેસ્કઃ હિમાચલ પ્રદેશની સ્પીતિ ખીણના મુખ્યાલય કાઝા ખાતે એક જિમ બનાવવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે, આ વિશ્વમાં બનેલું સૌથી ઉંચુ જિમ છે. તેનો ટૂંક સમયમાં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સમાવેશ કરવામાં આવશે, જેની પ્રક્રિયા ચાલી રહી છે. આ જિમ 12 હજાર ફૂટની ઉંચાઈ પર બનાવવામાં આવ્યું છે, જે ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે. સ્થાનિક લોકો પણ આ સિદ્ધિ પર ખૂબ જ ખુશ છે.
કાઝા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ
કાઝા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ લગભગ 12 હજાર ફૂટની ઉંચાઈ પર બનાવવામાં આવ્યું છે. હાલમાં આ જીમમાં લગભગ 10 લાખ રૂપિયાના સાધનો રાખવામાં આવ્યા છે. હિમાચલના ટેકનિકલ એજ્યુકેશન મિનિસ્ટરે કહ્યું કે, સ્પીતિ ખીણના યુવાનોને સ્વસ્થ રાખવામાં જીમ ખૂબ જ મદદરૂપ સાબિત થશે. ઇન્સ્ટોલ થયા બાદ યુવાનોમાં ડ્રગ્સની લત ઓછી થશે અને તેઓ ખતરનાક ઈલેક્ટ્રોનિક ગેજેટ્સથી પણ દૂર રહેશે. આ જીમ યુવાનોને સારી જીવનશૈલી સાથે જીવવામાં મદદ કરશે.
પ્રવાસીઓને પણ મળશે સુવિધા
વિશ્વભરમાંથી પ્રવાસીઓ કુદરતનો સુંદર નજારો જોવા હિમાચલ પ્રદેશ પહોંચે છે. ઘણા પ્રવાસીઓ ફિટનેસ ફ્રીક પણ હોય છે. આ જીમ તે પ્રવાસીઓને પણ ઊંચાઈએ ફિટ રાખશે. પ્રવાસીઓને આવા સ્થળે જિમની સુવિધા મળશે તો તેઓ તેના તરફ આકર્ષાશે. અધિકારીઓએ જણાવ્યું કે આ જીમ વિશ્વના સૌથી ઊંચી જગ્યાએ બનાવવામાં આવ્યું છે.