અરવિંદ કેજરીવાલ કેવી રીતે આવ્યા EDની પકડમાં? કોણ બન્યા સરકારી સાક્ષી?
નવી દિલ્હી, 22 માર્ચઃ દિલ્હીની એક્સાઈઝ નીતિમાં છેડછાડ કરવાના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગઈ રાત્રે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી લીધી હતી. કેજરીવાલે આ કેસમાં પૂછપરછ માટે ઈડી દ્વારા જારી નવ સમન્સ છતાં પૂછપરછ માટે હાજર નહીં થતાં ઈડીના અધિકારીઓ છેવટે ગઈ રાત્રે સીએમના નિવાસસ્થાને પહોંચી ગયા હતા અને તેમની ધરપકડ કરી હતી.
પરંતુ સૌને એ જાણવાની ઉત્સુકતા હશે કે, દરેક રીતે બચતા રહેલા કેજરીવાલ ઉપર છેવટે કાયદાનો ગાળિયો પહોંચ્યો કેવી રીતે?
- આ રીતે કાયદાની પકડમાં આવ્યા કેજરીવાલઃ
દિલ્હીની એક્સાઈઝ નીતિ (શરાબ નીતિ)માં છેડછાડ તથા હવાલા દ્વારા નાણાંના હસ્તાંતરણના કેસમાં ઈડી છેલ્લા થોડા મહિનામાં આમ આદમી પાર્ટીના ટોચના નેતાઓ તેમજ બીઆરએસના નેતા કે. કવિતાની ધરપકડ કરેલી છે. આ કેસની તપાસ અને પૂછપરછ દરમિયાન કેટલાક આરોપી સરકારી સાક્ષી બની ગયા હતા અને તેમણે સમગ્ર કૌભાંડની જે વિગતો આપી તેને આધારે ઈડી કેજરીવાલ સુધી પહોંચી શકી.
આ કેસમાં જેની અગાઉ જેમની ધરપકડ થઈ હતી તે પૈકી ત્રણ આરોપી – સરથ રેડ્ડી, રાઘવ મગુંટા તથા શ્રીનિવાસુલુ રેડ્ડીએ સરકારી સાક્ષી બનવાનું કબૂલીને શરાબકાંડ તેમજ હવાલાકાંડની વિગતો આપવાનું કબૂલ્યું હતું.
તેલંગાણાના ભૂતપૂર્વ મુખ્યપ્રધાનની દીકરી કે. કવિતાની સાથે સંકળાયેલા આ ત્રણેએ કે. કવિતા ઉપરાંત દિલ્હીના આમ આદમી પાર્ટીના ટોચના નેતાઓના નામ આપ્યા હતા. ત્રણે આરોપીઓની આ કબૂલાત મુજબ તેમણે કે. કવિતા ઉપરાંત દિલ્હીના સીએમ કેજરીવાલ તથા મનીષ સિસોદિયા સહિત આપ-ના ટોચના નેતાઓની સાથે મળીને આ આખું કાવતરું ઘડ્યું હતું. આ આરોપીઓએ એવો દાવો કર્યો હતો કે તેમણે દિલ્હીના તે સમયના એક્સાઈઝ મંત્રી અને નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ તેમને 100 કરોડની લાંચ આપી હતી.
એક્સાઈઝ નીતિમાં અનૈતિક ફેરફાર કરવાના ભાગ રૂપે શરાબના જથ્થાબંધ વેપારીઓનું માર્જિન વધારીને 12 ટકા કરી દેવામાં આવ્યું હતું, અને વેપારીઓને આ વધેલી ટકાવારીમાંથી જે આવક થાય તેમાંથી અમુક હિસ્સો આમ આદમી પાર્ટીને પરત આપે તેવી ગોઠવણ થઈ હતી.
ઈડીનો દાવો છે કે, PMLAની કલમ 50 હેઠળ શ્રીનિવાસુલુ રેડ્ડીએ 14 જુલાઈ, 2023ના રોજ આપેલું નિવેદન તથા કલમ 164 હેઠળ 17 જુલાઈ, 2023ના રોજ નોંધવામાં આવેલા નિવેદન અનુસાર તેણે કવિતા તથા આપ-ના વરિષ્ઠ નેતાઓને લાંચ આપી હતી.
- આ કૌભાંડમાં અત્યાર સુધીમાં 16 મોટાં માથાંની ધરપકડ
દિલ્હીની એક્સાઈઝ નીતિ કૌભાંડમાં અત્યાર સુધીમાં 16 મોટાં માથાંની ધરપકડ કરી લેવામાં આવી છે, જેમાં સૌથી મોટી ધરપકડ અરવિંદ કેજરીવાલની છે. તે સિવાય મનીષ સિસોદિયા એક વર્ષથી જેલમાં છે. આપ-ના રાજ્યસભા સાંસદ સંજયસિંહ પણ જેલમાં છે. કે. કવિતાની ધરપકડ આ મહિને 15 માર્ચે કરવામાં આવી હતી.
આ કેસમાં અત્યાર સુધીમાં ઉપરોક્ત ટોચના નેતાઓ ઉપરાંત – આમ આદમી પાર્ટીની કમ્યુનિકેશ વિભાગના વડા વિજય નાયર, સાઉથ ગ્રુપના સભ્યો રાઘવ મગુંતા અને અભિષેક બોનપલ્લી, અકાલી દળના ભૂતપૂર્વ MLAના પુત્ર ગૌતમ મલ્હોત્રા, ઈન્ડોસ્પિરીટના માલિક સમીર મહેન્દ્રુ, વાડ્ડી રિટેલના માલિક અમિત અરોરા, અરવિંદો ગ્રુપના પ્રમોટર પી. શરદ રેડ્ડી, કે. કવિતાના ભૂતપૂર્વ સીએ બુચીબાબુ, રેકોર્ડ ઈન્ડિયાના રિજનલ વડા બિનોય બાબુ, ચૌરિયટ પ્રોડક્શનના ડાયરેક્ટર રાજેશ જોશી, રેસ્ટોરન્ટ ચેઈનના માલિક દિનેશ અરોરા તથા વેપારી અરુણ પિલ્લઈનો સમાવેશ થાય છે.
આ પણ વાંચોઃ દિલ્હી આબકારી નીતિ: BRS નેતા કે. કવિતાને સુપ્રીમ કોર્ટે જામીન આપવાનો કર્યો ઈનકાર