ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

MP: ASIએ ભોજશાળામાં સર્વેની કામગીરી કરી શરૂ, મુસ્લિમ પક્ષ પહોંચ્યો સુપ્રીમ કોર્ટ

  • ધાર સ્થિત કમાલ મૌલાના મસ્જિદ હકીકતમાં માં સરસ્વતી મંદિર ભોજનશાળા છેઃ: હિન્દુ સંગઠનો

મધ્યપ્રદેશ, 22 માર્ચ: ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ના અધિકારીઓ ભોજશાળાના સર્વેક્ષણ માટે મધ્યપ્રદેશના ધાર ખાતે પહોંચ્યા છે. જ્યાં ASIની ટીમ દ્વારા ભોજશાળાનો સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. મધ્યપ્રદેશ હાઈકોર્ટની ઈન્દોર બેંચના નિર્ણય બાદ ASIએ આ સર્વેની કામગીરી શરૂ કરી છે. હાઈકોર્ટે ગયા અઠવાડિયે જ આદેશ આપ્યો હતો કે ASI ભોજશાળાનો સર્વે કરે. જો કે, હાઈકોર્ટના આ આદેશને મુસ્લિમ પક્ષના લોકોએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે અને આજે જ સુનાવણીની વિનંતી પણ કરશે. હિન્દુ સંગઠનો અનુસાર, ધાર સ્થિત કમાલ મૌલાના મસ્જિદ હકીકતમાં “માં સરસ્વતી” મંદિર ભોજનશાળા છે, જેનું નિર્માણ રાજા ભોજે 1034માં સંસ્કૃતના અભ્યાસ માટે કરાવ્યું હતું. પરંતુ બાદમાં મુઘલ આક્રમણકારો દ્વારા તેને તોડી પાડવામાં આવ્યું હતું.

 

ઉલ્લેખનીય છે કે, કર્મચારીઓ ત્યાં પહોંચી ગયા છે અને તેઓ ASIના તપાસ અધિકારીઓ સાથે મળીને કામ કરશે. તે જગ્યા પણ સર્ચ કરશે. હાઈકોર્ટે સર્વે માટે કાર્બન ડેટિંગ સહિતની લેટેસ્ટ ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનો નિર્દેશ આપ્યો છે. ASI અધિકારીઓની પાંચ સભ્યોની ટીમે 6 અઠવાડિયામાં સર્વે રિપોર્ટ સબમિટ કરવાનો રહેશે.

 

કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી 

ASIની ટીમ ટેક્નિકલ સાધનો સાથે અંદર ગઈ છે. આ સર્વેને લઈને કેમ્પસની આસપાસ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને ગેટ પર મેટલ ડિટેક્ટર લગાવવામાં આવ્યા છે. આ ટીમમાં દિલ્હી અને ભોપાલના ASI નિષ્ણાતો સામેલ છે. આજે, રમઝાનના શુક્રવારની નમાજ પણ યોજાવાની છે, તેથી સુરક્ષાને મોટી પ્રાથમિકતા આપવામાં આવી છે.

ASIએ પોતાનો પ્રથમ રિપોર્ટ 29મી એપ્રિલે આપવાનો રહેશે

ભોજશાળાના વૈજ્ઞાનિક સર્વેક્ષણ માટે હિન્દુ ફ્રન્ટ ફોર જસ્ટિસ દ્વારા હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી, જેની સુનાવણી દરમિયાન હાઇકોર્ટની ઇન્દોર બેંચે ASIને ભોજશાળાની અંદર જઇને સર્વે કરવા જણાવ્યું હતું. કોર્ટે ASIને 29 એપ્રિલ સુધીમાં પહેલો રિપોર્ટ સોંપવાનો આદેશ આપ્યો છે. આ સર્વે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.

હવે જો ભોજશાળાના ઈતિહાસની વાત કરવામાં આવે તો લગભગ એક હજાર વર્ષ પહેલા ધાર પર પરમાર વંશનું શાસન હતું. રાજા ભોજે 1000થી 1055 સુધી અહીં શાસન કર્યું હતું. રાજા ભોજ દેવી સરસ્વતીના પ્રખર ભક્ત હતા. તેમણે 1034 ADમાં અહીં એક કોલેજની સ્થાપના કરી હતી, જે પાછળથી ‘ભોજશાળા’ તરીકે જાણીતી થઈ. હિન્દુઓ તેને માં સરસ્વતીનું મંદિર પણ માનતા હતા.

મુસ્લિમ પક્ષના લોકો સુપ્રીમ કોર્ટ પહોંચ્યા 

ભોજશાળાના વિવાદનો મામલો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો છે. મુસ્લિમ પક્ષે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે અને હાઇકોર્ટ દ્વારા સર્વે માટે ASIને આપેલા આદેશ પર સ્ટે મૂકવાની માગણી કરી છે. મુસ્લિમ પક્ષ શુક્રવારે જ અરજી પર સુનાવણી માટે વિનંતી કરશે.

હિન્દુ પક્ષનો દાવો શું છે?

હિન્દુ પક્ષ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે અલાઉદ્દીન ખિલજીએ 1305 ADમાં ભોજશાળાને તોડી પાડી હતી. બાદમાં 1401 ADમાં, દિલાવર ખાન ગૌરીએ ભોજશાળાના એક ભાગમાં એક મસ્જિદ બનાવી. 1514માં મહેમૂદશાહ ખિલજીએ બીજા ભાગમાં પણ મસ્જિદ બનાવી દીધી. 1875માં અહીં ખોદકામ કરવામાં આવ્યું હતું. આ ખોદકામમાં દેવી સરસ્વતીની પ્રતિમા મળી આવી હતી જેને મેજર કિનકેડ નામના અંગ્રેજ લંડન લઈ ગયા હતા.

આ પણ જુઓ: હવે દિલ્હીની સરકાર કેમ ચાલશે ? સામે આવ્યું આમ આદમી પાર્ટીનું નિવેદન

Back to top button