શરાબ કૌભાંડના પ્રારંભથી કેજરીવાલની ધરપકડ સુધીનો ઘટનાક્રમ
નવી દિલ્હી, 21 માર્ચ, 2024: દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારની વિવાદાસ્પદ એક્સાઈઝ નીતિનો ગાળિયો છેવટે મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલના ગળા સુધી આવી ગયો. આજે 21મી માર્ચને ગુરુવારની રાત્રે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ કેજરીવાલની ધરપકડ કરી લીધી હતી. સીએમ કેજરીવાલની ધરપકડ કરતાં પહેલાં ઈડીના અધિકારીઓએ લગભગ દોઢથી બે કલાક સુધી સીએમની તેમના નિવાસસ્થાને પૂછપરછ કરી હતી. અહેવાલ પ્રમાણે પૂછપરછ શરૂ કરતાં પહેલાં ઈડીના અધિકારીઓએ કેજરીવાલ ઉપરાંત તેમના પરિવારના સભ્યોના મોબાઈલ ફોન તેમજ ટેબલેટ વગેરે ગેજેટ જપ્ત કરી લીધા હતા.
આજે રાત્રે સીએમ કેજરીવાલની ધરપકડ થઈ તે પહેલાં ગયા અઠવાડિયા તેલંગણાના બીઆરએસ નેતા કે. કવિતાની આ જ રીતે સાંજના સમયે ધરપકડ કરવામાં આવી હતી. જોકે, આ પહેલાં આ કેસમાં દિલ્હી સરકારના ભૂતપૂર્વ નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા, પક્ષના સાંસદ સંજય સિંહ સહિત નેતાઓની ધરપકડ થયેલી છે. શું છે આખો ઘટનાક્રમ, જાણો અહીં :
સૌપ્રથમ, દિલ્હીની એક્સાઈઝ પોલિસીમાં ભ્રષ્ટાચારના આરોપોના સંદર્ભમાં ગત 2022ની 19 ઑગસ્ટે સવારે CBIએ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના ઘરે દરોડા પાડ્યા હતા. CBIની ટીમ લગભગ 9 કલાકથી મનીષ સિસોદિયાના ઘરે સર્ચ હાથધર્યું હતું. આ દરોડાને લઈને આમ આદમી પાર્ટીએ પીએમ મોદી પર કેન્દ્રીય એજન્સીનો ઉપયોગ કરીને પાર્ટીને બદનામ કરવાનો આરોપ લગાવ્યો હતો.
CBIએ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના દિલ્હી સ્થિત નિવાસસ્થાન અને સાત રાજ્યોમાં અન્ય 20 સ્થળોએ દરોડા પાડ્યા હતા. લગભગ 9 કલાકથી સીબીઆઈના દરોડા ચાલુ છે. સીબીઆઈએ કહ્યું કે દિલ્હી સહિત સાત રાજ્યોમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરે દિલ્હી સરકારની નવી દારૂની નીતિ સામે સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી.
CBIએ એક્સાઈઝ કૌભાંડમાં તેની FIRમાં દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા સહિત 15 આરોપીઓના નામ આપ્યા હતા. સીબીઆઈ અધિકારીએ આ માહિતી આપી હતી. FIRમાં કેટલીક શરાબ કંપનીઓના નામ પણ છે. આ સિવાય ઘણા અજાણ્યા લોકોના નામ પણ FIRમાં સામેલ છે. સીબીઆઈના જણાવ્યા અનુસાર, મનીષ સિસોદિયા પર ગુનાહિત ષડયંત્ર અને ખાતામાં હેરાફેરીનો પણ આરોપ હતો.
તપાસ એજન્સીએ આ કેસમાં એફઆઈઆર નોંધી છે અને નવેમ્બરમાં શરૂ કરાયેલી દિલ્હીની આબકારી નીતિની તપાસ કરી રહી હતી. એફઆઈઆરમાં નાયબ મુખ્યમંત્રી મનીષ સોસીદિયા સહિત ચાર નોકરિયાતોના નામ સામેલ છે. આ નીતિ હેઠળ દારૂની દુકાનના લાયસન્સ ખાનગી વેપારીઓને સોંપવામાં આવ્યા હતા.
આબકારી વિભાગની દેખરેખ રાખતા મનીષ સિસોદિયાએ જણાવ્યું હતું કે આ નીતિ સરકારી દારૂની દુકાનોમાં ભ્રષ્ટાચારનો સામનો કરવાની હતી. સીબીઆઈના દરોડા પછી મનીષ સિસોદિયાએ ટ્વીટ કર્યું હતું કે, “સીબીઆઈ મારા નિવાસસ્થાને છે. હું તપાસ એજન્સીને સહકાર આપીશ, તેમને મારી વિરુદ્ધ કંઈ નહીં મળે.” સિસોદિયાએ કહ્યું હતું કે, “આપણી સરકાર દ્વારા આરોગ્ય અને શિક્ષણના ક્ષેત્રમાં કરવામાં આવેલા સારા કામથી કેન્દ્ર નારાજ છે અને તેથી જ બંને વિભાગના મંત્રીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા.”
દરોડા પછી દિલ્હીના મુખ્ય પ્રધાન અને AAPના વડા અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કહ્યું કે કોઈ દરોડા તેમની પાર્ટીને દેશના લોકો માટે સારા કામ કરતા રોકી શકશે નહીં. તેમણે કહ્યું, “અમારા મિશનમાં ઘણા અવરોધો આવશે. અગાઉ પણ દરોડા પાડવામાં આવ્યા છે, પરંતુ કંઈ બહાર આવ્યું નથી અને આ વખતે પણ કંઈ બહાર આવશે નહીં. અમે CBIને સંપૂર્ણ સહયોગ આપીશું.”
AAPએ ભાજપ પર રાજકીય ષડયંત્રના ભાગરૂપે તેના મંત્રીઓને સતત નિશાન બનાવવાનો આરોપ લગાવ્યો. અરવિંદ કેજરીવાલે કહ્યું કે, “જે દિવસે દિલ્હીના એજ્યુકેશન મોડલના વખાણ થયા તે દિવસે સીબીઆઈ સિસોદિયાના દરવાજે આવી અને મનીષ સિસોદિયાની તસવીર અમેરિકાના સૌથી મોટા અખબારના પહેલા પાના પર છપાઈ. તેમણે કહ્યું કે આ સાબિત કરે છે કે મનીષ સિસોદિયા વિશ્વના શ્રેષ્ઠ શિક્ષણ મંત્રી છે.”
એ સમયે AAPના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ કહ્યું હતું કે, “જનતાના સમર્થન અને અરવિંદ કેજરીવાલની વધતી લોકપ્રિયતા જોઈને ભાજપ અને પીએમ મોદી ડરી ગયા છે. તેઓએ CBI અને અન્ય કેન્દ્રીય એજન્સીઓને અમારા લોકો અને નેતાઓની પાછળ લગાવી દીધી છે. ધ્યેય કેજરીવાલને ખતમ કરવાનો છે.”
દિલ્હી સરકારમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવતા ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું, “સીબીઆઈ તપાસના ડરથી અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાએ સીબીઆઈના દરોડાને શિક્ષણ ક્ષેત્રે કરેલા કામો સાથે જોડવા મજબૂર કર્યા છે. તે શિક્ષણ વિશે નથી. પરંતુ આબકારી નીતિ અંગે.આબકારી નીતિમાં ભ્રષ્ટાચારે અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાનો અસલી ચહેરો ખુલ્લો પાડ્યો છે.આમ આદમી પાર્ટી પર ભ્રષ્ટાચારનો આ પહેલો કેસ નથી.
પૂર્વ ક્રિકેટર અને બીજેપી નેતા ગૌતમ ગંભીરે આ મામલે કહ્યું કે દારૂ સ્વાસ્થ્ય અને આત્મા બંને માટે હાનિકારક છે. ગંભીરે ટ્વીટ કર્યું, “મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે દારૂ શરીર અને આત્મા બંનેનો નાશ કરે છે.”
CBIના દરોડા પર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસે કહ્યું કે વિપક્ષી નેતાઓ સામે કેન્દ્રીય તપાસ એજન્સીઓનો સતત દુરુપયોગ તેમની વિશ્વસનીયતાને નબળી પાડે છે. પાર્ટીના પ્રવક્તા પવન ખેરાએ ટ્વીટ કર્યું, “એજન્સીના દુરુપયોગનો એક મોટો ગેરલાભ એ છે કે જ્યારે એજન્સી યોગ્ય કામ કરે છે ત્યારે પણ તે શંકાના દાયરામાં આવે છે. પ્રક્રિયામાં ભ્રષ્ટ લોકો દુરુપયોગના તર્ક પાછળ છુપાઈ જાય છે અને પ્રમાણિક લોકોને આની કિંમત ચૂકવવી પડે છે. “
Breaking News : CM અરવિંદ કેજરીવાલની ધરપકડ