- મુખ્યમંત્રી ઉપર ધરપકડની લટકતી તલવાર
- 10માં સમન્સ સાથે મુખ્યમંત્રીની થઈ રહી છે પુછપરછ
- અરવિંદ કેજરીવાલના નિવેદન લેવાઈ રહ્યા છે
- CM હાઉસની તલાશી લેવામાં આવી રહી છે
નવી દિલ્હી, 21 માર્ચ : દિલ્હીના કથિત દારૂ કૌભાંડમાં સીએમ અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ સતત વધી રહી છે. સતત 9 સમન્સ મોકલ્યા બાદ EDની ટીમ ગુરુવારે સાંજે 10માં સમન્સ સાથે કેજરીવાલના ઘરે પહોંચી હતી. EDના જોઈન્ટ ડાયરેક્ટર કપિલ રાજ પણ કેજરીવાલના ઘરે હાજર છે. કેજરીવાલનું નિવેદન પીએમએલએની કલમ 50 હેઠળ નોંધવામાં આવી રહ્યું છે. EDના તપાસ અધિકારી જોગેન્દ્ર સીએમ કેજરીવાલની પૂછપરછ કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તેના ઘરની પણ તલાશી લેવામાં આવી રહી છે. આ ઉપરાંત હવે ઘર બહાર હાઈ વોલ્ટેજ ડ્રામા શરૂ થયો છે. જેમાં પહેલા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. હવે ત્યાં અર્ધ લશ્કરી દળ પણ બોલાવી લેવાયું છે. આ ઉપરાંત તેમના ઘર ભાર કલમ 144 પણ લાગુ કરી દેવામાં આવી છે.
દિલ્હી સરકારના મંત્રી પહોંચ્યા, CM માને કર્યું ટ્વિટ
દરમિયાન, કેજરીવાલની કાનૂની ટીમે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે જેમાં હાઈકોર્ટના આદેશને પડકારવામાં આવ્યો છે. આ દરમિયાન દિલ્હીના કેબિનેટ મંત્રી સૌરભ ભારદ્વાજ પણ કેજરીવાલના ઘરની બહાર પહોંચી ગયા છે. તેમણે કહ્યું કે કેજરીવાલની ધરપકડ કરવાની તૈયારી ચાલી રહી છે. આજે જ દિલ્હી હાઈકોર્ટે આ મામલે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે સીએમ કેજરીવાલ ધરપકડથી મુક્ત નથી. દરમિયાન, પંજાબના સીએમ ભગવંત માને ટ્વિટર પર પોસ્ટ કર્યું કે, ‘ભાજપની રાજકીય ટીમ (ED) કેજરીવાલની વિચારસરણીને પકડી શકતી નથી… કારણ કે માત્ર AAP જ ભાજપને રોકી શકે છે… વિચારને ક્યારેય દબાવી શકાતો નથી.’
EDએ મોટો દાવો કર્યો છે
ઉલ્લેખનીય છે કે, સોમવારે જારી કરાયેલા નિવેદનમાં EDએ અનેક દાવા કર્યા હતા. અખબારી યાદીમાં પ્રથમ વખત અરવિંદ કેજરીવાલના નામનો ઉલ્લેખ કરતી વખતે EDએ દાવો કર્યો હતો કે આરોપી કે. કવિતા સાથે કેજરીવાલનું નામ પણ જોડાયેલું છે. ED અનુસાર, તપાસમાં જાણવા મળ્યું છે કે કે. કવિતાએ AAP પાર્ટીના નેતાઓ, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને તત્કાલીન નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સાથે મળીને નવી એક્સાઇઝ પોલિસીનો ફાયદો ઉઠાવવાનું કાવતરું ઘડ્યું હતું.
ED ના દાવા મુજબ, નવી આબકારી નીતિમાંથી વ્યક્તિગત લાભોના બદલામાં AAP પાર્ટીના નેતાઓને 100 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. ષડયંત્ર હેઠળ, નવી દારૂની નીતિમાં જથ્થાબંધ વેપારીઓ દ્વારા AAP પાર્ટીને લાંચના પૈસા સતત મોકલવામાં આવી રહ્યા હતા. દારૂ પર નફાનું માર્જિન વધારીને દક્ષિણ લોબી દ્વારા એડવાન્સ અપાયેલી કરોડો રૂપિયાની લાંચ વસૂલવાનું અને આ પોલિસીમાંથી બમણો નફો કમાવવાનું કાવતરું હતું.