અમદાવાદ, 21 માર્ચ 2024, શાહીબાગમાં સ્થિત ફિરદોસ અમૃત સ્કૂલ દ્વારા ગુજરાત બોર્ડ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવતા વાલીઓ રોષે ભરાયા હતાં. સ્કૂલના આ નિર્ણયથી નારાજ થયેલા વાલીઓએ સ્કૂલે પહોંચીને વિરોધ કર્યો હતો. ધોરણ 9 થી ગુજરાત બોર્ડ બંધ કરી આગળના અભ્યાસ માટે CBSE બોર્ડમાં એડમિશન લેવાનું જાહેર કરાતા વાલીઓ વિફર્યા હતાં. જોકે વિવાદ વધતા સ્કૂલના મેનેજમેન્ટે વાલીઓ સાથે બેઠક કરી પોતાનો નિર્ણય પાછો ખેંચ્યો હતો.
વાલીઓને ફોન કરીને મિટિંગ માટે જાણ કરવામાં આવી
પ્રાપ્ત વિગતો પ્રમાણે શાહીબાગ આર્મી કેન્ટોન્મેન્ટમાં સ્થિત ફીરદોશ અમૃત સ્કૂલમાં ગુજરાત બોર્ડ અને CBSE બોર્ડ બંને ચાલી રહ્યાં છે.પરંતુ સ્કૂલ દ્વારા ત્રણ દિવસ અગાઉ વાલીઓને ફોન કરીને મિટિંગ માટે જાણ કરવામાં આવી હતી. આ મીટીંગ દરમ્યાન ધોરણ 8ના વાલીઓને જણાવવામાં આવ્યું કે ગુજરાત બોર્ડ બંધ થઈ રહ્યું છે. જેથી તમારા બાળકને ભણાવવા હોય તો CBSE બોર્ડમાં એડમિશન લેવું પડશે અથવા તો સ્કૂલ છોડવી પડશે. વાલીઓ જ્યારે મેનેજમેન્ટને મળવા પહોંચ્યા ત્યારે મેનેજમેન્ટ તરફથી કોઈ જવાબ આપવામાં આવ્યો ન હતો.
દરેક વાલીને અલગ અલગ જવાબ મળી રહ્યા હતાં
વાલીઓનો આક્ષેપ હતો કે સ્કૂલના પ્રિન્સિપલ અને મેનેજમેન્ટ અમને યોગ્ય જવાબ આપતા નથી અને દરેક વાલીને અલગ અલગ જવાબ આપવામાં આવી રહ્યા હતા. વાલીઓ જ્યારે મેનેજમેન્ટમાં રહેલા વ્યક્તિને ફોન કરતા હતા ત્યારે તેઓ ફોન ઉપાડીને રોંગ નંબર કહીને ફોન મૂકી દેતા હતાં. વાલીઓની એક જ માંગ હતી કે સ્કૂલ જો કોઈ કારણસર ગુજરાત બોર્ડ બંધ કરતી હોય તો સાથે CBSE બોર્ડ પર બંધ કરે. તમામ વાલીઓની રજૂઆત સ્કૂલ મેનેજમેન્ટે સાંભળી અને ગુજરાત બોર્ડ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. આ બાબતે હમ દેખેંગે ન્યુઝ દ્વારા સ્કૂલ મેનેજમેન્ટ નો સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો.
આ પણ વાંચોઃનવી પેઢી ગુજરાતી ભાષા સાથે જોડાયેલી રહે તે માટે વેબસાઈટ અને ઍપ લૉન્ચ