જો કોંગ્રેસ પરેશ ધાનાણીને રાજકોટથી ચૂંટણી લડાવે તો ભાજપને જીતવું ભારે પડી શકેઃ જુઓ વીડિયો
અમદાવાદ, 21 માર્ચ 2024, ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને જબરદસ્ત રસાકસી જામી રહી છે. ભાજપ અને કોંગ્રેસ આજકાલમાં જ પોતાના નામ જાહેર કરી શકે છે. ભાજપે 22 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. હાલમાં સૌથી કપરી સ્થિતિ કોંગ્રેસની છે. કોંગ્રેસને કદાવર ઉમેદવારો મળી રહ્યાં નથી.કોંગ્રેસ આજે વધુ 10 ઉમેદવારોની જાહેરાત કરી શકે છે. આ 10 ઉમેદવારોની ટિકિટ ફાઈનલ છે અને ટેલિફોનિક જાણ કરી દેવામાં આવી છે. હવે ચોંકાવનારી બાબત એ છે કે, ભાજપે રાજકોટ બેઠક પર કેન્દ્રીય મંત્રી પુરુષોતમ રૂપાલાને મેદાને ઉતાર્યા છે. પરંતુ જો કોંગ્રેસ પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણીને ટીકિટ આપે તો પુરૂષોત્તમજીને જીતવું ભારે પડી શકે એમ છે. જો આમ થશે તો 22 વર્ષ બાદ રાજકોટમાં પુરૂષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણી વચ્ચે જંગ જામશે.
પરેશ ધાનાણીને નબળા ગણવાની ભૂલ ભાજપ નહીં કરે
રાજકોટ બેઠક પર કોંગ્રેસ પરેશ ધાનાણીને મેદાનમાં ઉતારી શકે છે. તેઓ ગત લોકસભામાં અમરેલીથી હારી ગયા હતાં. હવે રાજકોટ બેઠક પર જબરદસ્ત ટક્કર થાય તેવી શક્યતાઓ છે. આ બેઠક પર કડવા અને લેઉઆ પાટીદાર ઉમેદવાર વચ્ચે ચૂંટણીનો જંગ ખેલાવાનો છે.૨૦૦૨માં પરેશ ધાનાણીએ વિધાનસભાની ચૂંટણીમાં અમરેલીની બેઠક પરથી રૂપાલાને 16 હજાર મતોથી હરાવ્યા હતાં.રાજકોટ બેઠક પર ચાર લાખ લેઉવા પટેલ અને એક લાખ કડવા પટેલ મતદારો છે.રાજકોટ ભાજપનો ગઢ હોવાથી કોંગ્રેસને રૂપાલા ભારે પડી શકે છે પણ પરેશ ધાનાણીને નબળા ગણવાની ભૂલ ભાજપ નહીં કરે.
યુવાન વયે ભાજપના મજબૂત નેતાઓને હરાવ્યા
પરેશ ધાનાણીએ અગાઉ પુરુષોત્તમ રૂપાલા, દિલીપ સંઘાણી અને બાવકુ ઉંધાડ જેવા ભાજપના દિગ્ગજોને હરાવ્યા હતા. યુવા વયે ભાજપના મજબૂત નેતાઓને હરાવીને રાજકીય કારકિર્દીની શરૂઆત કરનારા પરેશ ધાનાણીને સ્વાભાવિક રીતે જ વિપક્ષના નેતા બનવાની તક યુવા વયે જ મળી ગઈ હતી. રાજકોટમાં કૉલેજ કાળથી એનએસયુઆઈ સાથે જોડાઈ ગયેલા ધાનાણી વર્ષ 2001માં અમરેલી જિલ્લા યુવા કૉંગ્રેસ પ્રમુખ બન્યા હતા.ભાજપને હેટ્રીક મારતો રોકવા માટે કોંગ્રેસ પણ મજબૂત ઉમેદવારોને મેદાનમાં ઉતારી રહી છે. ભાજપે પોતાના બે કેન્દ્રીય મંત્રીઓ મનસુખ માંડવીયાને પોરબંદર અને પરસોત્તમ રૂપાલાને રાજકોટથી ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. જેમાં પોરબંદરમાં કોંગ્રેસે ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાને ટિકીટ આપી છે. હવે રાજકોટ બેઠક પરેશ ધાનાણીને ટીકિટ મળે છે કે નહીં તેની પર સૌ કોઈની નજર છે.
2004ની જેમ ગુજરાતમાં ડબલ ડિજિટથી કોંગ્રેસ આવશે
પરેશ ધાનાણીએ મીડિયાના સવાલના જવાબમાં કહ્યું હતું કે, ટિકિટનો નિર્ણય તો પાર્ટી લેશે, આપ લોકોનો પ્રેમ છે એટલે મારું નામ આવી રહ્યું છે, હજી કોઈ સત્તાવાર મને ફોન આવ્યો નથી, લડવામાં તો વૈચારિક લડાઈ છે વ્યક્તિગત લડાઈ નથી. લડનારા લોકો હારે અને જીતે. ગુજરાતના લોકો ભાજપથી કંટાળી ગયા છે 20 વર્ષથી પંચાયતથી પાર્લામેન્ટમાં ભાજપનું શાસન છે. રૂપાલા જીતશે શું કામ એ મને કયો પાંચ લાખ તો દૂરની વાત છે એને જીતવાનું કોઈ ચોક્કસ કારણ કહો, રૂપાલા જીતે એવો પ્રચાર છે એવું કાંઈ નથી. 2004ની જેમ ગુજરાતમાં ડબલ ડિજિટથી કોંગ્રેસ આવશે.
આ પણ વાંચોઃગુજરાતમાં માઇનિંગ પ્રોજેકટ માટે ભાજપને ઈલેક્ટોરલ બોન્ડથી 70 કરોડનું ફંડ મળ્યુંઃ કોંગ્રેસ