ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

વડાપ્રધાનના નિવાસસ્થાન પાસે એક જ નંબરની બે ગાડી કેમ ઊભી હતી? PMની સલામતી પર જોખમ છે?

Text To Speech

નવી દિલ્હી, 20 માર્ચઃ નવી દિલ્હીના સૌથી સુરક્ષિત ગણાતા અને વડાપ્રધાનના નિવાસસ્થાનથી એકદમ નજીકના તુગલક રોડ ઉપર એક નંબરની બે ઈનોવા કાર જોવા મળતા સલામતી દળોમાં દોડધામ મચી છે.

પ્રાથમિક અહેવાલ અનુસાર તુગલક રોડ ઉપર વીઆઈપીની સુરક્ષામાં તહેનાત એક કર્મીની નજર થોડા થોડા અંતરે ઊભેલી બે ઈનોવા ગાડી ઉપર પડી હતી જેમના બંનેના નંબર એક જ હતા. બંને ગાડી લાંબા સમયથી ત્યાં એક જ જગ્યાએ ઊભેલી જોયા પછી એ સુરક્ષાકર્મીને આશંકા પડતા તેણે તેના અન્ય સહાયકને ફોન દ્વારા આ વાતની જાણ કરી. આ ઘટના 18મી માર્ચે સાંજે બની હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ 18મીએ સાંજે લગભગ 6.20 વાગ્યે પીસીઆર કૉલ આવતાં તુગલક રોડ પોલીસ ચોકીમાં દોડધામ મચી ગઈ હતી. અલગ અલગ ટીમોએ એ સ્થળે પહોંચીને બંને કારને જપ્ત કરી લીધી હતી. પોલીસે આઈપીસી કલમ 471 તથા 482 હેઠળ કેસ દાખલ કર્યો હતો.

જોકે તપાસ આગળ વધ્યા બાદ કાર માલિકની ઓળક કરી લેવામાં આવી છે. આ બંને કાર ફરીદાબાદના એક નાગરિકના નામે છે. આ વ્યક્તિનું એક ઘર દક્ષિણ દિલ્હીમાં પણ છે. આશ્ચર્યની વાત એ છે કે, એક કાર ઉપર અસલી નંબર પ્લેટ લગાવેલી હતી અને બીજી કારની નંબર પ્લેટ એક સરખા નંબરની પણ નકલી હતી.

પોલીસને જાણવા મળ્યું કે, બેમાંથી એક કારના ટાયરમાં પંચર થવાથી ડ્રાઈવર કાર ત્યાં જ મૂકીને ચાલ્યો ગયો હતો. જોકે, હજુ સુધી આ કાર માટે કોઈએ માલિકી હક બતાવ્યો નથી. એક જ નંબરની બે કાર વડાપ્રધાનના નિવાસસ્થાન નજીકના વિસ્તારમાંથી મળી હોવાથી મામલો સંવેદનશીલ બની ગયો છે અને તેથી તમામ સુરક્ષા એજન્સી તેની સંપૂર્ણ તપાસમાં લાગી ગઈ છે.

આ પણ વાંચોઃ ISISના આતંકી હેરિસ ફારુકી અને તેના સાગરિતને આસામ STFએ ઝડપી લીધા

Back to top button