ટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

Zomatoએ છેવટે કેમ એક જ દિવસમાં વેજ ફ્લીટનો નિર્ણય પાછો ખેંચ્યો? જાણો સમગ્ર મામલો

ગુડગાંવ (હરિયાણા), 20 માર્ચ: ‘પ્યોર વેજ મોડ’ની જાહેરાત પર ગ્રાહકોએ વિરોધ વ્યક્ત કરતાં ઑનલાઈન ફૂડ ડિલિવરી એપ Zomatoએ સ્પષ્ટ કર્યું છે કે તેના તમામ ડિલિવરી પાર્ટનર્સ લાલ કપડાં પહેરવાનું ચાલુ રાખશે. Zomatoએ નવી સર્વિસ હેઠળ વેજીટેરિયન ફૂડ ડિલિવરી કરનારા લોકો માટે ગ્રીન યુનિફોર્મ રજૂ કરવાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે. Zomatoના CEO દીપેન્દ્ર ગોયલે આજે સવારે પોસ્ટ કર્યું કે, અમે શાકાહારીઓ માટે લીલા રંગના ડ્રેસ કોડનો ઉપયોગ કરવાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે. અમારા રેગ્યુલર ડિલિવરી ફ્લીટ (ડિલિવરી ભાગીદારોનું જૂથ) અને શાકાહારી ફ્લીટ બંને લાલ રંગના ડ્રેસમાં જ રહેશે.

લાલ ડ્રેસ બધા માટે ચાલુ રહેશે

Zomatoના CEO દીપેન્દ્ર ગોયલના જણાવ્યા અનુસાર, કંપની શાકાહારીઓ માટે એક અલગ ફ્લીટ ચાલુ રાખશે. પરંતુ આ ફ્લીટમાં લીલા રંગનો ઉપયોગ કરવામાં આવશે નહીં. કંપનીના તમામ રાઇડર્સ લાલ ડ્રેસ પહેરવાનું ચાલુ રાખશે.

શાકાહારી માટે ખાસ વિકલ્પ રહેશે

ગોયલના જણાવ્યા અનુસાર, જે ગ્રાહકો ‘પ્યોર વેજ’ વિકલ્પ પસંદ કરે છે તેઓ મોબાઈલ એપ પર જોઈ શકે છે કે તેમના ઑર્ડરની ડિલિવરી ‘વેજ ઑન્લી’ ફ્લીટ દ્વારા કરવામાં આવશે. તેમણે કહ્યું કે આ સુનિશ્ચિત કરશે કે અમારા લાલ ડ્રેસવાળા ડિલિવરી પાર્ટનર્સ ખોટી રીતે નૉન-વેજ ફૂડ સાથે જોડાયેલા નથી અને કોઈ ચોક્કસ દિવસ દરમિયાન અથવા સોસાયટી દ્વારા તેમને અવરોધિત કરવામાં આવશે નહીં. ગોયલે નવી પોસ્ટમાં કહ્યું છે કે અમને હવે સમજાયું છે કે અમારા કેટલાક કસ્ટમર્સને તેમના મકાનમાલિકો સાથે સમસ્યા હોઈ શકે છે. અમારા કારણે આવું થાય તો તે બિલકુલ સારું નથી.

Zomatoની ‘પ્યોર વેજ મોડ’ સર્વિસથી વિવાદ ઊભો થયો હતો

Zomatoએ 100% શાકાહારી ખોરાક પસંદ કરતા ગ્રાહકો માટે મંગળવારે ‘પ્યોર વેજ મોડ’ લૉન્ચ કરવાની જાહેરાત કરી હતી. જે બાદ સોશિયલ મીડિયા પર ભારે વિવાદ ઊભો થયો હતો. કેટલાક યુઝર્સે તેને આધુનિક સમયમાં જાતિવાદનું સ્વરૂપ ગણાવ્યું હતું. અન્ય લોકોએ કહ્યું કે, લાલ કપડાં જોયા પછી ડિલિવરી બૉયને તેમના એપાર્ટમેન્ટ કોમ્પલેક્સમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવામાં આવી શકે છે જ્યાં વધુ શાકાહારી લોકો રહે છે. આનાથી નૉન-વેજ ખોરાકનો ઑર્ડર આપનારાઓને અસુવિધા પેદા થઈ શકે છે. કેટલાક યુઝર્સે એમ પણ કહ્યું હતું કે આનાથી નૉનવેજ ફૂડનો ઑર્ડર આપતા ભાડૂતોને સમસ્યા થઈ શકે છે.

આ પણ વાંચો: Zomatoએ મહિલા ડિલિવરી પાર્ટનર્સ માટે રજૂ કર્યો નવો યુનિફોર્મ, ડિઝાઇન જોઈ કંપનીની થઈ પ્રશંસા

Back to top button