નવસારીમાં સી.આર.પાટીલ સામે મુમતાઝ પટેલનું નામ ચર્ચાતા કોંગી કાર્યકરો મૂંઝવણમાં
અમદાવાદ, 19 માર્ચ 2024, ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન થયું છે. ત્યારે ભરૂચ બેઠક પરથી કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ અને મુમતાઝ પટેલ ચૂંટણી લડવા માટે તૈયાર હતાં. પરંતુ આ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવાને ઉમેદવારી કરવાની તક મળતાં બંને ભાઈ બહેનનું પત્તુ કપાઈ ગયું હતું. બંને જણા ગઠબંધનના કારણે નારાજ થયાં હતાં. ત્યારે હવે કોંગ્રેસ મોટો દાવ કરવા જઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. ભાજપે નવસારી બેઠક પર પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને રિપિટ કર્યાં છે. તેમની સામે હવે કોંગ્રેસ દિવંગત નેતા અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલને ઉતારવાની તૈયારીમાં છે. બીજી બાજુ નવસારીમાં આયાતી ઉમેદવારનું નામ ચર્ચાતા કાર્યકરોમાં પણ નિરાશા વ્યાપી છે. આ બેઠક પર સ્થાનિક ઉમેદવારને ટીકિટ મળે તેવો મત વ્યક્ત કરવામાં આવ્યો છે.
મુમતાઝનું નામ આવતાં કોંગ્રેસના કાર્યકરોની મેરેથોન બેઠક
સોમવારે કોંગ્રેસ અગ્રણી નૈષધ દેસાઈના સુરત ખાતેના ઈશ્વર ફામ ખાતે કોંગ્રેસી અગ્રણીઓ દ્વારા મેરેથોન બેઠક કરાઇ હતી. જાતિગત સમીકરણની દ્રષ્ટિએ પણ આ બેઠક પર મુમતાઝ પટેલ નહીં થાય એવી ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે. ચર્ચાઓ મુજબ કોળી, અનાવિલ સહિત આદિવાસી મતદાર ધરાવતી નવસારી લોકસભા બેઠક ઉપર સાંસદ સી.આર પાટીલની સામે મજબૂત તેમજ લોકપ્રિય ચહેરવો ઉતારવો પડે તેની સામે મુમતાઝ પટેલ પ્રથમ તો આ લોકસભા બેઠક પર રહેતા નથી અને સ્થાનિક રાજકરણ, મુદ્દાઓ, કાર્યકરો, સંગઠન જેવા મુદ્દાઓથી અજાણ છે. આવી સ્થિતિમાં કોંગ્રેસને પાટીલની ગત ટર્મની લીડ વધશે તેઓ ભય કોંગ્રેસીઓને સતાવી રહ્યો છે.
મુમતાઝ પટેલનું નામ આવતા કોંગ્રેસી કાર્યકરો નિરાશ
ગુજરાતમાં 26 બેઠકો પર નવસારી સૌથી વધુ ધ્યાન આકર્ષિત કરતી બેઠક માનવામાં આવે છે. કારણ કે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ આ બેઠકના સિટિંગ સાંસદ હોવા સાથે હાલમાં ભાજપના ઉમેદવાર છે સાથે જ ગત ટર્મમાં તેમણે છ લાખથી વધુ લીડ સાથે જીત મેળવી હતી. પાટીલ આ સીટ પર છેલ્લા ત્રણ ટર્મથી જીત મેળવતા આવ્યા છે. તેમની સામે ટક્કર આપવા માટે કોઈ સક્ષમ ઉમેદવાર ઉતારવો પડે તે માટે અત્યાર સુધી સુરત અને નવસારી જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓ વિચારમાં હતા ત્યારે એકાએક મુમતાઝ પટેલનું નામ આવતા કોંગ્રેસી કાર્યકરો નિરાશ થયા હશે.
મુમતાઝના નામથી રાજકારણ ગરમાયું
નવસારી માટે મુમતાઝ પટેલનું નામ ચર્ચામં આવતા જ નવસારી અને સુરત કોંગ્રેસના આગેવાનો ચિંતામાં મુકાયા છે અને બેઠકોનો દોર શરૂ થયો છે. જોકે મુમતાઝ પટેલ નવસારી લોકસભામાં ચુંટણી ન લડે એવા પ્રયાસો પણ શરૂ થયા છે. નવસારી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શૈલેષ પટેલે આડકતરી રીતે મુમતાઝ પટેલને ચૂંટણી જંગમાં ન ઉતરે એનો સંદેશ આપ્યો છે.શૈલેષ પટેલે જણાવ્યું કે, મુમતાઝ પટેલ સામે ઉજ્જવળ ભવિષ્ય છે, અહીંથી ચૂંટણી લડવી કે નહીં એ તેમણે વિચારવાનું છે, કારણ આગળ પાર્ટી રાષ્ટ્રીય લેવલે તેમને જવાબદારી આપી શકે છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનના દિલ્હીના મોવડી મંડળને પણ સ્થાનિક સંગઠનના જ મજબૂત માણસને નવસારીથી ચુંટણી લડાવવા રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં જો મુમતાઝ પટેલને ટિકિટ આપવામાં આવે, તો ખભેથી ખભે મળાવીને સી. આર. પાટીલને હરાવવા મજબૂતીથી લડીશું.
આ પણ વાંચોઃભાજપ-કોંગ્રેસમાં મામલો બિચક્યોઃ ગુજરાતમાં લોકસભાની બે બેઠક પર નવાજૂનીના એંધાણ