તાલિબાને અફઘાનિસ્તાન પર હવાઈ હુમલાનો બદલો લીધો, પાકિસ્તાનમાં લશ્કરી ચોકીઓને નિશાન બનાવી
અફઘાનિસ્તાન, 19 માર્ચ 2024: અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનના હવાઈ હુમલા બાદ બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે. પાકિસ્તાને અફઘાનિસ્તાનના સરહદી વિસ્તારોમાં હવાઈ હુમલા કર્યા હતા. તાલિબાને પાકિસ્તાનના આ હવાઈ હુમલાનો બદલો લીધો અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો. તાલિબાન દળોએ પાકિસ્તાનની સૈન્ય ચોકીઓને નિશાન બનાવી ભારે બોમ્બમારો અને ગોળીબાર કર્યો હતો.
એવું કહેવામાં આવી રહ્યું છે કે તાલિબાન સૈનિકોએ પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદ ડ્યુરન્ડ લાઇન પર બુર્કીમાં ગોળીબાર અને બોમ્બમારો કર્યો હતો. આ દરમિયાન ઓછામાં ઓછા ત્રણ પાકિસ્તાની સૈનિકો ઘાયલ થયા હતા. પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની સેનાઓ વચ્ચે સરહદ પર લોહિયાળ અથડામણ પણ થઈ હતી.તાલિબાનના નેતૃત્વ હેઠળના સંરક્ષણ મંત્રાલયનું કહેવું છે કે પાકિસ્તાનના હુમલાના જવાબમાં તાલિબાની સરહદી દળોએ ભારે હથિયારો વડે પાકિસ્તાની ચોકીઓને નિશાન બનાવી હતી. મંત્રાલયે એમ પણ કહ્યું કે સુરક્ષા દળો અફઘાનિસ્તાનની સુરક્ષા માટે કોઈપણ આક્રમક કાર્યવાહીનો જવાબ આપવા માટે તૈયાર છે અને કોઈપણ સંજોગોમાં પ્રાદેશિક અખંડિતતાનું રક્ષણ કરશે.
પાકિસ્તાની હુમલામાં 8 લોકોના મોત થયા
તાલિબાનના નેતૃત્વ હેઠળના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની યુદ્ધ વિમાનો ફરી એકવાર અફઘાન ક્ષેત્રમાં પ્રવેશ્યા અને પક્તિકા પ્રાંતના બરમેલ જિલ્લામાં અને ખોસ્ટ પ્રાંતના સેપેરા જિલ્લામાં નાગરિકોના ઘરો પર બોમ્બમારો કર્યો. જેમાં મહિલાઓ અને બાળકો સહિત ઓછામાં ઓછા આઠ લોકોના મોત થયા હતા. જેમાં પાંચ મહિલાઓ અને ત્રણ બાળકોનો સમાવેશ થાય છે.