ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કોલકાતામાં નિર્માણધીન ઈમારત ધરાશાયી થતાં 4નાં મૃત્યુ, અનેક લોકો કાટમાળમાં ફસાયા

Text To Speech

કોલકાતા (પશ્ચિમ બંગાળ), 18 માર્ચ: રવિવારની મોડી રાતે કોલકાતાના ગાર્ડન રીચ વિસ્તારમાં એક નિર્માણાધીન બહુમાળી ઈમારત ધરાશાયી થઈ હતી. આ ભયાનક ઘટનામાં અત્યાર સુધીમાં 4 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ ઉપરાંત, કાટમાળ નીચે દબાઈ જવાને કારણે અનેક લોકો ઈજાગ્રસ્ત બન્યા છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, બિલ્ડિંગ ધરાશાયી થતાં પહેલા કોંક્રીટના ટુકડા પડ્યા હતા. જ્યારે ઈમારત પડી ત્યારે જોરદાર અવાજ આવ્યો અને સમગ્ર વિસ્તારમાં ધૂળના વાદળો છવાઈ ગયા હતા. આ ગીચ વસ્તીવાળા વિસ્તારમાં ઇમારતનો કાટમાળ નજીકની ઝૂંપડપટ્ટીઓ પર પણ પડ્યો હતો.

કાટમાળામાં દટાયેલા લોકોનું કરાયું રેસ્ક્યૂ ઑપરેશન

પોલીસે જણાવ્યું કે કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર 134 હેઠળ ગાર્ડન રીચ વિસ્તારમાં 5 માળની ઇમારત બનાવવામાં આવી રહી છે. ઈમારત રવિવારે રાત્રે લગભગ 12 વાગ્યે પત્તાની જેમ ધરાશાયી થઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ટીમે કાટમાળ નીચે દટાયેલા 10 લોકોને બચાવ્યા અને તેમને નજીકની કલકત્તા મેડિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ કર્યા. જો કે, આ ઘટનામાં અત્યાર સુધીમાં 4 લોકોનાં મૃત્યુ થયા છે.

સીએમ મમતા બેનર્જીએ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો

સીએમ મમતા બેનર્જીએ પણ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું છે, કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડન રીચ વિસ્તારમાં એક નિર્માણાધીન બિલ્ડીંગ પડી જવા અંગે જાણીને દુઃખ થયું. અમારા મેયર, ફાયર મિનિસ્ટર, સેક્રેટરી અને પોલીસ કમિશનર, નાગરિકો, પોલીસ, ફાયર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓ અને ટીમો (NDRF, KMC અને KP ટીમો સહિત) સ્થિતિને પહોંચી વળવા બચાવ કામગીરી કરી રહ્યા છે.

આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો, કારનું પડીકુ વડી જતા 3 લોકોના મૃત્યુ

Back to top button